વલસાડ સરકારી ઈજનેરી કોલેજના પ્રાધ્યાપક ટ્રાયેથલોન સ્પર્ધામાં વિજેતા
વલસાડ, વલસાડ ખાતે વલસાડ રેસર્સ ગ્રુપ તેમજ અતુલ ક્લબ વલસાડના સંયુક્ત ઉપક્રમે ઓપન ટ્રાયેથલોન તેમજ ડ્યુએથોન આયોજિત થઈ હતી. જેમાં આશરે ૧૦૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધકોમાંથી સરકારી ઇજનેરી કોલેજ વલસાડ ખાતે મિકેનિકલ ઇજનેરી વિભાગનાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા અને એથલેટીક્સ ક્ષેત્રે અનેક સિદ્ધિ મેળવનારા પ્રો. વિમલ એસ. પટેલ (મૂળ. સરૈયા, નવસારી) ટ્રાયેથલોન સ્પર્ધામાં વિજેતા બન્યા હતા.
તેઓ દ્વારા સ્પર્ધામાં ઓલમ્પિક ડીસ્ટન્સ ૧.૫ કિમી સ્વિમિંગ, ૩૭ કિમી સાયકલીંગ તેમજ ૧૦ કિમી રનીંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં તેઓએ ૧૫ થી ૪૫ વર્ષની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વલસાડ ખાતે આ પ્રકારની ટ્રાયેથલોન સૌપ્રથમ વખત આયોજિત થયેલ હતી. વિમલ પટેલ દ્વારા પોતાના એથ્લીટ કેરિયરમાં પણ આ પ્રથમ ટ્રાયેથલોન હતી. તેમને મળેલી આ સફળતા બદલ સંસ્થાના આચાર્યશ્રી ડૉ. વી. એસ. પુરાણી તેમજ સમગ્ર કોલજ પરિવાર વતી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.