Western Times News

Gujarati News

વડતાલ ‘દ્વિશતાબ્દી મહોત્સવ’ પોથી યાત્રામાં જોડાયા 10 હજાર મહિલા ભક્તો, 10 બગીઓ, 4 ગજરાજ, 30 ઘોડા‌

વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ ‘દ્વિશતાબ્દી મહોત્સવ’નો પ્રારંભ

Nadiad, (સાજીદ સૈયદ દ્વારા) શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ ખાતે 7 નવેમ્બરથી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો દબદબાભર્યો પ્રારંભ થયો છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા નંદ સંતોની પાવનચરણ રજથી અંકિત થયેલી દિવ્યભૂમિ વડતાલમાં 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશના હજારો હરિભક્તોનો પ્રચંડ પ્રવાહ વડતાલધામ તરફ શરૂ થયો છે.

આજે 7 નવેમ્બરને ગુરૂવારના રોજ સવારે 5:30 કલાકે મહેળાવથી શોભાયાત્રા નીકળી હતી. જે સવારે 7:30 કલાકે વલેટવા ચોકડીએ આવી હતી. જ્યાંથી સવારે 8 કલાકે વલેટવા ચોકડીથી પોથીયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં 5 હજાર મહિલા ભક્તો પોતાના મસ્તકે કળશ ધારણ કર્યા હતા અને 5 હજાર મહિલા ભક્તો પોતાના મસ્તકે પોથીયાત્રા લઈ વડતાલ સભામંડપમાં આવ્યા હતા.

આ પોથીયાત્રા કળશયાત્રા તથા શોભાયાત્રામાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશદાસજી, કથાના વક્તા જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) તથા નિત્યસ્વરૂપ સ્વામી (સરધારધામ) ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચોહાણ, નડિયાદ ના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત સંપ્રદાયના મોટેરા સંતો-મહંતો તથા વડતાલ, ગઢડા, જુનાગઢ, ધોલેરાથી પધારેલા સંતો જોડાયા હતા.

આ ઉપરાંત માતૃશ્રી તથા સાંખ્યયોગી માતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપરાંત પંચેશ્વર મહિલા મંડળ, ભુલેશ્વર મહિલા મંડળ, મહિલા મંડળ ભુજ, મહિલા મંડળ કલાકુંજ, 5 હજાર પોથીવાળા બહેનો, 5 હજાર કળશવાળા બહેનો તથા અન્ય બહેનો ઉપરાંત મોટી સંખ્યામાં પુરૂષ હરિભક્તો જોડાયા હતા.

સમગ્ર પોથીયાત્રામાં 10 બગીઓ, શણાગરેલ ટ્રેક્ટરો, 4 ગજરાજ, 30 ઘોડા, ઉપરાંત રામચંદ્ર મ્યુઝીક બેન્ડ, ગોધરા મંદિર બેન્ડ, વીરસદ સત્સંગ મંડળ, નાસીક ઢોલ, બોદાલ ઢોલ, હિમંતનગર બેન્ડ, ભૂંગળોવાળા 2 મંડળ, જ્ઞાનબાગ ભજનમંડળ, પોથીયાત્રામાં મીલેટરી તોપ (ભુજ) આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

આ પોથીયાત્રા વાજતે ગાજતે સવારે 10 કલાકે સભામંડપ સ્થળે પધારી હતી. સમગ્ર મહોત્સવ દરમ્યાન સત્સંગીઓને બે કથા પારાયણ શ્રવણનો લાભ મળનાર છે. જેમાં સવારના સત્રમાં જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) શ્રીજી પ્રસાદી મહાત્મ્ય કથાનું રસપાન કરાવશે. જ્યારે બપોરના સત્રમાં નિત્યસ્વરૂપ સ્વામી (સરધારધામ) શ્રીમદ્ સત્સંગિજીવન કથાનું રસપાન કરાવશે.

આ બંને કથાના મુખ્ય યજમાન છે. અ.નિ.પાર્ષદવર્ય હીરાભગતજી, અનિ.વાસુદેવચરણદાસજી તથા સત્સંગ મહાસભાના પ્રમુખ સ્વામી નૌતમપ્રકાશદાસજી અને કોઠારી નારાયણપ્રસાદદાસજી સ્વામી – ઉધનાવાળાના આશીર્વાદથી પાર્ષદ પરેશભગત તથા સહ યજમાન અ.નિ. કૃષ્ણજીવનદાસજી સ્વામી – અથાણાવાળાની સ્મૃતિમાં પુરાણી પૂજ્ય વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી છે.

કથાનો સમય સવારે 8:30થી 12 તથા બપોરે 3:30થી 7:30 સુધીનો રાખવામાં આવેલ છે. મહેળાવ અને વલેટવાના ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. સત્સંગ સભાના પ્રમુખ નૌતમપ્રકાશદાસની પ્રેરણાથી ગુરૂવાર સવારે 5:30 વાગે મહેળાવના ભક્તો મહેળાવથી વલેટવા સુધીની શોભાયાત્રા કાઢી હતી.

વલેટવા ચોકડીથી મુખ્ય પોથીયાત્રા સાથે ભક્તો જોડાયા હતા. આ મહોત્સવમાં 10:30 કલાકે સભામંડપ ખાતે 200 શંખનાદ કાર્યક્રમ યોજાયો હતો. 11 કલાકે મહોત્સવનો ઉદ્ઘાટન થયું હતું અને સ્વાગત વધામણા નૃત્ય તથા દિપ પ્રાગટય થયું હતું. આ બાદ ઠાકોરજી, પોથીજી, આચાર્ય તેમજ વક્તાઓનુ પૂજન બાદ બપોરે 3 કલાકે મહાપૂજાનો પ્રારંભ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.