કોંગ્રેસમાં પણ ભંગાણઃ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલનું રાજીનામું

કોંગ્રેસમાં પણ ભંગાણઃ ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલનું રાજીનામું
અમદાવાદ, ‘આપ’માં પડેલા ભંગાણ બાદ હવે કોંગ્રેસમાં પણ ભંગાણ પડ્યું છે. ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આજે રાજીનામું આપતાં ઠંડીના કડકડતા દિવસોમાં રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયાએ આમ આદમી પાર્ટીના વીસાવદરના ધારાસભ્ય ભૂપત ભયાણીએરાજીનામું આપ્યું હતું.
ગુજરાત વિધાનસભામાં તેમના રાજીનામા બાદ ૧૮ર સભ્યોમાંથી સંખ્યા ઘટીને ૧૮૧ થઈ હતી, આજે ચિરાગ પટેલના રાજીનામા બાદ આ સંખ્યા ઘટીને ૧૮૦ થઈ છે. લોકસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસને આકરો ઝાટકો લાગ્યો છે. ચાર રાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ હવે ગુજરાતના રાજકારણમાં નવાજૂની થવા લાગી છે. લોકસભામાં જીતની હેટ્રિક માટે ભાજપનું ઓપરેશન લોટસ ફરી સક્રીય થયું છે.
થોડા દિવસ પહેલાં આપના વીસાવદરાના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું, જેનાથી ગુજરાતની આપ પાર્ટીએ ઝટકો લાગ્યો છે. ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું હતું. વિધાનસભા અધ્યક્ષે ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યાે હતો. ભૂપત ભાયાણીએ રાજીનામાના મામલે જણાવ્યું હતું કે મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યાે છે.
તેમણે રાજીનામા બાદ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. આપના અન્ય ધારાસભ્ય પણ ભાજપના રડાર પર છે અને જે પણ ધારાસભ્ય રાજીનામાં આપશે તે સ્વાભાવિક પણે ભાજપમાં જોડાશે. આજે મધ્ય ગુજરાતથી ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચોધરીને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. ચિરાગ પટેલ પ્રદેશ ભાજપના તેતાઓ સાથે લાંબા સમયથી સંપર્કમાં હતા તેમ પણ ચર્ચાઈ રહ્યું છે.
તેમણે ર૦રરની ચૂંટણીમાં ભાજપના મહેશ રાવલને ૩૭૧૧ મતથી હરાવ્યા હતા. તેમણે કોંગ્રેસને ૧૯૯૦ બાદ ખંભાતમાં જીત અપાવી હતી. આજે સવારના ૧૧ વાગ્યે ચિરાગ પટેલ વિધાનસભા પરિસરમાં રાજીનામું આપવા માટે પહોંચી ગયા હતા.
દરમિયાન કોંગ્રેસના તૂટવા અંગે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસમાં નેતૃત્વ જેવું કશું રહ્યું નથી. અમે કોઈને આમંત્રણ નથી આપતા, તેમની રીતે બધા આવે છે. મોદીસાહેબને કોંગર્સના લોકો પણ સમર્થન આપી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં ર૬માંથી ર૬ બેઠક ભાજપ જીતશે.