વડોદરા હીટ એન્ડ રનઃ બીજો ફરાર આરોપી પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે

નશામાં ધૂત કાર ચાલકે કેટલાક લોકોને અડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું-વડોદરામાં કારેલીબાગ અકસ્માતમાં રક્ષિતની ધરપકડ કરી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું
વડોદરા, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી ચારરસ્તા પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક મહિલાનું મોત અને ૭ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આરોપી રક્ષિતની ધરપકડ કરી ઘટનાનું રિકન્સટ્ક્શન કર્યુ હતું. આરોપીને છાતીમાં દુઃખાવો થતાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે.
નશામાં ધૂત કાર ચાલકે કેટલાક લોકોને અડફેટે લેતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ભયાનક અક્માત થતાં સ્થાનિક પોલીસ માહિતીના આધારે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત સર્જનાર કાર ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટનામાં સંયુક્ત પોલીસ કમિશનર લીના પાટીલે કહ્યું છે કે અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ૭ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સમયે કારમાં બે લોકો હતા, જેમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. બીજો ફરાર આરોપી મીત ચૌહાણ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. પોલીસે તેને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં હેમાલીબેન પટેલનું મૃત્યુ થયું છે. ગઈકાલે તે ધુળેટી હોઈ માટે રંગ લેવા ગયા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
આ ઉપરાંત, ૧૨ વર્ષની જૈની, ૩૫ વર્ષની નિશાબેન, એક અજાણી ૧૦ વર્ષની છોકરી અને એક અજાણી ૪૦ વર્ષીય પુરુષ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સાંસદ ડો. હેમાંગ જોશી, કાઉન્સિલર જાગૃતિ કાકા સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી. તેમણે ઘાયલોને સારવાર પૂરી પાડવા માટે ડોક્ટરોને પણ સૂચના આપી છે.
અકસ્માતમાં વિકાસ કેવલાની, જયેશ અને કોમલ ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત કોમલની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બીજીતરફ અકસ્માત સર્જનાર કાર ચાલક રક્ષિત ચોરાસીયાએ લૂલો બચાવ કર્યો હતો. જેમાં તેણે મેં કોઈ દારૂ કે ડ્રગ્સનું સેવન કર્યું ન હોવાનું જણાવ્યું હતું.