દસક્રોઈ આસપાસના ગામોને સાવચેત કરાયા: વાસણા બેરેજના ૩ દરવાજા ખોલાયા
સાબરમતીમાં વધ્યુ પાણીનું સ્તર
અમદાવાદ, વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધ્યું છે. જેમાં પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની સારી એવી આવક થઈ છે. આ કારણે સાબરમતી નદીની સપાટી હાલમાં ૧૩૨.૫૦ ફૂટ સુધી પહોંચી છે.
જેને પહલે નદી પર આવેલા વાસણા બેરેજના ૩ દરવાજા ખોલીને ૨૯૭૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાંથી પાણી છોડાતા દસક્રોઈ, ધોળકા, બાવળા સહિતના નીચાણવાળા ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે.અમદાવાદમાં જિલ્લા કલેક્ટર દ્વારા જાણ કરાઈ છે કે, વાસણા બેરેજમાં વધેલી પાણીની આવકના પગલે સાબરમતી નદીમાંથી ૨૯૭૦ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
વાસણા બેરેજના ૩ દરવાજા ખોલવાથી નદીમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. આથી નદી કિનારે દસ્ક્રોઈ, ધોળકા તાલુકાના ગામડાઓમાં વધારે અસર થવાની શક્યતા છે. વટવા-વેજલપુર સહિતના આસપાસના ગામોને પણ સાવચેત કરાયા છે. નદીના નીચાણવાળા વિસ્તારોમાં અને ગામોમાં સાવચેતીના પગલા લેવાની સૂચના અપાઈ છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં આગામી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મોનસૂન ટ્રફની અસરના કારણે અમદાવાદ શહેરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી ઝાપટા પડી રહ્યા હતા. શહેરમાં આગામી ૩-૪ દિવસ વરસાદનું જોર યથાવત રહી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની સંભાવના છે.