વાલિયામાં શેરડીના ખેતરમાંથી યુવાનનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

(પ્રતિનિધિ) ભરૂચ, વાલિયાના ક્રિષ્ના નગર પાછળ શેરડીના ખેતર માંથી યુવાનનો અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ભરૂચ જીલ્લા માંથી એક પછી એક સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે.
અંકલેશ્વરના બાકરોલ ગામની સીમ માંથી અને ત્યાર બાદ ઝઘડિયાના કરાડ ગામની સીમ માંથી શેરડીના ખેતર માંથી સળગેલી હાલતમાં મળી આવેલ મૃતદેહનો ભેદ ઉકેલાયો નથી ત્યાં તો વાલિયા તાલુકા માંથી વધુ એક સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.તો બીજી તરફ વાલિયામાં શિક્ષક દંપત્તિના ચકચારી ડબલ મર્ડર કેસ બાદ વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
વાલિયા ગામના ક્રિષ્ના નગર પાછળ આવેલ શેરડીના ખેતર માંથી અર્ધ સળગેલી હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગેની જાણ સ્થાનિકોએ પોલીસને કરતા વાલીયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.
હાલ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.યુવાન કોણ છે અને તેનું મૃત્યુ કયા કારણોસર નિપજ્યું છે એ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.હત્યાની આશંકા વચ્ચે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લા માંથી સળગેલી હાલતમાં આ ત્રીજો મૃતદેહ મળી આવતાં પોલીસ માટે તપાસ સાથે ચિંતાનો વિષય બન્યો છે.ત્યારે અંકલેશ્વર,ઝઘડીયા બાદ હવે વાલિયા માંથી શેરડીના ખેતર માંથી સળગેલી હાલતમાં મૃતદેહને લઈને પોલીસની તપાસ તેજ બની છે.