Western Times News

Gujarati News

વિશ્વામિત્રીના પાણી આમોદ નજીક ઢાઢર નદીમાં આવતા આજુબાજુના ગામો જળબંબાકાર

આમોદ – જંબુસરના અનેક ગામોમાં પાણી ફરી વળતા જાહેરમાર્ગો જળમગ્ન

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના આમોદ તાલુકામાં ઢાઢર નદી ગાંડીતુર થતા ૧૦૨ ફૂટ ઉપર વહેતી થતા આજુબાજુના ખેડૂતોના ખેતરો તથા અનેક ગામોમાં પાણી ફરી વળતા મગરોના ભય વચ્ચે જાહેરમાર્ગો ઉપર પણ પાણી ફરી વળતા વાહન ચાલકોએ જીવન જોખમે પસાર થવાની નોબત આવવા સાથે પાણીના વહેણમાં પશુ પાલકોના પશુ પણ તણાઈ જતા કેટલા પશુપાલકો પોતાના પશુઓને જીવના જોખમે બચાવી પણ રહ્યા છે.

સિઝનમાં ગુજરાત ધમરોરાયું છે અને વડોદરા પાણી પાણી થયું છે.જેના પગલે વડોદરા ની વિશ્વામિત્રી ઓવરફ્‌લો થતા પાણીનો પ્રવાહ ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાની ઢાઢર નદીમાં પહોંચતા ઢાઢર નદી ૧૦૨ ફૂટની ઉપર વહી રહી છે.જેના કારણે ઢાઢર નદી ગાંડીતુર થતા ઢાઢર નદીના પાણી ખેડૂતોના ખેતરો તેમજ આજુબાજુના ગામોમાં પહોંચી જતા ઘણા ગામના લોકોનું સ્થાળાંતર કરવામાં આવી રહ્યું છે.

ઢાઢર નદી ગાંડીતુર બનતા જ ખેડૂતોના ખેતરો તળાવ,સરોવર અને બેટમાં ફેરવાયા છે અને ઢાઢર નદીના પાણી જંબુસરના મગણાદ સહિતના અનેક ગામોમાં ફરી વળતા પશુપાલકોના પશુઓ વહેણમાં તણાઈ જતા પશુપાલકોએ પોતાના પશુઓને ધસમસતા પાણીના પ્રવાહ અને મગરોના ભય વચ્ચે પાણીમાં ઉતરી પોતાના પશુઓને બચાવવાના પ્રયાસો કર્યા હતા તો કેટલાક પશુપાલકોના પશુઓ તણાઈ જતા દુધારા પશુઓ તણાઈ જતા પશુપાલકોને આર્થિક મોટું નુકશાન વેઠવાનો વાળો આવ્યો છે.

ઢાઢર નદીના પાણી અનેક ગામોના જાહેરમાર્ગો તથા ગામોમાં ફરી વળતા પાણીના વહેણ માંથી પસાર થતા ટુ વહીલર વાહન ચાલકો પણ પાણીના વહેણમાં તણાઈ રહ્યા હોય અને વાહન ચાલકો પોતાના વાહનો બચાવી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સર્જાય રહ્યાં છે.સાથે જંબુસર મગણાદ,ખાનપુર સહિતના અનેક ગામોના જાહેરમાર્ગો ઉપરથી પાણી વહેતા થતા જ વાહન ચાલકો પણ જીવના જોખમે જળમાર્ગ માંથી પસાર થવા મજબુર બની રહ્યા હોય તેવા અહેવાલો સામે આવી રહ્યા છે.

જોકે ઢાઢર નદી ગાંડીતુર બનતા કેટલાક અવકાશી દ્રશ્યો એટલે કે ડ્રોનની નજરે સમગ્ર જળમાર્ગ કેદ કરવામાં આવ્યા છે.જેમાં જાહેરમાર્ગો સહિત ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હોય અને ખેડૂતોના ખેતરો તળાવો,સરોવરમાં ફેરવાયા હોય તદ્દઉપરાંત ઘણા ગામોમાં પાણી ફરી વળ્યાં હોય તેવા દ્રશ્યો પણ કેદ થયા છે.ત્યારે ઢાઢર નદી ના પાણી કયારે ઓસરાશે તેવી ચિંતા ઢાઢર નદીની આસપાસના ગ્રામજનોને સતાવી રહ્યા છે.

આમોદ ની ઢાઢર નદીમાં મગરોનો વસવાટ નું આશ્રય સ્થાન અને ઢાઢર નદીમાં સતત પાણીની આવક થતા અનેક ગામોના માનવ વસ્તી વિસ્તારમાં મગરો ઘુસ્યા હોય તેમ આમોદના ઈખર ગામે મહાકાય મગર ઝડપાયો તો મગરે ભેંસનો શિકાર કર્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યા હતા.જેના પગલે ઢાઢર નદીના કાંઠા વિસ્તારોના ગામોના લોકોને મગરનો ભય સતાવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.