Western Times News

Gujarati News

લોકશાહી વિશ્વમાં “મૂલ્યનિષ્ઠ પત્રકારિતા” અને “પત્રકાર ધર્મ” સામે અખબારી જગત સામે અભૂતપૂર્વ પડકારોમાં કોણ પ્રાણ પુરી રહ્યું છે ?!

વિશ્વ પ્રેસ દિવસ એટલે સ્વ. શ્રી રામુભાઈ પટેલને સ્મરણાંજલિ પાઠવવાનો રૂડો અવસર!!

સ્વ. શ્રી રામુભાઈ પટેલે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું !

અમેરિકાના અનેક પ્રમુખોએ લોકશાહીમાં પત્રકારિતાની સ્વતંત્રતાને સમર્થન કર્યુ છે ! છતાં આજે પ્રેસ ફ્રીડમમાં અમેરિકાનો આંક નીચો ગયો છે ! જયારે ભારત ૧૮૦ ની રેન્જમાં ૧૫૧ માં સ્થાને છે કેમ ?!

મારી નોંધપોથી દ્વારા વેસ્ટર્ન ટાઈમ્સના સ્થાપક અને સંચાલક સ્વ. શ્રી રામુભાઈ પટેલે પત્રકારિતા જગતમાં અનેક કડીઓ કંડારી છે !!

તાજેતરમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસની યાદમાં વિશ્વભરના અખબારોએ મિડિયા જગતની સ્વતંત્રતા, નિષ્પક્ષતા અને નિડરતાને યાદ કરી અને અખબારી સ્વતંત્રતા અને મહત્તા એ લોકશાહીનો આત્મા છે તેના પર મૂલ્યનિષ્ઠ પત્રકારિતાની સરાહના પણ થઈ પણ આજકાલ તમામ અખબારો કે મિડિયા જગત સ્વતંત્ર અને નિષ્પક્ષ જાળવી શકતા નથી ! અને સરકાર ગમે તે પક્ષની હોય તેમને મિડિયા જગતનું સ્વાતંત્ર્ય ખટકે છે !

હવે સમગ્ર લોકશાહી વિશ્વમાં અખબારોની સ્વતંત્રતા, નિષ્પક્ષતા અને નિડરતા દાવ પર લાગી ગઈ છે ! કહેવાય છે કે, બાંહોશ પત્રકારિતાને ખરીદવા પ્રયાસ થાય છે ! નિડર પત્રકારોના મોઢે તાળા મારવા સરકારને મદદ કરવા માંગતા ઔદ્યોગિક ગૃહો મદદે આવે છે ! કાં પછી આવા અખબારોને ચુપ કરવા વિશ્વભરમાં અનૈતિક પ્રયાસો થાય છે અને મોટા ભાગના મિડિયા જગત કયારેક સરકારના પ્રચાર માધ્યમોની જેમ સેવા આપતા થઈ ગયા છે ! આવા માહોલ વચ્ચે દેશમાં નિડર અને મૂલ્યનિષ્ઠ પત્રકારિતાને જીવંત રાખી પ્રાણ પુરનારને યાદ કરવાનો આ રૂડો અવસર છે !

ડાબી બાજુની તસ્વીર વેસ્ટર્ન ટાઈમ્સના સ્થાપક અને સંચાલક અને તંત્રી અને નિડર મૂલ્યનિષ્ઠ પત્રકારીતાના સદૈવ, રખેવાળ અને મૂલ્યનિષ્ઠ પત્રકારત્વના પ્રહરી એવા સ્વ. શ્રી રામુભાઈ પટેલે પત્રકારત્વ જગતમાં અનેક કેડીઓ કંડારી હતી ! તેમની જાણીતી કોલમ “મારી નોંધપોથી” એ વિચક્ષણ, પ્રગતિશીલ અને નિડર પત્રકારિતામાં પ્રાણ પુરી રહી હતી ! સરદાર પટેલ જેવું લોખંડી વ્યક્તિત્વ પત્રકાર જગતને મળ્યું એ ગુજરાતના પત્રકારત્વ જગત માટે ગૌરવની વાત છે !

સ્વ. શ્રી રામુભાઈ પટેલે પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું ! અને અદનામાં અદના લોકોના પ્રશ્નોના તેઓ વાચસ્પતિ હતા ! આવી પત્રકારિતા તેમણે દેશમાં ઉજાગર કરી હતી ! તેમના આ પત્રકારિતાની આ આદર્શ પરંપરા તંત્રી શ્રી નિકુંજભાઈ પટેલે જાળવી રાખી છે ! જે અત્રે નોંધનીય છે !

અત્યારે મિડિયા જગત અને ખાસ કરીને પ્રિન્ટ મિડીયા અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે તેની વચ્ચે મુલ્યનિષ્ઠ પત્રકારિતામાં પ્રાણ પુરવા એ જ કર્સ્મવીર રામુભાઈને વેસ્ટર્ન ટાઈમ્સની સાચી સ્મરણાંજલી છે ! બીજી તસ્વીર પ્રેસ કાઉÂન્સલ ઓલ ઈન્ડિયાના બિલ્ડીંગની છે ! – તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા –

ભારતમાં વર્ષ ૧૯૫૦ થી આજદિન સુધી સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોએ જ અખબારી મિડીયા જગતના સ્વાતંત્રની રખેવાળી કરી છે !!

અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલીન રૂઝવેલ્ટે કહ્યું છે કે, જો અખબારી સ્વાતંત્ર્યને પડકારવામાં આવશે તો અંતરઆત્મા, શિક્ષણ, વાણી, સભાનું સ્વાતંત્ર્ય આ બધાં સ્વાતંત્ર્ય અર્થહીન બની જશે અને લોકશાહી પાયો હચમચી જશે!! જયારે સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા અને જસ્ટીસ શ્રી મનોજભાઈ મિશ્રાએ કહ્યું હતું કે, કોઈપણ મિડિયા આર્ટિકલના પ્રકાશન પર રોક લગાવવાના આદેશમાં કોર્ટે સાવધાની રાખવી જોઈએ !

ખાસ કરીને જયારે એ સાબિત થવાનું બાકી હોય કે, આવા આર્ટિકલનો કન્ટેન્ટ દુર્ભાવતાપૂર્ણ કે ખોટો તો નથી ને ?!! જયારે ચાઈના પીપલ્સ રિપબ્લિકના સ્થાપક માઓત્સે તુગેએ પણ કહ્યું છે કે, બીજાને પણ બોલવા દો એનાથી કાંઈ આભ નથી તૂટી પડવાનું કે નથી તમારૂં સિંહાસન ડોલી જવાનું હા એમને રોકશો તો આ કહ્યું એવો દિવસ અવશ્ય આવી જશે!! કોઈને ટીકા કે ટકોર ગમતી નથી ! આ માનવ સ્વભાવ છે !

પરંતુ જયાં લોકશાહી રાજય વ્યવસ્થા છે, લોકો આઝાદ છે, સ્વતંત્ર છે ત્યાંના શાસકોને પણ અખબારી સ્વાતંત્ર્ય ખટકે છે ! આથી અહીં આવા નિડર, તટસ્થ અને અખબારી ધર્મ અદા કરતા અખબારી સ્વાતંત્ર્યનું પરોક્ષ રીતે નાક દબાવવાની કોશિષ વિશ્વના લોકશાહી દેશના નેતાઓ કરી રહ્યા છે ! ત્યારે પોતાનો અવાજ રજૂ કરવા માંગતા વકીલો અને લોકોએ અખબારી સ્વતંત્રતાની રખેવાળી કરવાનો લોકશાહી ધર્મ અદા કરવો જોઈએ !!

અમેરિકાનું નેતૃત્વ કરનારા નેતાઓ અને ભારતના અખબારોના સ્વાતંત્ર્યની રક્ષા કરનારા સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશો શું કહે છે ?!

અમેરિકાના પ્રમુખ જયોર્જ વોશિંગ્ટને કહ્યું છે કે, આપણી પાસેથી વાણિ સ્વાતંત્ર્ય છીનવી લેવામાં તો આપણે એવા ઘેંટા જેવા બની જઈશું જેમને મુંગા મોઢે કતલખાને લઈ જવાતા હોય!! આ જ શબ્દો અખબારી સ્વાતંત્ર્યનું મહત્વ રજૂ કરે છે ! અમેરિકાન પ્રમુખ એડલાઈ ઈ. સ્ટીવન્શન કહે છે કે, પ્રત્યેક વ્યક્તિને હકક છે કે તેનું સાંભળવામાં આવે ! કોઈ એકના અવાજના આધારે લોકતંત્રના ગળે ફાંસો લગાવી દેવાનો અધિકાર કોઈને નથી!!

અમેરિકાના ૩૧ માં પ્રમુખ હર્બટ હુવર કહે છે કે, મુકત વ્યાપાર અને મુકત ઉપયોગોનું ગળું ઘોંટી દેવાય તે પછી વાણિ સ્વાતંત્ર્ય – (અખબારી સ્વાતંત્ર્ય) પણ ઝાઝા કલાકો કાઢી શકતું નથી!! જયારે અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન કહે છે કે, જેવી રીતે હું ગુલામ બનવાનું પસંદ ન કરૂં એ રીતે માલિક બનવાનું પણ પસંદ ન કરૂં!! અમેરિકાના નિડર, સ્વાતંત્ર્યપ્રિય અખબારી સ્વાતંત્ર્યના પ્રણેતા અને રખેવાળ પ્રમુખોના આ છે ઉમદા વિચારો અને કર્મશીલતા છે !

અમેરિકાના ન્યુયોર્ક ટાઈમ્સ માટે તો કહેવાય છે કે, તેમણે અનેક સરકારો રચી છે ! અમેરિકાનું મિડીયા જગત નિડર અને પ્રજાનો અવાજ રજૂ કરવામાં મોખરી છે ! પરતં આજે અમેરિકામાં ફ્રીડમ ઓફ પ્રેસ” ! અખબારી સ્વાતંત્ર્ય પપ માં સ્થાનેથી ૫૭ માં સ્થાને પહોંચી ગયું છે !! આ વિશ્વમાં લોકશાહી અને માનવ અધિકારમાં શ્રધ્ધા ધરાવતા લોકો માટે ગંભીર ચિંતાનો વિષય છે ! આંતરરાષ્ટ્રીય સંસ્થાના સર્વે મુજબ ભારતનો ૧૮૦ માંથી ૧૫૧ માં સ્થાને છે કેમ ?!

ભારતમાં અખબારી સ્વાતંત્ર્યને તો સુપ્રિમ કોર્ટે જ જીવંત રાખ્યું છે ! અનેક ચૂકાદાઓ વખતો વખત આપીને અદ્દભૂત ભૂમિકા પ્રદાન કરી છે ! ત્યારે અખબારી સ્વાતંત્ર્ય ભારતમાં ૧૫૧ માં સ્થાને ટકી કહ્યું છે ?!

ભારતની સુપ્રિમ કોર્ટના પ્રથમ ચીફ જસ્ટીસ શ્રી પતંજલિ શાસ્ત્રીએ રમેશ થાપર વિરૂધ્ધ સ્ટેટ ઓફ મદ્રાસ એ.આઈ.આર. ૧૯૫૦ એ.સી. ૧૨૪, ૧૨૫ માં બંધારણની કલમ-૧૯(૧)(એ) નું અર્થઘટન કરતો ચૂકાદો આપીને કહ્યું હતું કે, વાણી અને અખબારી સ્વાતંત્ર્ય બધાં જ લોકતાંત્રિક સંગઠનોના પાયામાં પડેલા હોય છે!! કારણ કે, મુકત રાજકીય ચર્ચા-વિચારણા વિના આવશ્યક લોક શિક્ષણ શકય જ નથી !

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી પી. એન. ભગવતીએ અખબારી સ્વાતંત્ર્યની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું હતું કે, “અખબારી સ્વાતંત્ર્ય સામાજીક અને રાજકીય આપ-લે નું હાર્દ છે!! કોર્ટાેની આ અખબારી સ્વાતંત્ર્યનું જતન કરવાની અને આ બંધારણીય આદેશથી વિપરીત હોય તે બધાં જ કાયદા કે વહીવટીતંત્રીય પગલાને ગેરકાયદેસર ઠરાવવાની પ્રાથમિક ફરજ છે ! (એકસપ્રેસ ન્યુઝ પેપર્સ) પ્રગતિ વિરૂધ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા કેસમાં આવું ઠરાવ્યું હોવાનું જણાય છે !

સુપ્રિમ કોર્ટના તાજેતરમાં એક ચૂકાદો ધ્યાને લઈએ તો તેમાં ચીફ જસ્ટીસ શ્રી ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટીસ શ્રી જે. બી. પારડીવાલા અને જસ્ટીસ શ્રી મનોજભાઈ મિશ્રાની બેન્ચે મિડીયા હાઉસમાં પ્રસિધ્ધ થયેલ લેખ અંગે મહત્વનો ચૂકાદો આપતા એવું અવલોકન કર્યુ હતું કે કોઈ આર્ટિકલ કેટલો નુકશાનકારક છે ! એ જાણ્યા વિના તેના પર રોક લગાવવી એ મોતની સજા કરવા સમાન છે !

એવા અવલોકનો સાથે તા. ૨૮ મી ફેબ્રુઆરીએ એડીશનલ ડીસ્ટ્રીકટ જજ હરજોનસિંહ ભલ્લાએ ઝી એન્ટરટેઈનમેન્ટ લી. ની તરફેણમાં ચૂકાદાઓ આપી અને બ્લ્મ બર્ગને એક સપ્તાહમાં બદનક્ષીયુકત લેખ હટાવવા આદેશ કર્યાે હતો ! ત્યારબાદ બ્લૂમબર્ગે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી ત્યાં પણ ૧૪ મી માર્ચે હાઈકોર્ટે નીચે અદાલતનો યથાવત રાખ્યો હતો !

તેનાથી નારાજ થઈને બ્લૂબર્ગે દિલ્હી સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવતા સુપ્રિમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે ચૂકાદો આપતા એવું ઠરાવ્યું હતું કે, કોઈ આર્ટિકલ કેટલો નુકશાનકારક છે એ જાણ્યા વગર તેના પર રોક લગાવવી એ મોતની સજા આપવા સમાન છે! સરકારો ગમે તે પક્ષની હોય પણ અખબારો ઝાટકી કાઢે છે એ ગમતુ કોઈને નથી ! અખબારો પત્રકારો રાજકીય નેતાઓની શાÂબ્દક ચાલાકી ઉઘાડી પાડે એ કોઈને ગમતું નથી !

કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે, માથાભારે પ્રવૃત્તિ કરી નિર્બળ લોકો ઉપર જુલ્મો ગુજારે તેનો પર્દાફાશ કરવાનો અખબારી ધર્મ છે ! એ નથી કરતા એ મિડિયા જગત અધર્મની સાથે છે ! અને લોકશાહી તંત્ર તૂટી પડશે તો પછી અખબારો કોઈ જ કામના નહીં રહે અને વાંચકો પણ નહીં મળે અને સમાચારો પણ ટીવી પર કોઈ નહીં જુએ ! માટે પોતાની વ્યવસાયિક સ્વતંત્રતા અને ગરિમા મિડીયાની રખેવાડી મિડીયા જગતને જાતે કરવાની છે ! પછી અદાલતોને રક્ષણ આપવા બેઠી જ છે !

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.