વડોદરામાં પૂર બાદ સફાઇમાં નીકળેલા ૬૫ મેટ્રિક ટન પ્લાસ્ટિકના કચરાનું કરાયું રિસાયક્લિંગ
૪૩ દિવસ સુધી ચાલેલી સફાઇ ઝૂંબેશ દરમિયાન નીકળેલા કુલ ૬૧૮૦૫ મેટ્રીક ટન કચરા પૈકી ૨૬૮૬૦ મેટ્રીક ટન ભીના કચરાનું બનાવાયું ખાતર
વડોદરામાં તાજેતરમાં આવેલી પૂરની વિભિષિકા બાદ શહેરને ચોખ્ખુ ચણાક કરવા માટે મહાપાલિકા દ્વારા કરાયેલા પરિશ્રમના કેટલાક સુંદર પરિણામો પણ સામે આવ્યા છે. પૂર બાદ મહાપાલિકા દ્વારા કરવામાં આવેલી સફાઇ ઝૂંબેશમાં નીકળેલા કચરાને પણ રિસાયકલ કરવામાં આવ્યો છે. પૂરમાં રાહત અને બચાવની કામગીરી સાથે પર્યાવરણીય નુકસાન કરતા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે.
ઓગસ્ટ માસમાં આવેલા પૂર બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવેલી સૂચનાને પગલે મહાપાલિકા દ્વારા શહેરમાં તાબડતોબ સફાઇ કરવામાં આવી હતી. કદાચ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સફાઇ યુદ્ધને ધોરણે ચાલી હતી અને તેમાં અનેક પ્રકારની મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાએ કહ્યું કે, સામાન્ય રીતે પૂર બાદની સ્થિતિમાં ગંદકીના કારણે રોગચાળો પ્રસરવાની શક્યતા હોય છે. એ વાતને કેન્દ્ર સ્થાને રાખી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલ ૭૫૮ જેટલા વાહનો અને મશીનરીના સહાયે શહેરને ચોખ્ખુ ચણાક કરવામાં આવ્યું હતું.
જેમાં ૪૨૯ કલેક્શન વાન, ૨૯ ગ્રેબ બકેટ, ૨૫ જેટિંગ મશીન, ૧૯ સક્શન મશીન, ૫ સુપર સકર મશીન, ૩ રિસાયક્લર મશીન, ૯૬ જેસીબી મશીન, ૬૬ ડમ્પર અને ૮૬ ટ્રેક્ટરને સફાઇ કામગીરીમાં જોડવામાં આવ્યા હતા. સલામ તો સફાઇકર્મીઓને પણ કરવી જોઇએ. અન્ય શહેરોના મળી કુલ ૪૨૦૦ સ્વચ્છતાકર્મીઓ દ્વારા દિનરાત શહેરને સાફ કરવા માટે મહેનત કરવામાં આવી હતી.
આ મહેનતને પરિણામે શહેરના ચારેય ઝોનના તમામ ૧૯ વોર્ડમાં તા. ૨૯/૦૮/૨૦૨૪ થી તા.૧૩/૧૦/૨૦૨૪ સુધી કૂલ ૬૧૮૦૫ મેટ્રીક ટન કચરો નીકળ્યો હતો. રસપ્રદ વાત તો એ છે કે, અનેક સોસાયટીની બહાર ભીનું અનાજ છોડી દેવામાં આવ્યું હતું. આ ભીનું અનાજ જ રોગચાળાનું કારણ બનતું હોય છે. એટલે તેને તત્કાલ એકત્ર કરવામાં આવ્યું હતું. લાગલગાટ ૪૩ દિવસ સુધી ચાલેલી સફાઇ કામગીરી દરમિયાન નીકળેલા ૬૧૮૦૫ મેટ્રિક ટન કચરા પૈકી ૨૬૮૬૦ મેટ્રીક ટન ભીનો કચરો મકરપુરા ખાતે પ્રોસેસિંગ કરી ખાતર બનાવવામાં આવ્યું તો સૂકા કચરામાંથી રિફયુઝડ ડીરાઇવડ ફયુલ પણ બનાવવામાં આવ્યું.
હવે વાત પ્લાસ્ટિક કચરાની ! પૂર દરમિયાન પ્લાસ્ટિક કચરાની પણ સમસ્યા હતા. આ ઝૂંબેશ દરમિયાન અધધધ.. કહી શકાય એટલો ૬૫ મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટ એકત્રિત કરવામાં આવ્યો હતો અને તેને અટલાદરા ખાતેની પ્રોસેસિંગ, રીસાયકલિંગ ફેસિલિટી ખાતે રિસાયકલિંગ કરવામાં આવ્યો. આ પ્રકારના કચરામાંથી પ્લાસ્ટિકના દાણા બનાવવામાં આવ્યા. આ ઉપરાંત કૂલ ૧૭૯ મેટ્રીક ટન કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટનો પણ નિકાલ કરવામાં આવ્યો છે.