65 મિનિટમાં પહોંચી જવાશે APMC (વાસણા)થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રોમાંઃ 33.5 કિ.મી.નું ભાડું 35 રૂ.
હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો: ગિફ્ટ સિટી અને અમદાવાદને જોડશે-વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે શુભારંભ
મેટ્રો ફેઝ-2 નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે
અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા નાગરિકો માટે વધુ એક આનંદના સમાચાર છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવશે. મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે.
આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. આ ફેઝ 21 કિલોમીટરનો છે જેમાં શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે.
સસ્તા અને કાર્યક્ષમ અર્બન પરિવહન માટે મહત્વપૂર્ણ પગલું
મેટ્રો રેલના વિસ્તરણનું એક મહત્વનું પાસું સમય અને ખર્ચની બચત છે. સમયાંતરે ટ્રાફિકમાં થતા વધારા અને મોંઘા પરિહવન સામે મેટ્રો એક વાજબી અને વિશ્વસનીય પરિવહન વિકલ્પ બની રહશે. એક ઉદાહરણથી સમજીએ તો, એપીએમસી(વાસણા)થી ગાંધીનગર સેક્ટર-1 સુધીની 33.5 કિ.મીની મેટ્રો યાત્રા માત્ર 65 મિનિટમાં પૂર્ણ થાય છે જેનો ખર્ચ માત્ર ₹35 રહેશે.
તેની સરખામણીએ, ટેક્સીથી આ મુસાફરીનો સમય 80 મિનિટ જેટલો થાય છે જેનું ભાડું ₹ 415થી પણ વધારે થાય છે. ઓટોરિક્શામાં આ ભાડું ₹375 જેટલું રહે છે જેમાં સમય મેટ્રોની આસપાસ અને તેનાથી વધારે રહે છે.
સમય અને ખર્ચની બચત થવાથી રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને ગાંધીનગર અને ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓ માટે મેટ્રો પરિવહન પસંદગીનો વિકલ્પ બની રહેશે. આ સેવા શરૂ થવાથી અમદાવાદના વ્યસ્ત રસ્તાઓ પર ટ્રાફિકને હળવો કરવામાં મદદ મળશે, જે પ્રદૂષણને દૂર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે.
મેટ્રો રેલ વિસ્તરણ : મુખ્ય મુદ્દા
આ મેટ્રો રેલ વિસ્તરણથી અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો પર કનેક્ટિવિટી મળશે અને તેનાથી બહોળી સંખ્યામાં રોજિંદી મુસાફરી કરતા લોકોને ફાયદો મળશે. આ પ્રોજેક્ટ અંગેની મહત્વની વિગતો આ પ્રમાણે છે:
રૂટ અને અંતર:
– મેટ્રોના બીજા ફેઝનો રૂટ 21 કિ.મીનો છે, જે મોટેરાથી ગાંધીનગરના સેક્ટર-1ને જોડશે.
-મોટેરાથી મેટ્રો સીધી ગાંધીનગરના આઠ સ્ટેશન પર દોડશે જેમાં જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી અને સેક્ટર-1નો સમાવેશ થાય છે.
પ્રોજેક્ટ ખર્ચ:
મેટ્રોના ફેઝ-2 પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹ 5,384 કરોડ છે, જેમાં AFD અને KfW જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓમાંથી ફન્ડીંગ લેવામાં આવ્યું છે. આ નાણાકીય જોગવાઇ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સ્થાનિક આર્થિક વિકાસને વેગ આપવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
મુસાફરીના સમયમાં ઘટાડો:
આ રૂટના લીધે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટે છે. ઉદાહરણ તરીકે, હવે પ્રવાસીઓ એપીએમસી(વાસણા)થી ગિફ્ટ સિટી સુધી એક કલાકની અંદર માત્ર ₹ 35ના ખર્ચે પહોંચી
શકે છે.
પર્યાવરણને ફાયદો:
મેટ્રોના લીધે વાહનોમાંથી થતા ઉત્સર્જનમાં ઘટાડો લાવવામાં મદદ મળે છે. શહેરોમાં થતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે, મેટ્રોનું આ વિસ્તરણ પર્યાવરણ અને આર્થિક વિકાસ માટે એક દૂરંદેશી ઉપાય બની રહેશે.
આર્થિક અને સામાજિક પ્રભાવ
મેટ્રોના નવા સ્ટેશન શરૂ થવાથી, સ્થાનિક વિસ્તારમાં મોટાપાયે આર્થિક અને સામાજિક ફાયદા જોવા મળશે. ખાસ કરીને ગિફ્ટ સિટી અને ઇન્ફોસિટી જેવા વ્યાવસાયિક કેન્દ્રોના વિસ્તરણથી, આ વિસ્તારમાં કામ કરતા વ્યવસાયિકો અને કર્મચારીઓને હવે ઝડપી અને સુવિધાસભર પરિવહન સેવા મળશે, જેનાથી ઉત્પાદકતા વધશે અને સ્થાનિક ઉદ્યોગોના વિકાસને વેગ મળશે.
મેટ્રો રેલના વિસ્તરણથી નવા સ્ટેશન્સની આસપાસ રિયલ એસ્ટેટને પણ પ્રોત્સાહન મળશે. કનેક્ટિવિટીમાં સુધારો થવાની સાથે આસપાસના વિસ્તારોમાં વ્યવસાયિક અને રહેણાંક એકમોની માંગ ઉભી થશે, જેના લીધે રોકાણની નવી તકો પેદા થશે.
એક વાજબી પરિવહન વિકલ્પ શહેરને મળવાથી, મેટ્રો રેલ જીવનની ગુણવત્તાને વધારવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવશે. મુસાફરોના સમય અને ખર્ચની બચત તેમજ ખાનગી વાહન પરની નિર્ભરતા ઓછી થવાથી, નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી તેમજ લોકોની આર્થિક સુરક્ષા પર લાંબાગાળાની અસર થશે.
અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું હબ બનવાની શરૂઆત
આવનારા સમયમાં, ગુજરાતમાં એક ટકાઉ અને મજબૂત પરિવહન નેટવર્ક બનાવવાની દિશામાં, મેટ્રોનું વિસ્તરણ માત્ર શરૂઆત છે. આગામી સમયમાં મેટ્રોના વ્યાપક વિસ્તરણની કામગીરી અત્યારે પ્રક્રિયામાં છે જેનાથી એક એવી ઇન્ટીગ્રેટેડ સિસ્ટમ બનશે જે રાજ્યના નાગરિકોને દાયકાઓ સુધી સેવા આપશે. વૈશ્વિક અર્બન સેન્ટર બનવાની ગુજરાતની યાત્રામાં, અમદાવાદ મેટ્રો રેલ એક્સ્ટેન્શન એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન બન્યું છે.