વાગરાના વજાપરા ગામની સીમમાં ચાલતા માટી ખનન પર તંત્રના દરોડાઃ રૂ.પ.ર કરોડનો મુદ્દામાલ જપ્ત
એક તરફ સાંસદ મનસુખ વસાવા માટી માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી સુધી પત્ર લખતા હોય અને જ્યારે અધિકારીઓ માટી માફિયા ઉપર દરોડા પાડતા હોય ત્યારે ભલામણો કરવી કેટલી યોગ્ય તેવા સવાલો પણ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે.
માટી ખોડકામ કરતા ૨ પોકલેન મશીન અને ખોદાયેલી માટીનું વહન કરતા ૧૮ ડમ્પરો મળી કુલ ૫.૨ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજ નજીક છેવાડામાં આવેલા વજાપરા ગામની સીમમાં એકદમ અવાવરૂ અને જંગલ વિસ્તારમાં કુખ્યાત માટી ખનન માફિયાઓ દ્વારા મોટાપાયે માટી ચોરી માટે ખોદકામ કરવામાં આવતુ હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે ભરૂચ પ્રાત અધિકારી અને ભૂસ્તર શાસ્ત્રીની સંયુક્ત ટીમે અચાનક છાપો મારતા ખનન માફિયાઓમાં હડકંપ મચી ગયો હતો.તંત્રએ રેડ દરમ્યાન સ્થળ પરથી માટીનું ખોદકામ કરતા ૨ પોકલેન અને વહન કરતા ૧૮ ડમ્પરો મળી કુલ રૂપિયા ૫.૨ કરોડનો મુદ્દામાલ કબ્જે કરી દહેજ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના શુક્લતીર્થ મેળા દરમિયાન વેજલપુરના પિતા-પુત્ર સહિત ત્રણ જણના નર્મદા નદીમાં ડૂબી જવાની ઘટના બાદ નર્મદા નદીમાં બોટ દ્વારા ગેરકાયદેસર રેતી કાઢનારા તત્વો પર તંત્રએ લાલઆંખ કરી હતી.
આ ઉપરાંત જીલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ ઉપરાંત જીલ્લામાં અન્ય તાલુકાઓમાં ચાલતા માટી ખનન પર રોક લગાડી ખનન માફીયાગીરી કરતા તત્વોની શાન ઠેકાણે લાવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવતા
ઝઘડીયા અને વાલિયામાં દરોડા બાદ વાગરા તાલુકાના વજાપરા ગામે માટી ખનન ઉપર ભરૂચ પ્રાંત અધિકારી મનીષા માનાણી,ખાણ ખનીજ વિભાગ અધિકારી રચના ઓઝા, વાગરા મામલતદાર સહિતના અધિકારીઓએ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું ત્યાં દરોડા પાડતા જ વાગરા તાલુકાના દહેજના વજાપરા ગામની સીમમાં ચાલતા માટી ખનન પર અચાનક રેડ કરી દેતા માટી ચોરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
વજાપરા ગામની સીમમાં કે જયાં જવું અત્યંત મુશ્કેલ હોવા છતાં અવાવરૂ અને સુમસામ જંગલ વિસ્તારમાં બંને બહાદુર મહિલા અધિકારી ખાણ ખનીજ વિભાગ અને એસડીએમએ પોતાની ટીમ સાથે પહોંચી જઈ મોટા પ્રમાણમાં ચાલતા માટી ખનનના રેકેટને ઝડપી પાડયુ હતુ. પ્રાંત અધિકારી મનીષા માનાણી અને ખાણ ખનીજ વિભાગના રચના ઓઝા બંને મહિલા અધિકારીની બહાદુરીએ આખરે ગેરકાયદેસર માટી ખનન ઉપર પહોંચી
જતા સ્થળ ઉપરથી તંત્રએ સ્થળ પર માટી ખોડકામ કરતા ૨ પોકલેન મશીન અને ખોદાયેલી માટીનું વહન કરતા ૧૮ ડમ્પરો મળી કુલ ૫.૨ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.બહાદુર મહિલાઓએ રેડ પાડી હોવાની માહિતીના આધારે આખરે કેટલાક નેતાઓએ અધિકારીઓને ફોન કરીને ભલામણો પણ શરૂ કરી હોવાનું ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.