વૈષ્ણોદેવી સર્કલ પાસે સર્વિસ રોડ માથાના દુખાવા સમાન
(પ્રતિનિધિ) અમદાવાદ, એસ.જી. હાઈવે અમદાવાદની શાન ગણાય છે આ હાઈવેનું એક આગવુ મહત્વ છે અહીંયાથી રોજબરોજના સેંકડો વાહનો નીકળે છે. ટુ-વ્હીલર, ફોર વ્હીલર વાહનોની સતત દોડધામથી એસ.જી.હાઈવે મોડીરાત સુધી ધબકતો રહે છે. હાઈવે હોય એટલે અકસ્માતો થાય છેવટે જવાબદારી તો તંત્રની આવતી હોય છે.
લોકો વાહનોની સ્પીડ લિમિટ રાખતા નથી. ગમે ત્યાંથી રાહદારીઓ રસ્તાઓ ઓળંગે છે. પરિણામે અકસ્માતોને ધ્યાનમાં રાખીને વૈષ્ણવ દેવી સર્કલ સુધી વચ્ચેના રસ્તાઓ બંધ કરી દીધા છે. વાહનને વાળવા માટે છેક વૈષ્ણવદેવી સર્કલ સુધી જવુ પડે છે. સૌથી અગત્યની વાત છે કે એસ.જી.હાઈવે પર બધી બાજુ સર્વિસ રોડ આવેલા હોવાથી વૈષ્ણવદેવી સર્કલ પર તો રાહદારીઓને વાહનો કઈ દિશામાંથી પ્રગટ થઈ જાય તેની ખબર પડતી નથી
એમાંય ટ્રાફિક પોલીસ બપોરના સમયે આઘીપાછી થઈ હોય તો વાહનચાલકો રાજાની માફક વર્તન કરવા લાગે છે જો રોડ ક્રોસ કરતી વખતે થોડી પણ ગફલત થઈ તો વાહનચાલકની અડફેટે રાહદારી આવ્યા વિના રહે નહી. સતત વાહનોની અવજવરને કારણે રસ્તો ઓળંગવો મુશ્કેલ થઈ પડે છે. વાહનચાલકો ઝીબ્રા ક્રોસિંગને ગાંઠતા ન હોય તેવુ જોવા મળે છે.
ટૂંકમાં એસ.જી.હાઈવે પર સર્વિસ રોડ ટ્રાફિકની સરળતા તથા લોકોને કામે પહોંચવામાં તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે પણ વૈષ્ણવદેવી સર્કલ પાસે આ પ્રક્રિયા થોડી અટપટી થઈ ગઈ હોય તેમ જણાય છે. વાહનચાલકો સર્વિસ રોડ પર જયા ગમે તે બાજુથી વાહન ઘૂસાડી દે છે કોઈ નિતિનિયમ જળવાતા નથી. ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં ટ્રાફિક શિસ્તબધ્ધ ચાલે છે પરંતુ ટ્રાફિક પોલીસ થોડી ખસે તે સાથે જ વાહનચાલકો બેફામ થઈ જાય છે તેવુ ઘણી વખત નજરે જોવા મળશે.