વલસાડ રૂરલ પોલીસે કારમાં બનાવેલા ચોરખાનામાંથી એક કરોડની કિંમતના દાગીના ઝડપ્યા
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ રૂરલ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક કારમાં બનાવેલા ચોરખાનામાંથી ૧૭૩ કિલો ચાંદીના પાયલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી ત્રણ શખસની અટકાયત કરી છે. પોલીસે શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કાર ભગાડી હતી, પરંતુ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કારને ઝડપી પાડી હતી. કારની તલાશી લેતાં સીટની પાછળના ભાગે એક ચોરખાનું બનાવેલું મળ્યું હતું, જેની તલાશી લેતાં એમાંથી ૪૬ પ્લાસ્ટિકની બેગ મળી હતી. એમાં ચાંદીના પાયલ હતા. એનું વજન ૧૭૩ કિલો ગ્રામ અને કિંમત અંદાજે એક કરોડ રૂપિયાથી વધારે થાય છે.
મળતી વિગત મુજબ પોલીસની પ્રાથમિક તપાસમાં આ દાગીનાનો જથ્થો કોલ્હાપુરથી ઉદયપુર લઈ જવામાં આવી રહ્યા હતા પરંતુ વલસાડ રૂરલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ કાર વલસાડ પાસેથી પસાર થતાં પોલીસે શંકાસ્પદ લાગતી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડ્રાઈવરે કાર રોકવાના બદલે ભગાડી મૂકી હતી. જેથી પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરી ધમડાચી રામદેવ ધાબા પાસે આંતરી હતી.પોલીસને જાેઈ કારચાલકે કાર ભગાડતાં કારમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની શંકા પ્રબળ બની હતી.
શરૂઆતમાં તો પોલીસને કારમાં કંઈ દેખાયું ન હતું, પરંતુ સીટની પાછળ ચેક કરતાં એક લોકવાળું ચોરખાનું બનાવેલું જાેવા મળ્યું હતું, જે ખોલાવતાં એમાંથી એક બાદ એક ૪૬ પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી, જેમાં ચાંદીનાં પાયલ હતાં. પોલીસે આ દાગીનાનું બિલ માગતાં કારમાં સવાર લોકો રજૂ કરી શક્યા નહોતા. પોલીસે શંકાના આધારે આ જથ્થો કબજે લીધો છે અને ત્રણેય શખસની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.પોલીસ કારના ચોરખાનામાંથી જે ૧૭૩ કિલો ચાંદીના દાગીના કબજે કર્યા છે એની કિંમત અંદાજે એક કરોડ રૂપિયા કરતાં વધુ થવા જાય છે. વલસાડ રૂરલ પોલીસે ૪૧ (૧)ડી મુજબ શંકાસ્પદ ચાંદીનો જથ્થો કબજે લીધો છે. જ્યારે કારમાં સવાર કારચાલક વિજય રામચંદ્ર પાટીલ, સંતોષ ગણપતિ અને સતીષ ગણપતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.