હવે કોલકાતામાં બનશે વંદે ભારત સ્લીપર ટ્રેનઃ નવી પ્રોડક્શન લાઇનનું ઉદ્ઘાટન

ટીટાગઢ રેલ સિસ્ટમ્સ અને BHEL એ કોલકાતા ખાતે વંદે ભારત સ્લીપર ટ્રેન પ્રોડક્શન લાઇનનું ઉદ્ઘાટન કર્યું
કોલકાતા, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (ભેલ) સાથેના સહયોગમાં ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડે (ટીઆરએસએલ) પશ્ચિમ બંગાળના કોલકાતામાં ઉત્તરપારામાં ટીઆરએસએલની અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે વંદે ભારત સ્લીપર ટ્રેન માટેની સમર્પિત પ્રોડક્શન લાઇનનું આજે ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રોડક્શન લાઇનનું ટીઆરએસએલના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉમેશ ચૌધરી તથા ભેલના ડિરેક્ટર સુશ્રી બાની વર્મા સહિત ટીઆરએસએલ અને ભેલના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રોડક્શન લાઇન ટીઆરએસએલ અને ભેલ વચ્ચેના કન્સોર્ટિયમ હેઠળ 80 વંદે ભારત સ્લીપર ટ્રેનના ડિઝાઇનિંગ અને ઉત્પાદન માટે ભારતીય રેલવે દ્વારા અપાયેલા કોન્ટ્રાક્ટના પગલે ટીઆરએસએલ દ્વારા ઊભી કરવામાં આવી છે.
35 વર્ષના લાંબા ગાળાના મેઇન્ટેનન્સ સહિત લગભગ રૂ. 24,000 કરોડના કુલ મૂલ્ય સાથે આ પ્રોજેક્ટ માનનીય વડાપ્રધાનની મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ હાથ ધરવામાં આવેલી મહત્વપૂર્ણ પહેલ પૈકીનો એક છે.
વંદે ભારતની સ્લીપર વેરિઅન્ટ ભારતની પ્રથમ લાંબા અંતરની સેમી હાઇ-સ્પીડ ટ્રેન હશે જે સંપૂર્ણ સ્વદેશી ડિઝાઇન, મુસાફરો માટે શ્રેષ્ઠ આરામ અને અત્યાધુનિક સુરક્ષા સુવિધાઓ ધરાવશે. મોર્ડન કોચ લેઆઉટ, સ્માર્ટ ઓનબોર્ડ સિસ્ટમ્સ અને ઊર્જા કાર્યક્ષમ કામગીરી સાથે આ ટ્રેન સમગ્ર ભારતમાં ઇન્ટરસિટી ટ્રાવેલ માટે પરિવર્તનકારી અનુભવ પૂરો પાડવા માટે બનાવવામાં આવી છે.
પ્રોડક્શનલ લાઇનના ઉદ્ઘાટન અંગે ટીટાગઢ રેલ સિસ્ટમ્સના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે ટીટાગઢ રેલ સિસ્ટમ્સ-ભેલ ટીમો માટે આ ગર્વની ક્ષણ છે. વંદે ભારત સ્લીપર પ્રોજેક્ટ એ ઝળહળતું ઉદાહરણ છે કે જ્યારે સહિયારા વિઝન સાથે જાહેર અને ખાનગી ક્ષેત્રો એકસાથે આવે અને સાચા અર્થમાં આત્મનિર્ભર ભારત માટે પ્રયાસ કરે ત્યારે શું હાંસલ થઈ શકે છે.
આ પ્રોડક્શન લાઇન ભવિષ્ય માટે તૈયાર મોબિલિટી સોલ્યુશન્સ બનાવવા અને વધુ કનેક્ટેડ તથા આત્મનિર્ભર ભારતના વિઝનમાં અર્થપૂર્ણ રીતે યોગદાન આપવા માટે અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ઉત્તરપારા પ્લાન્ટમાં હાલમાં ઉત્પાદન ચાલી રહ્યું છે ત્યારે વંદે ભારત સ્લીપર ટ્રેનોનો પ્રોટોટાઇપ આગામી કેલેન્ડર વર્ષમાં શરૂ થવાની અપેક્ષા છે જે ઝડપી, સ્માર્ટ અને ગર્વથી મેડ ઇન ઈન્ડિયા રેલ મુસાફરીના નવા યુગની શરૂઆત કરે છે. ઉત્તરપારા સુવિધા પોતે જ આ વિઝનનો આધારસ્તંભ છે.
ઇન્ડસ્ટ્રી 4.0 ટેકનોલોજી અને રોબોટિક ઉત્પાદન લાઇન સાથે, તે ભારતની રેલ ઉત્પાદન ક્ષમતાઓમાં એક મહત્વપૂર્ણ પગલું રજૂ કરે છે. એક છત નીચે સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમ કોચ બંનેનું ઉત્પાદન કરવા માટે સજ્જ દેશની એકમાત્ર સાઇટ તરીકે તેની પાસે હાલમાં 300 કોચની વાર્ષિક ક્ષમતા છે, જે વધતી માંગને પહોંચી વળવા માટે 850 સુધી વધારવામાં આવી રહી છે.
ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ એક અગ્રણી વ્યાપક મોબિલિટી સોલ્યુશન્સ પ્રોવાઇડર છે. કંપની વિશ્વ કક્ષાના રોલિંગ સ્ટોકની વિશાળ શ્રેણી ડિઝાઇન અને ઉત્પાદન કરે છે જેમાં સેમી હાઇ-સ્પીડ ટ્રેનો, શહેરી મેટ્રો, પેસેન્જર કોચ અને વિશિષ્ટ ફ્રેઇટ વેગનનો સમાવેશ થાય છે.