Western Times News

Gujarati News

શિયાળો ગાળવા આવેલું ગાજ હંસ અને શાહીન ફાલ્કન વડોદરામાં દોરીની લપેટમાં આવતા ઘાયલ

કરુણા અભિયાન હેઠળ તા. ૧૪ના રોજ ૨૮૧ પક્ષીઓ થયા ઘાયલ૨૫૧ પક્ષીઓને બચાવી શકાયા

ઉત્તરાયણ પર્વના દિવસે દોરીથી ઘાયલ વડોદરાના ૩૫ લોકો ૧૦૮ મારફત દવાખાને ખસેડાયા

વડોદરા, વડોદરા શહેર અને જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસપૂર્વક મનાવવામાં આવેલા મકરસંક્રાતિમાં એક તરફ લોકો આકાશમાં પતંગ ઉડાવવાનો આનંદ માણતા હતા તો બીજી તરફ રાજ્ય સરકારના કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓ ઉપરાંત ૧૦૮ આપત્તકાલીન સેવાની એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી. આ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયેલા ૩૫ નાગરિકોને ૧૦૮ મારફત દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. કરુણા અભિયાન અંતર્ગત ૨૮૧ પક્ષીઓને વન વિભાગ, પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી હતી.

ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગની ૧૦૮ આપત્તકાલીન સેવાની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ ખડેપગે રહી હતી. તા. ૧૪ના એક જ દિવસે વડોદરા શહેર અને જિલ્લામાં કુલ ૩૨૮ લોકોએ મદદ માંગી હતી. જેમાંથી ૨૬૦ દર્દીઓને દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૩૫ લોકો પતંગના દોરાથી ઘાયલ થયા હતા. આવી રીતે ઘાયલ દર્દીઓને પણ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સારવાર કરાવવામાં આવી હતી.

ખીહર પર્વને ધ્યાને રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની રાહબરીમાં સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેરમાં કમાટી બાગ સ્થિત એનિમલ રેસ્ક્યુ સેન્ટર ખાતે તા. ૧૦થી ૧૪ દરમિયાન ૩૭૬ ઘાયલ પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાંથી ૩૪૬ પક્ષીઓને પશુપાલન ખાતા, સ્વૈચ્છિક સંસ્થાઓના વેટનરી તબીબોએ સારવાર આપી બચાવી લીધા હતા. જ્યારે, ૩૦ પક્ષીઓ મૃત્યું પામ્યા હતા. જેમાં તમામ કબૂતરો હતો.

પતંગની દોરી પક્ષીઓ માટે કેવી ઘાતક બને છે ? એ આ આંકડા ઉપરથી જાણી શકાય છે. ઉક્ત આંકડામાં માત્ર ઉત્તરાયણના દિવસની વિગતો જોઇએ તો આ એક જ દિવસમાં ૨૮૧ પક્ષી ઘાયલ થયા હતા. જેમાંથી ૩૦ પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા. ૨૫૧ પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા હતા.

વિશેષ વાત તો એ છે કે સાયબેરિયા જેવા ઠંડા પ્રદેશોમાંથી કામચલાઉ સ્થળાંતર કરી વડોદરા જિલ્લામાં શિયાળો ગાળવા માટે આવતા ગાજ હંસ પણ પતંગના દોરાનું નિશાન બન્યું હતું. મુક્ત ગગનમાં વિહાર કરતી વેળાએ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં પતંગના દોરાથી ઘાયલ થઇ નીચે ફસડાઇ પડ્યું હતું. જેને સારવાર આપી એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. સારી વાત એ છે કે, તેને પાંખમાં બહુ ઇજા થઇ નથી. ઉડી જવા માટે તેને મુક્ત સ્થળે રાખવામાં આવ્યું છે.

આ ઉત્તરાયણમાં શાહીન ફાલ્કન પણ ઘાયલ થયું છે. છેલ્લી દસેક ઉત્તરાયણની સંખ્યા જોઇએ તો આ છઠ્ઠું શાહીન ફાલ્કન પતંગના દોરાથી ઘાયલ થયું છે. શાહીન ફાલ્કન એક તો આકાશમાં બહું ઉંચાઇએ ઉડે છે અને સામાન્ય રીતે તે ૩૯૦ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી ઉડી શકે છે. અન્ય પક્ષીનો શિકાર કરવા માટે તીવ્ર ગતિથી જમીન તરફ આવે છે. હવે એમાં તે માંઝાથી ઘાયલ થાય તો જમીન ઉપર પટકાવાથી તેને શરીરના અન્ય ભાગોમાં પણ ઇજા થવાની શક્યતા વધુ રહે છે. એથી બચવાની શક્યતા ઓછી થઇ જાય છે. પણ આ વખતે શાહીન ફાલ્કનને ડાબી પાંખમાં ઇજા થઇ છે. શરીરના અન્ય ભાગમાં ઇજા નોંધાઇ નથી. એથી ફરી ઉડી શકશે.

કમાટી બાગ સ્થિત એનિમલ રેસ્ક્યુ સેન્ટર ખાતે ચાલી રહેલા કરુણા અભિયાનની સાંસદ ડો. હેમાંગ જોશી ઉપરાંત વન વિભાગના ઉચ્ચ અધિકારી શ્રી ટી. કરુપ્પાસામી, શ્રી અંશુમાન શર્માએ મુલાકાત લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.