ગુંજાર, સનાથલ, દેકાવાડા, તેલાવ, ઘેલડા અને મોરસિયા સહિતનાં ગામોમાં વંદે ગુજરાત રથનું ભાવભીનું સ્વાગત

25થી વધારે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા, 75થી વધારે લોકાર્પણ કરાયા
20 વર્ષના વિશ્વાસ અને 20 વર્ષના વિકાસના મધ્યવર્તી વિચાર સાથે રાજ્યભરમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા ફરી રહી છે. વરસાદી માહોલ છતાં અમદાવાદ જિલ્લાના ગામે ગામમાં વિકાસ રથ ફરી રહ્યો છે અને લોકો ઉમળકાભેર રથનું સામૈયું અને સ્વાગત કરી રહ્યા છે.
12 જુલાઈ, 2022ના રોજ અમદાવાદ જિલ્લાના 15થી વધારે ગામોમાં વંદે ગુજરાત વિકાસ રથ પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનોએ આ રથનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. વરસાદી માહોલ છતાં લોકોમાં ઉમંગ જોવા મળતો હતો.
અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ રથ ફરી રહ્યા છે, જે અંતર્ગત સવારે ગુંજાર, સનાથલ અને દેકાવાડા ગામે રથ પહોંચ્યાં હતાં તો સાંજે તેલાવ, ઘેલડા અને મોરસિયા વગેરે ગામોમાં વંદે ગુજરાતના કાર્યક્રમો યોજાયા હતા. આ છ ગામોમાં યોજાયેલા કાર્યક્રમોમાં આસપાસનાં ગામોના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જુદાં જુદાં ગામોમાં250થી લઈને450 સુધીની મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત 75થી વધારે વિકાસ કાર્યોના લોકાર્પણ થયા હતા, જેમાંથી સૌથી વધારે 66 વિકાસકાર્યોના લોકાર્પણ સનાથલ ખાતે થયા હતા. આશરે 200થી વધારે લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા. જુદાં જુદાં ગામોમાં 25થી વધારે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
વિવિધ ગામોમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, ગામોના સરપંચ અને રાજકીય તથા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.