મતદાન જાગૃતિ માટે વડોદરાવાસીઓએ લગાવી દોડ: રન ફોર વોટ યોજાઈ
વડોદરા શહેર જિલ્લાના નાગરિકો આ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન કરી પોતાનો નાગરિક ધર્મ નિભાવે: જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહ
જિલ્લામાં પાંચ વિધાનસભા મત વિભાગોમાં મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ યોજાઈ-રન ફોર વોટ‘માં ઉચ્ચ અધિકારીઓ,યુવાનો, દિવ્યાંગજનો સહિત નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ ‘મતદાન જાગૃતિ‘ અભિયાનનો સંદેશો ફેલાવ્યો
(વડોદરા, તા.૦૫ મે, ૨૦૨૪ રવિવાર) વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.૭ મેના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.વડોદરા લોકસભા અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર દ્વારા ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન TIP અને SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે.
સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેર જિલ્લામાં ‘મતદાન જાગૃતિ’ માટે પખવાડિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જેના ભાગરૂપે રવિવારે વહેલી સવારે શહેરના કમાટીબાગ ખાતેથી યોજાયેલ ‘રન ફોર વોટ’ કાર્યક્રમમાં શહેરીજનો ઉમટી પડી મતદાન જાગૃતિ માટે દોડ લગાવી હતી.વડોદરા શહેર ઉપરાંત કરજણ, ડભોઈ, પાદરા,સાવલી અને વાઘોડીયા વિધાનસભા મત વિભાગમાં પણ મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો.
શહેરના કમાટી બાગ ખાતે યોજાયેલ ‘રન ફોર વોટ’ને જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે,જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા, નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ,નાયબ મ્યુનિ.કમિશનર હસમુખ પ્રજાપતિની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બીજલ શાહે જણાવ્યું કે લોકસભાની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન મંગળવારે થવાનું છે,ત્યારે લોકશાહીના આ અમૂલ્ય અવસરમાં મહત્તમ મતદાન થાય તે માટે રન ફોર વોટ ના માધ્યમથી મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો ફેલાવવામાં
આવ્યો છે.તેમણે વડોદરા શહેર જિલ્લાના નાગરિકોને આ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક મતદાન કરી પોતાનો નાગરિક ધર્મ નિભાવવા ખાસ અપીલ કરી છે.
રન ફોર વોટમાં શહેરના ૮૬ વર્ષના વૃદ્ધાએ પણ દોડ લગાવી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવ્યો હતો.જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બીજલ શાહે આ વયોવૃધ્ધાના ઉત્સાહને બિરદાવ્યો હતો.
કમાટી બાગ ખાતેથી યોજાયેલ આ ‘રન ફોર વોટ’માં ઉચ્ચ અધિકારીઓ, યુવાનો, દિવ્યાંગજનો, પોલીસ જવાનો, હોમગાર્ડ,વરિષ્ઠ નાગરિકો, શિક્ષકો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ સહિત નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો સંદેશો ફેલાવ્યો હતો. કમાટી બાગથી શરૂ થયેલ ‘રન ફોર વોટ’ શહેરના કાલાઘોડા, કોઠી ચાર રસ્તા, બી.એસ.એન.એલ ચાર રસ્તા,જેલ રોડ થઈ કાલાઘોડા થઈ કમાટી બાગ પરત ફરી હતી.