દુમાડ ચોકડી બ્રિજ પાસે ૬થી ૭ રાઉન્ડ ફાયરિંગ થયું
વડોદરા: વડોદરાની દુમાડ ચોકડી બ્રિજ (vadodara gujarat dumad chokdi bridge 6 round firing stone pelting)પાસે સોમવારે સાંજે ૬થી ૭ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ૨૦થી ૨૫ જેટલા શખ્સોએ ફાયરિંગ સાથે પથ્થરમારો અને લાકડીથી હુમલો પણ કર્યો હતો.
આ ઘટનામાં એક વ્યક્તિને ગોળી વાગી હતી જ્યારે અન્ય ૪ને ઇજા પહોંચી હતી. હુમલાખોર ઐયુબઅલી પઠાણ હુમલો કર્યા બાદ રિવોલ્વર સાથે સીસીટીવીમાં કેદ થયો છે. જેના પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, દુમાડ બ્રિજ પાસે સોમવારે બપોરે એક શ્રમજીવી દંપતી ઇકો કારના ફેરા કરતા રાજુ બોળિયા પાસે આવ્યા હતા.
દંપતીએ વાપી જવા માટે ભાડું પૂછ્યું હતું. રાજુએ વાપી સુધી નહીં પણ ભરૂચ સુધી જવાનો છું એમ કહ્યું હતું. જે બાદ બંન્ને આગળ ગયા હતા. જ્યાં બે માણસો દંપતીને ટ્રકમાં લઇ જવા જબરદસ્તી કરતા જે દરમિયાન મહિલા દોડતી રિક્ષા ચાલક યુવકો પાસે આવી રડતાં રતા મદદ માગતા કહ્યું હતું કે, આ લોકો મારા પતિને મારે છે. અમારે પાછા મજૂરીએ જવું નથી અમને બચાવો. ત્યારબાદ યુવકોએ દંપતીને છોડવાનું કહેતા કારમાં આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યું હતું.
ખાનગી ફાયરિંગના બનાવ અંગે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, નમીસરા ગામે ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા દંપતીએ શેઠ પાસે ૪૦ હજાર રૂપિયા ઉછીના લીધા હતા. ત્યારબાદ તેઓ ચાલ્યા ગયા હતા. જેથી ભઠ્ઠાના ટ્રક ડ્રાઇવર સર્બેશે દંપતીને જોતાં શેઠને જાણ કરી હતી. જે બાદ શેઠ ઐયુબે તેને દંપતી પર નજર રાખવા જણાવ્યું હતું. દુમાડ ચોકડી પાસે લોહીયાળ અથડામણના કેન્દ્રમાં રહેલા ઇંટોના ભઠ્ઠા પર કામ કરતા યુપીના શ્રમજીવી દંપતીને પોલીસ શોધી રહી છે. આ દંપતીને રિક્ષાવાળા ક્યાં મૂકી આવ્યા છે તેની તપાસ માટે પોલીસની એક ટીમ તપાસ કરી રહી છે.