શ્રી ગુંસાઈજી પ્રાગટ્ય મહોત્સવની વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય મહાપ્રભુજી વલભાચાર્યજીના બીજા સુપુત્ર વિઠ્ઠલનાથ ગુંસાઇજીના માગસર વદ નોમના પ્રાગટ્ય મહોત્સવની જલેબી ઉત્સવ તરીકે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.ગુંસાઇજીનું બીજુ નામ વિઠ્ઠલનાથજી પણ છે.
શ્રીજી બાવાએ આજ્ઞા કરી કે મારો પ્રાગટ્ય ઉત્સવ ગુંસાઈજી ધામધૂમ સાથે મનાવે છે એમનો જન્મદિવસ ઉત્સવ હર્ષ અને ઉલ્લાસ સાથે ગુંસાઇજીના સ્વરૂપ અનુસાર રસરૂપ જલેબી ધરો તેથી ગુંસાઇજીનો પ્રાગટ્યોત્સવ દર વર્ષે જલેબી ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે.
વિઠ્ઠલનાથજી ગાયોનું પ્રબળ પાલન કરતા હતા. એમને કોઈ વિઘ્ન ન કરે એવા પવિત્ર આશયથી અકબરશાહે ગોસ્વામીની પદવી આપી કે વ્રજ ભાષામાં ગુંસાઈ તરીકે શરૂ થઈ. વૈષ્ણવોએ માનવાચક જી ઉમેરી ગુંસાઈજી શબ્દ પ્રયોગ કર્યો. ગુંસાઇજીનું જીવન વૈરાગ્યમય હતું છતાં બહારના દેખાવમાં અલંકારો અને મુઘલાઈ ઘાટના વસ્ત્રો પહેરતા હતા. વૈષ્ણવ સંપ્રદાયનો ઉત્કર્ષ કરવામાં શ્રીગુંસાઇજીનો ફાળો મહત્વનો રહ્યો છે.
ગોધરામાં આવેલી ગુંસાઈજીની ૨૧મી બેઠક ખાતે પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સપ્તાહ અગાઉ સમાજ તથા ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવતાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લઈ શ્રીગુંસાઇજીના વધાઇના કીર્તન રાસ કરી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના ગુંજનાદ સાથે ઉત્સવ મનાવ્યો હતો.પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શ્રીગુંસાઇજી બેઠક ખાતે મંગલા દર્શન, કેસર સ્નાન, પલના, નંદ મહોત્સવ, રાજભોગ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા હતા.
કળશ યાત્રા મનોરથીના નિવાસ્થાનેથી નીકળતા ગોધરા નગરના મુખ્ય રાજમાર્ગો પર પસાર થઈ હતી. જ્યાં વૈષ્ણવ સમાજના અગ્રણીઓ સેવાભાવી સંસ્થાઓએ આ કળશ યાત્રાનું સ્વાગત કર્યું હતું. પુષ્ટિમાર્ગીય સોની સંગઠન ગોધરા દ્વારા ગોધરામાં વસતા જ્ઞાતિજનો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મનોરથી પ્રજ્ઞાબેન ગિરીશચંદ્ર સોની હતા.