Western Times News

Gujarati News

૩૧ ડિસેમ્બર પહેલા વલસાડ પોલીસ એલર્ટ મોડ પર

જિલ્લામાં દારૂની છૂટ ધરાવતા બંને પ્રદેશો અને મહારાષ્ટ્રમાં પ્રવેશતા માર્ગો પર કુલ ૧૮ કાયમી ચેકપોસ્ટો છે

વલસાડ પોલીસે મધરાતે વાહનોનું ચેકિંગ હાથ ધર્યું

અમરેલી, વલસાડઃ ૩૧ ડિસેમ્બરની ઉજવણીને લઈ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે. દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની બોર્ડર પર પોલીસ પહેરો અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યાં રાત દિવસ ૨૪ કલાક પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે, રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ, દાદર નગર હવેલી અને મહારાષ્ટ્રમાં દારૂની છૂટ છે.

આથી થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મોટી સંખ્યામાં શોખીનો દારૂની છૂટ ધરાવતા પ્રદેશોમાં જઈ અને ખાવાપીવાની પાર્ટી માણી અને નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરે છે. જેના કારણે અનેક વખત અકસ્માતો સર્જાય છે. સાથે જ આ દિવસો દરમિયાન દારૂના ધંધામાં મોટી કમાણી હોવાથી બુટલેગરો પણ અવનવા તરકીબ અજમાવી અને ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસ કરે છે.

જેથી ૩૧મી ડીસેમ્બર દરમ્યાન રાજ્યમાં દારૂની રેલમછેલ રોકવા વલસાડ જિલ્લાની હદ પર પોલીસ એલર્ટ પર મોડ પર જોવા મળે છે. જિલ્લામાં દારૂની છૂટ ધરાવતા બંને પ્રદેશો અને મહારાષ્ટ્રમાં પ્રવેશતા માર્ગો પર કુલ ૧૮ કાયમી ચેકપોસ્ટો છે. જ્યાં આખું વર્ષ પોલીસ ટીમો તૈનાત રહે છે. જોકે થર્ટી ફર્સ્ટને કારણે પોલીસ વધુ કડક કાર્યવાહી કરે છે અને અંતરીયાલ વિસ્તારોમાં પણ નાના અને મોટા તમામ રસ્તાઓ પર પોલીસનું આવી જ રીતે ચેકપોસ્ટો પર ચેકિંગ કરવામાં આવે છે.

આ વખતે ૩૧ ડિસેમ્બરને કારણે ૨૦ જેટલી હંગામી ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે. આમ થર્ટી ફર્સ્ટ નિમિત્તે વલસાડ જિલ્લાના કાયમી અને હંગામી મળી કુલ ૩૮ ચેકપોસ્ટો પર ૨૪ કલાક પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અડધી રાત્રે પણ પોલીસ દ્વારા ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાત્રે ૧૨ઃ૦૦ વાગ્યે પણ ડાભેલ ચેકપોસ્ટ પર ગુજરાત પોલીસના જવાનો સતર્ક હતા.

ગુજરાતમાં મોડી રાત્રે પણ પ્રવેશતા તમામ વાહનોને ચેક કર્યા બાદ વાહનો રાજ્યમાં પ્રવેશ કરે છે. જે લોકો દારૂના નશામાં ગુજરાતમાં પ્રવેશે છે તેમને સબક શિખવવામાં આવે છે. મહત્વપૂર્ણ છે કે, દર વર્ષે મોટી સંખ્યામાં પાર્ટીના શોખીનો નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશ કરતા હોય છે. ગયા વર્ષની વાત કરીએ તો થર્ટી ફર્સ્ટના દિવસે વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં મળી ૨૦૦૦થી વધુ શોખીનો નશાની હાલતમાં ઝડપાયા હતા.

તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વખતે પણ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ૩૮ ચેકપોસ્ટો પર રાત દિવસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આથી જો આપ પણ ખાવા પીવાની પાર્ટી માટે દમણ દાદરા નગર હવેલી કે મહારાષ્ટ્રમાં જઈ રહ્યા હોય અને જો નશા ની હાલતમાં ગુજરાતમાં પ્રવેશશો તો આવા શોખીનોની આ વખતે ખેર નથી. વલસાડ જિલ્લા પોલીસ તે બોર્ડર પર જ કાયદાનોપાઠ ભણાવવા તૈનાત છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.