Western Times News

Gujarati News

વાગરા તાલુકાના ગામ તળાવમાં પ્રદૂષિત પાણીના કારણે અનેક માછલાઓના મોતથી દુર્ગંધ

હજારો માછલાના મોતથી ગ્રામજનો રોષે ભરાઈ તંત્રને જાણ કરવામાં આવતા જીપીસીબીએ સ્થળ ઉપર દોડી આવી પાણીના સેમ્પલ લીધા

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં ઉદ્યોગકારો બેફામ બન્યા હોય તેમ વરસાદી પાણીમાં પ્રદૂષિત પાણી છોડી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.જેમાં પણીયાદરા ગામના ગામ તળાવમાં વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત પાણી તળાવમાં પહોંચ્યું

હોવાના કારણે હજારો માછલાના મોત થતા તળાવમાં દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી ગ્રામજનો રોસે ભરાયા હતા અને તંત્રને જાણ કરાતા જીપીસીબી સહિતના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

વાગરા તાલુકાના પણીયાદરા ગામની આજુબાજુ અનેક ઉદ્યોગો સ્થપાયેલા છે અને વરસાદી ઋતુમાં વરસાદી કાંસ મારફતે કેટલાક ઉદ્યોગપતિઓ પોતાની કંપનીઓનું પ્રદૂષિત પાણી વરસાદી પાણી સાથે નિકાલ કરતા હોવાની અનેકવાર ફરિયાદો ઉઠતી હોય છે.

ત્યારે તાજેતરમાં વરસેલા વરસાદમાં કોઈ બે જવાબદાર ઉદ્યોગપતિ દ્વારા વરસાદી પાણી સાથે કંપનીનું પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હોવાના કારણે પ્રદૂષિત પાણી પણ ગામના ગામ તળાવમાં પહોંચવાના કારણે તળાવમાં રહેલા સંખ્યાબંધ માછલાઓના મોત થયા હતા

અને છેલ્લા બે દિવસથી માછલાઓના મોતથી દુર્ગંધના કારણે મચ્છરોનો ઉપદ્રવ ગ્રામજનોને રોગચાળાનો ભય ઊભો થયો છે.ત્યારે માછલાઓના મોતના કારણે ગ્રામજનોએ વહીવટી તંત્ર સહિત જીપીસીબી ને જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ રાબેતા મુજબ પાણીના સેમ્પલ લેવા દોડી આવી હતી.પરંતુ કોઈ નક્કર કાર્યવાહી ન થતી હોવાના કારણે બેફામ બનેલા ઉદ્યોગપતિઓ સામે આક્ષેપો પણ ગ્રામજનો કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે તળાવમાં કેમિકલ યુક્ત પાણીના કારણે જળચર જીવોના મોત તો થયા છે.પરંતુ તળાવનું પાણી કપડાં ધોવામાં ગ્રામજનો ઉપયોગમાં લેતા હોવાના કારણે ગ્રામજનો પણ ચામડી જેવા રોગનો ભોગ બન્યા હોવાના આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે.ત્યારે બે જવાબદાર ઉદ્યોગપતિઓ સામે જીલ્લા વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરવાની જરૂર જણાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.