વડતાલ ધામમાં ઓર્ગેનિક કેરીનો અન્નકૂટઃ કુંડળધામથી કેરીઓ આવી
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામમાં ભીમ અગિયારસના દિવસે ઓર્ગેનિક આમ્રફળનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. વડતાલની ભૂમિ ઉત્સવની ભૂમિ છે.
આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે વડતાલ બોર્ડ અનેક ઉત્સવ સમૈયા અને સેવા કાર્ય કરી રહ્યુ છે. આરાધ્ય ઈષ્ટદેવશ્રીહરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ સમક્ષ ૫૦૦ કીલો કેરીનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો.
આજ શુદ્ધ દેશી પદ્ધતિના આહાર વિહાર માટે જાગૃતિ જરૂરી બની રહી છે ત્યારે કુંડળધામથી સદ્ગુરૂશ્રી જ્ઞાનજીવન સ્વામીએ અવતારીબાગની ઓર્ગેનિક કેરીઓ વડતાલવાસી દેવ માટે અર્પણ કરી છે. ભીમ એકાદશીના પવિત્ર દિવસે આમ્રફળ આરોગતા ઈષ્ટદેવના દર્શન કરીને દર્શનાર્થીઓ ધન્ય બન્યા હતા.
આ કેરીઉત્સવની તમામ વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી અને સ્વયંસેવક ટીમ દ્વારા કરવામાં આવી છે , એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.