પશ્ચિમ રેલવે મુંબઈ – અમદાવાદ રૂટ પર ફ્રેન્સિંગ બનાવશે
ચોથીવાર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન ઢોર સાથે અથડાતાં રેલવે દ્વારા લેવાયેલો ર્નિણય
(પ્રતિનિધિ) વાપી, ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન એકવાર ફરી અકસ્માતનો ભોગ બની. મળતી માહિતી પ્રમાણે વલસાડમાં ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે ગાય અથડાઈ. આ ટક્કરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના એન્જીનના આગળના ભાગને નુકસાન પહોંચ્યુ છે. ઘટનાના કારણે ટ્રેનને અધવચ્ચે જ રોકવી પડી.
ઘટનાની પુષ્ટિ કરતા રેલવેના એક અધિકારીએ જણાવ્યુ કે ટક્કરથી ટ્રેનની ફ્રન્ટ પેનલને સામાન્ય નુકસાન પહોંચ્યુ છે. તેમણે જણાવ્યુ કે ગુજરાતમાં ઉદવાડા અને વાપી સ્ટેશનની વચ્ચે ગુરુવારે મોડી સાંજે ગાંધીનગર-મુંબઈ ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ એક ઢોર સાથે ટકરાઈ ગઈ હતી.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યુ કે ઘટના ઉદવાડા અને વાપીની વચ્ચે સમપાર ફાટક નંબર ૮૭ની પાસે સાંજે લગભગ ૬ઃ૨૩ મિનિટે થઈ. ઘટનાના કારણે થોડીવાર સુધી રોકાયા બાદ સાંજે ૬.૩૫ વાગે ટ્રેને યાત્રા શરૂ કરી. ઘટનાને પગલે મુસાફરોને કોઈ પ્રકારનું નુકસાન થયુ હોય તેવી માહિતી મળી નથી. ટ્રેનના આગળનો ભાગ સામાન્ય ડેમેજ થયો હતો જેને તાત્કાલિક રિપેર કરી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરથી મુંબઈ જતી દેશની સૌથી સુપરટેક ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન બે મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યુ હતુ. બે મહિનામાં આ માર્ગ પર સેમી-હાઈ સ્પીડ ટ્રેન સાથે ઢોરના ટકરાયાની આ ચોથી ઘટના છે. આના પહેલા ૬ ઓક્ટોબરે વટવા અને મણિનગર સ્ટેશન નજીક ભેંસોના ટોળા સાથે ટકરાઈ હતી ત્યારે ટ્રેનનો આગળનો ભાગ ખરાબ રીતે ડેમેજ થયો હતો.
પશ્ચિમ રેલ્વે એ શુક્રવારે જણાવ્યું હતું કે, આવતાં વર્ષનાં મે સુધીમાં મુંબઈ – અમદાવાદ રૂટ પર ફ્રેન્સિંગ (વાડ) બનાવવામાં આવશે, જેથી રખડતાં ઢોરો રેલવે ટ્રેક પર આવતાં તથા ટ્રેનો સાથે અથડાતાં અટકાવી શકાય. વંદે ભારત એક્સપ્રેસ ૩૦ સપ્ટેમ્બરે શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી માં ચાર વખત ઢોરો સાથે અથડાઈ ચુકી છે. જેમાં ચોથી વખત ઉદવાડા નજીક ઢોર સાથે અથડાઈ હતી.
ચર્ચગેટ રેલવે ઝોનનાં હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં પશ્ચિમ રેલ્વે એ શુક્રવારે જણાવ્યું હતું કે, આવતાં વર્ષનાં મે સુધીમાં મુંબઈ – અમદાવાદ રૂટ પર ફ્રેન્સિંગ (વાડ) બનાવવામાં આવશે, જેથી રખડતાં ઢોરો રેલવે ટ્રેક પર આવતાં તથા ટ્રેનો સાથે અથડાતાં અટકાવી શકાય.
ચર્ચગેટ રેલવે ઝોનનાં હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધતાં પશ્ચિમ રેલવેનાં જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, ૬૨૦ કિલોમીટર લાંબા રૂટ પર વાડ બાંધવા માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે, જેનો ખર્ચ રૂ. ૨૬૪ કરોડ થવાની ધારણા છે.
ત્રીજી અર્ધ-હાઈ- સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૦ સપ્ટેમ્બરે ગુજરાતનાં ગાંધીનગર અને દેશની આર્થિક રાજધાની મુંબઈ વચ્ચે દોડાવવા લીલી ઝંડી આપી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ચાર વખત આ ટ્રેન ઢોર સાથે અથડાઈ છે, જેનાં કારણે ટ્રેનનાં એરોડાયનેમિક ભાગને મહદઅંશે નુકસાન થતું આવ્યું છે.