Western Times News

Gujarati News

બોપલ-ઘુમા, શીલજ સહિતના વિસ્તારોને ડ્રેનેજ સમસ્યાથી મુક્તિ મળશે

પ્રતિકાત્મક

વેસ્ટર્ન – ઈસ્ટર્ન મેઈન ટ્રંક લાઈનના કામ ૯૦ ટકા પૂર્ણઃ દેવાંગ દાણી

વૈષ્ણોદેવીથી ફતેહવાડી સર્કલ અને ઓઢવ-વસ્ત્રાલના રહીશોને ડ્રેનેજ સમસ્યાથી મુક્તિ મળશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં ડ્રેનેજ સમસ્યાના કાયમી નિવારણ માટે ઈસ્ટન અને વેસ્ટર્ન ટ્રંક લાઈન નાંખવામાં આવી રહી છે.

આ બંને ટ્રંક લાઈનના કામ લગભગ ૯૦ ટકા જેટલા પૂર્ણ થઈ ગયા છે. જેના કારણે બોપલ ઘુમા, શીલજ, ઓગણજ, ફતેહવાડી સહિતના વિસ્તારોને ડ્રેનેજ સમસ્યાનો લાભ મળશે. આ ઉપરાંત પૂર્વમાં એકસપ્રેસ હાઈવેથી વિંઝોલ તરફ વિઝોલ હાથીજણ સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ સમસ્યાનો નિકાલ આવશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલથી ફતેહવાડી કેનાલ સુધી ડ્રેનેજ ટ્રંક મેઈન લાઈન નાંખવામાં આવી રહી છે જેના માટે રૂ.ર૬૦ કરોડનો ખર્ચ થશે. શહેરના એસ.પી. રીંગરોડ પર વૈષ્ણોદેવી સર્કલથી વાસણા એસટીપી સુધી જે લાઈન નાંખવામાં આવશે તેમાં આંબલી જંકશન સુધી ૯૦૦ થી ૧ર૦૦ એમએમ વ્યાસની લાઈન નાંખવામાં આવશે.

આ લાઈન જેમ જેમ આગળ વધશે તેમ તેના ડાયામીટરના પ્રમાણમાં ફેરફાર થતાં રહેશે. વેસ્ટર્ન ટ્રંક લાઈનનું કામ પૂર્ણ થયા બાદ બોપલ, ઘુમા, શીલજ, ઓગણજ, ભાડજ, શેલા, સાયન્સ સીટી, સાઉથ બોપલ, એપલ વુડ, સનાથલ, શાંતિપુરા અને ફતેહવાડી વિસ્તારના ૧૮ થી ર૦ લાખ નાગરિકોને ડ્રેનેજ સુવિધાનો લાભ મળશે તેમજ વરસાદી પાણી, ગંદા પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળશે.

મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીએ ઉપરોકત માહિતી આપતા જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારમાં કઠવાડાથી વિઝોલ એસટીપી સુધી રૂ.૮૧.૪૦ કરોડના ખર્ચથી ઈસ્ટન ટ્રંક લાઈનનું કામ પણ ચાલી રહયું છે જેમાં એકસપ્રેસ હાઈવેથી વિંઝોલ એસટીપી સુધીનું અને લાલગેબી સર્કલથી રાધેહિલ્સ સુધીનું કામ પૂર્ણ થઈ ગયું છે.

કોન્ટ્રાકટર દ્વારા ૧ર કી.મી. પૈકી ૧૦ કી.મી.નું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૧પ૬ મશીન હોલ પૈકી ૧૪૦ મશીન હોલ બનાવવાના કામ પણ પૂર્ણ થઈ ગયા છે. ઈસ્ટર્ન ટ્રંક લાઈનનું કામ પૂર્ણ થયા બાદ ઓઢવ, વસ્ત્રાલ, હાથીજણ સર્કલ, વિંઝોલ, મહેમદાવાદ હાઈવે રોડ સહીતના વિસ્તારોમાં ડ્રેનેજ અને વરસાદી પાણીની સમસ્યાનો ઉકેલ આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.