વલાદ ખાતે પૂજય મોરારિ બાપુની રામકથાનો આરંભ : ૨૧મી મે સુઘી ચાલશે
૨૯મા રાષ્ટ્રીય દ્રિવાર્ષિક શૈક્ષણિક અધિવેશનના સમાપન બાદ આજથી નિજાનંદ ગ્રૃપ,
ગાંધીનગરના નિજાનંદ ગ્રૃપ, વલાદ ખાતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું ૨૯મું રાષ્ટ્રીય દ્રિવાર્ષિક શૈક્ષણિક અધિવેશનના સમાપન બાદ આજ તા. ૧૩મી મે, ૨૦૨૩ના રોજથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની થીમ ઉપર પૂજ્ય મોરારીબાપુની રામકથાનો આરંભ થયો છે. આ કથા ૨૧મી મે સુધી ચાલશે.
રામકથાના આરંભ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરીના મંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલાએ પૂજ્ય મોરારીબાપુને વંદન કરી જણાવ્યું હતું કે, સમાજ દ્વારા શિક્ષકોને ગુરુ શબ્દથી સંબોધવામાં આવે છે. શિક્ષકો દ્વારા સદગુણોને શિક્ષણ સાથે વણી લઇ વિદ્યાર્થીઓના જીવનમાં ઉતારવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓમાં મૂલ્ય અને સંસ્કારની છાપ પાડવાનું કામ શિક્ષકો જ કરે છે. ચિંતન શિબિરમાં પણ મૂલ્યનું સિંચન વિદ્યાર્થીઓમાં થવું જ જોઈએ, તે વિષય ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. પૂજ્ય મોરારીબાપુ દ્વારા રામકથા થકી સમાજમાં સદગુણોનું સિંચન કરવાનું અને તેનું જતન કરવાનો ઉમદા કામ કરવામાં આવે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુરુ શિષ્યના સંબંધને વિશ્વએ કેવી રીતે અનુસરવાની જરૂર છે તેની દ્રષ્ટાંતપૂર્વક વાત લોકો સમક્ષ મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઓનલાઈન વર્ગખંડોમાં વ્યવહાર અને આચરણથી બાળકોમાં જે સંસ્કારોનું સિંચન થાય છે, તે કદાચ થઈ શકશે નહીં.
ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું, કે શિક્ષક સંઘ નસીબદાર છે, તેના ૨૯ માં રાષ્ટ્રીય અધિવેશનનો આરંભ વિશ્વ નેતા અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવ્યો હતો. આજે એ જ કાર્યક્રમનો સમાપન સમારંભમાં વૈશ્વિક સંત શ્રી મોરારીબાપુની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે.
જે શિક્ષકો માટે આજીવન યાદરૂપ બની રહેશે. શિક્ષકોના હાથમાં દેશનું ભવિષ્ય છે, સમાજમાં રહેલી ત્રુટીઓને દૂર કરવાનું ઉમદા કાર્ય શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. તેમણે પાણી બચાવો વૃક્ષ બચાવો સાથે સાથે હવે પર્યાવરણ બચાવવાની જવાબદારી પણ આપણા ઉપર આવી છે એવું પણ ઉમેર્યું હતું.
રામકથાના આરંભ પહેલા પોથી યાત્રા નીકાળવામાં આવી હતી, સર્વે મહાનુભાવોએ પોથીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ભરવાડ સમાજના સંત અને થરાના પૂજ્ય બાપુ ઘનશ્યામપુરી એ આર્શીવચન પાઠવ્યા હતા.
રામકથાના આરંભ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર, રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી શ્રી સતિષભાઈ પટેલ, નિજાનંદ ગ્રુપના શ્રી ડાયાભાઈ ભરવાડ અને હીરાભાઈ ભરવાડ સહિત આમંત્રિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.