Western Times News

Gujarati News

નર્મદા કેનાલો ઉપર 13 કિ.મી. લંબાઇમાં સોલાર પેનલથી 29.51 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થઈ

સમાનિમેટા અને રવાલમાં કુલ ૩૫ મેગા વોટ પ્લાન્ટ માટે ૧૧૬૩૬૬ સોલાર પેનલ મૂકી સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરતું સરદાર સરોવર નર્મદા નિગમ

કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આહ્વાનને સરદાર સરોવર નર્મદા નિગમે બખૂબી ઝીલી લીધું છે. વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખા નહેરો ઉપર ૧૩ કિલોમિટર લાંબી સોલાર પેનેલો બેસાડી કરોડો રૂપિયાની વીજળી ઉત્પન્ન કરી છે.

સમાનિમેટા અને રવાલમાંથી પસાર થતી કેનાલ ઉપર લગાવાયેલી સોલાર પેનલ થકી અત્યાર સુધીમાં ૨૯.૫૧ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

સરદાર સરોવર નિગમ દ્વારા વર્ષ ૨૦૧૫માં સમા કેનાલ ખાતે ૩.૬ લંબાઇમાં ૩૩૮૧૬ સોલાર પેનલ મૂકવામાં આવી છે. કેનાલથી ૨૨ મિટર ઉંચે ૧૬૦૦ ટનના મોડ્યુલિંગ સ્ટ્રક્ચર સાથે ૧૪ ઇન્વર્ટર તથા બે ટ્રાન્ફોર્મર પણ મૂકવામાં આવ્યા છે. ૧૦ મેગા વોટના આ પ્રોજેક્ટ દુમાડથી વડોદરા શહેરમાં પ્રવેશતા નાગરિકો માટે આકર્ષણ પણ ઉભું કરે છે. આ પરિયોજના થકી અત્યાર સુધીમાં એટલે કે એક દાયકામાં ૪.૨૩ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન થયું છે.

નિમેટા પાસે કેનાલ ઉપર સૌથી વધુ લંબાઇ ૪ કિલોમિટર લંબાઇનો સોલાર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. ૧૦ મેગા વોટના આ પ્લાન્ટમાં ૧૬૨૩ ટન લોખંડના સ્ટ્રક્ચર ઉપર ૩૩૦૮૦ સોલાર પેનલ બેસાડવામાં આવી છે. મજાની વાત તો એ છે કેસરદાર સરોવર નિગમ દ્વારા કેનાલ પાસે પડતર રહેતી જમીનમાં પણ પણ પાંચ મેગા વોટની ક્ષમતા ધરાવતા સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે.

આ માટે ૧૫૮૭૪ સોલાર મૂકવામાં આવી છે. જે સ્થિતિસ્થાપક છે. એટલે કેસૂર્યપ્રકાશ પ્રમાણે તેને ફેરવી શકાય છે. આ બન્ને પ્લાન્ટ વર્ષ ૨૦૧૭થી કાર્યરત છે. બન્ને પ્લાન્ટની કુલ મળી અત્યાર સુધીમાં કુલ ૧૫.૯૭ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. કુલ મળી ૧૫ મેગા વોટના સોલાર પ્લાન્ટને નિહાળવા માટે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આવે છે.

વાઘોડિયા તાલુકાના રવાલ પાસેથી પસાર થતી શાખા નહેરના કાંઠા ઉપર પણ સોલાર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. ૧૦ મેગા વોટના આ પ્લાન્ટ માટે ૩૩૬૦૦ પેનલ બેસાડવામાં આવી છે. અહીં ૧૦ ઇન્વર્ટર૨ ટ્રાન્ફોર્મર પણ રાખવામાં આવ્યા છે. આ પ્લાન્ટને ઉભો કરવા માટે ૪૪૩ ટન લોખંડનું સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૭થી કાર્યરત આ પ્લાન્ટમાંથી ૯.૩૧ મિલિયન યુનિટી વીજળીનું ઉત્પાદન થયું છે.

 

આમસરદાર સરોવર નિગમ દ્વારા ૧૩ કિલોમિટર લાંબી કેનાલ અને તેના કાંઠા ઉપર ૩૫ મેગા વોટ પ્લાન્ટ માટે ૧૧૬૩૬૬ સોલાર પેનલ મૂકી ૨૯.૫૧ મિલિયન યુનિટી વીજળીનું ઉત્પાદન કર્યું છે. આ યુનિટી સંબંધિત વીજ કંપની દ્વારા મજરે આપવામાં આવે છે. મહત્વ એ વાતનું છે કે સ્વચ્છ ઊર્જા ઉત્પાદિત કરવામાં આવી રહી છે. છે ને આમ કે આમઔર ગુટલી ઓ કે ભી દામ જેવી વાત !

ગુજરાતની ભૌગોલિક સ્થિતને જોતા સામાન્ય સંજોગોમાં સવારના ૭.૩૦ વાગ્યાથી સાંજના ૫.૪૫ વાગ્યા સુધી સોલાર પેનલ થકી સૌરઊર્જાનું ઉત્પાદન થઇ શકે છે. તેમાંય બપોરના ૧૧.૩૦ વાગ્યાથી ૩.૩૦  વાગ્યા સુધીના ચાર કલાક દરમિયાન મહત્તમ સૌરઊર્જા મળે છે. મતબલ કે આ ચાર કલાક તેના પીકઅવર્સ છે.

આ પેનલો ઉપર ધૂળ જામી જતી હોય છે. એટલે એક પખવાડિયા દરમિયાન વારાફરતી તમામ પેનલો સાફ થઇ જાય એ રીતે સફાઇ કરવામાં આવે છે. સૂર્યપ્રકાશ ના હોય ત્યારે પ્રતિદિન ૫૦થી ૬૦ પેનલની સફાઇ કરવામાં આવે છે. તેને ડસ્ટરથી જ સાફ કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.