વડોદરાના મેયર નિલેશ રાઠોડે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લીધી
(એજન્સી)વડોદરા, છેલ્લા ૧૫ દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. વડોદરામાં પણ રોજેરોજ ૧૫ થી ૨૦ નવા કેસ આવી રહ્યા છે. ત્યારે વધતા કોરોના સામે હોસ્પિટલમાં કેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે તેને લઇને વડોદરાના મેયર નિલેશ રાઠોડે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
નિલેશ રાઠોડે ગોત્રી હોસ્પિટલની મુલાકાત લઇ જાત નિરીક્ષણ કર્યુ હતુ. હોસ્પિટલના ડીન અને તબીબો સાથે બેઠક કરી હતી અને કોરોના તેમજ Covid19ના કેસને લઇને માહિતી મેળવી હતી. અત્યારે બેવડી ઋતુના કારણે વાઇરલ કેસ વધી રહ્યા છે અને તેના કારણે જ કોરોનાના કેસ વધી રહ્યા છે.
ત્યારે કોવિડ નિષ્ણાત અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે વધતા કેસથી ગભરાવાની જરૂર નથી. માત્ર થોડી સાવચેતી રાખવાની જરૂર છે. રાજ્યમાં બેવડી ઋતુના કારણે સ્વાઈન ફ્લૂના કેસ પણ વધ્યા છે. રાજ્યમાં પાછલા બે મહિનામાં સ્વાઈન ફ્લૂના ૭૪ દર્દી નોંધાયા છે. તો એક દર્દીનું સ્વાઈન ફ્લૂથી મૃત્યુ પણ થયું.