વાલિયાના કરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંકુલની બહાર બાયો મેડિકલ વેસ્ટ કચરાનો નિકાલ?
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના કરા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંકુલની બહાર દર્દીઓ માટે વાપરેલા ઈન્જેક્શનો સહીત વિવિધ બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ ખુલ્લામાં કરતા ચકચાર મચી જવા પામી છે.ત્યારે બાયો મેડિકલ વેસ્ટ આ રીતે ખુલ્લામાં નાંખવામાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે.
ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના કરા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંકુલની બહાર દવાઓ,ઈન્જેકશનો તેમજ તબીબી સારવારલક્ષી એક્ષ્પાયરી વેસ્ટ સામગ્રી પણ સંકુલની બહાર ખુલ્લામાં ફેંકી દેવાઈ રહી છે.ત્યારે કોઈ બાળકો કે પશુઓને નુકશાન થાય તે માટે સલામતીના કોઈ ઉચિત પગલાં પણ લેવાયા નથી? જીલ્લાના આરોગ્ય અધિકારી તેમજ જીલ્લા વિકાસ અધિકારી પણ કોઈપણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આકસ્મિક તપાસમાં નીકળ્યા છે ખરા.?
કરા- પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જવાબદાર તંત્રના કર્તાહર્તાની ઉપેક્ષાવૃત્તિ પાપે સંકુલમાં વિવિધ પ્રકારની દવાઓનો જથ્થો દવાખાનાની બહાર ખુલ્લામાં પડી રહેતા કોઈ બાળકના હાથે ચડી જાય અને તેનો ઉપયોગ કરે અને કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની?
વાલિયા તાલુકાનું કરા ગામમાં આવેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સંકુલ અંદરથી ચોખ્ખું પરંતુ દર્દીઓને માટે વપરાશમાં લેવાયેલી પ્રાથમિક તબીબી સારવારની દવાઓ અને મેડિકલ વેસ્ટ કચરો ગમે ત્યાં નિકાલ.? તે પણ અનેક સવાલો ખડા કરે છે.જીલ્લાના આરોગ્ય વિષયક સેવાઓ અને સમિતિઓ સંભાળતા હોદ્દેદારો તેમજ આરોગ્ય અધિકારીઓએ વાલિયાના જ નહિ પરંતુ જીલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની કોઈ વખત ઉડતી મુલાકાત લીધી છે ખરી.?
વાલિયાના કરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સંકુલની આસપાસની ગંદકીગ્રસ્ત સ્થતિ પણ કરા ગામની આરોગ્ય સેવા કેવી મળતી હશે? જેવા અનેક સવાલો ઉભા કરે છે.વાલિયાના કરા પ્રાથમિક આરોગ્ય સંકુલના જવાબદાર અધિકારીએ મેડિકલ વેસ્ટ કચરાનો નિકાલ ક્યા કરવો તેની તાલીમ આપે તે જરૂરી છે.
વેસ્ટ કચરાના નિકાલ બાબતે આરોગ્ય કેન્દ્રના તબીબને પૂછવામાં આવતા તેઓ દ્વારા જણાવ્યું હતું કે આ કચરાનો નિકાલ અને સાફ સફાઈ કરવાની જવાબદારી તો ગ્રામપંચાયતની છે.? તો શું આરોગ્ય સંકુલની બહાર ગમે ત્યાં વેસ્ટ અને હેઝાર્ડ કચરો મનસ્વી રીતે ખુલ્લામાં નાંખવાની પરવાનગી શું ઉચ્ચ અધિકારીઓએ આપી હશે? વપરાશમાં લેવાયેલો અને એક્ષ્પાયર થયેલો બાયો મેડીકલ વેસ્ટ કચરાનો નિકાલ માટે આરોગ્ય વિભાગ તરફથી જરૂરીયાત મુજબનો ખર્ચ નહિ મળતો હોય?જેવા સવાલો ઉભા થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખુદ આરોગ્ય વિભાગ દ્વારા જ બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ ખુલ્લામાં કરવામાં આવી રહ્યો છે ત્યારે ખાનગી હોસ્પિટલ દ્વારા બાયો મેડિકલ વેસ્ટનો ખુલ્લામાં નિકાલ કરવામાં આવે તો શું આરોગ્ય વિભાગ તેની સામે કાર્યવાહી કરે તો ખુદ જીલ્લા આરોગ્ય વિભાગના તાબા હેઠળ આવતા પ્રાથમિક કેન્દ્રો જ બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરે તો તેની સામે કાર્યવાહી કોણ કરશે તેવા સવાલો ઉભા થયા છે.