IPS અધિકારીના નામે વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ બનાવી રૂ. ર૩ લાખ પડાવી લીધા

વડોદરા, આજવા રોડ પર આવેલ ધ પેલેસ સોસાયટીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધે દિલ્હીના સાયબર ક્રાઈમ બ્રાન્ચના આઈપીએસ અધિકારી રાકેશકુમાર અને અભય મિશ્રા નામના શખ્સોએ મનિ લોન્ડરીંગ કેસમાં ધરપકડ કરવાના બહાને ડિજિટલ એરેસ્ટ બનાવી દઈ રૂ.ર૩ લાખની રકમ પડાવી લીધાની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં વૃદ્ધ તેના ઘેર હતા ત્યારે ગત તા.ર૧/રરના અજાણ્યા શખ્સે ફોન કર્યાે હતો અને ફોન કરનાર વ્યક્તિએ અભય મિશ્રા તરીકે ઓળખી આપી હતી અને તમારું આધારકાર્ડ મનિ લોન્ડરીંગ કેસમાં ઉપયોગ થયાનું જણાવ્યું હતું. બાદમાં દિલ્હી સાયબર ક્રાઈમ પોલીસના આઈપીએસ અધિકારી રાકેશકુમાર તરીકે ઓળખ આપી હતી અને અશોક ગુપ્તા નામના શખ્સની રૂ.૬.૮૦ કરોડના મનિ લોન્ડરીંગ કેસમાં ધરપકડ થઈ છે.
તેની તપાસમાં તમને રૂ.એક લાખની રોકડ અને દસ ટકા કમિશન તમારા બેન્ક ખાતામાં જમા થયું છે અને ધરપકડ કરવી પડશે અને તમારી મિલકત અને બેન્ક ખાતાની તપાસ કરવાની વાત કરી હતી.
બાદમાં ફોન કરનાર શખ્સે વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી દઈ વીડિયો કોલ કરીને સીબીઆઈ લેટરપેડવાળો લેટર મોકલ્યો હતો અને વૃદ્ધ પાસેથી રૂ.ર૩ લાખની રકમ બેન્ક અને આરટીજીએસથી પડાવી લીધી હતી અને બાદમાં આ નાણાં તપાસ પૂર્ણ થયા બાદ પરત આપી દેવાનું જણાવ્યું હતું.
તેમજ વૃદ્ધને અન્ય બેન્કમાં રપ લાખની એફડી હોય તે તોડાવવા મોકલ્યા હતા પરંતુ બેન્ક બંધ હોય આ રકમ બચી ગઈ હતી. બાદમાં પરિવારને સઘળી હકીકત જણાવતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.