વાસણા ગ્રીન બેલ્ટની જમીન પર પાણીની ટાંકી બનાવવામાં આવશે.
વટવા પૂજા ફાર્મ રોડ પર નર્મદાના પાણી સપ્લાય કરવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના વ્યાપ અને વસ્તીમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે પાણી, ડ્રેનેજ, લાઈટ અને રોડ જેવી પ્રાથમિક સુવિધાઓની જરૂરિયાતમાં પણ વધારો થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા નવા વિસ્તારમાં ઝડપથી પ્રાથમિક સુવિધાના નવા કામ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે જયારે હયાત માળખામાં ફેરફાર થઈ રહયા છે. જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના વાસણા વોર્ડમાં ગ્રીનબેલ્ટ ની જમીન પર પાણીની નવી ઓવર હેડ ટાંકી બનાવવામાં આવશે.
મ્યુનિસિપલ વોટર સપ્લાય કમિટી ચેરમેન દિલીપ ભાઈ બગરિયા ના જણાવ્યા મુજબ પશ્ચિમઝોનના વાસણા વોર્ડમાં છેવાડાના વિસ્તાર દક્ષિણ પશ્ચિમઝોન અને પશ્ચિમઝોનની હદ જોડે મલાવ તળાવથી વાસણા ગામ સુધીના વિસ્તારમાં ગ્રીન બેલ્ટ વિસ્તાર હતો. જેમાં ટી.પી. સ્કીમ અમલમાં મુકી વિકાસ પરવાનગી આપવામાં આવી છે. જેથી સદર વિસ્તારમાં વર્ટીકલ ડેવલપમેન્ટ ચાલુ થયેલ છે.
જેથી થનાર વિકાસને ધ્યાનમાં લઇ વોટર સપ્લાય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું જરૂરી છે. સદર વિસ્તારમાં નવી બનતી સ્કીમોમાં હાલમાં ખાનગી બોરવેલ દ્વારા પાણી મેળવવામાં આવે છે. અને અમુક વિસ્તારમાં દેવાસ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાંથી પાણી પુરું પાડવામાં આવે છે. દેવાસ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન હાલમાં તેની પુરેપુરી ક્ષમતાથી કાર્યરત છે જેમાં છેવાડાના અમુક વિસ્તારમાં પાણીના પ્રેશરની ફરીયાદો આવે છે.
આ વિસ્તારના વિકાસને ધ્યાને લઇ કુલ ૧૧૦ હેકટરમાં પાણી પુરું પાડવા ગણતરી કરવામાં આવેલ છે.જે મુજબ વર્ષ ૨૦૨૬ સુધીમાં ૩૨૦ ની વસ્તીની ડેન્સીટી મુજબ ૩૫૨૦૦ અને ૨૦૪૧ માં ૪૨૦ ની ડેન્સીટી મુજબ ૪૬૨૦૦ અને ૨૦૫૯ માં ૫૨૫ ની ડેન્સીટી મુજબ ૫૭૭૫૦ જેટલી વસ્તીને પાણી પુરું પાડવાનું થાય છે. જે મુજબ પ્રતિ વ્યકિત પ્રતિ લીટર પાણીની ગણતરી કરતાં ૯૮ લાખ લીટર જેટલી પાણીની જરૂરીયાત છે.
જેથી મલાવ તળાવથી વાસણા ગામ સુધીના વિસ્તારમાં ગ્રીન બેલ્ટ વિસ્તારમાં અંતિમ ખંડ નં.૩૯૩/૧ માં ૯૮ લાખ લીટર સાથેની પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી તથા ૨૫ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવવાનું આયોજન કરેલ છે. જેનાથી આશરે ૨.૫ ચોરસ કીલોમીટર વિસ્તારમાં ભવિષ્યમાં થનાર વિકાસ મુજબ ૮૦૦૦૦ જેટલી વસ્તીને લાભ મળશે. જેના માટે અંદાજે રૂ.34 કરોડનો ખર્ચ થશે.
દક્ષિણઝોનનાં વટવા વોર્ડમાં લાંભા વોર્ડના નવા સમાવિષ્ટ થયેલ વિસ્તારો જેવાકે પૂજા ફાર્મથી કેનાલ સુધીના રોડ ઉપર આવેલ કર્ણાવતી પાર્ક -૬, પારીજાત આમરા,તિરુપતી હાઈટસ, શરણમ એરાઈઝ, પૂજા રેસીડેન્સી, આદર્શે તુલીપ, તીરુપતી ટાવર, તથા એઇમ્સ સ્કૂલથી રશમી વિહાર સુધીના રોડ ઉપર આવેલ ગજાનંદ હાઈટસ, ભાગવત એલીગન્સ,સુદેવ ફલોરા, રોયલ વિવેરા પ્રગતીનગર, અનુષ્ઠાન-૧ ગજાનંદ કુટીર, ઉમગ એપાર્ટમેન્ટ, આકૃતિ આંગન સ્વામીનારાયન-૭ વિ વિસ્તારમાં હાલમાં પ્રાઇવેટ બોરવેલ થી પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવે છે.
સદર વિસ્તાર સરદાર પટેલ રીંગ રોડ પાસેનો હોઈ ઝડપથી વિકાસ પામવાની શક્યતાઓ છે. સદર વિસ્તારમાં ભમ્મરીયા કુવા પૂજા ફાર્મથી કેનાલ થઈ રીગ રોડ તફર ગામડી રોડ સુધીનો ટીપી રોડ ખુલેલ છે તેમાં પણ ઘણુજ વર્ટીકલ ડેવલપમેન્ટ ચાલુ છે. આથી સદર વિસ્તારમાં બોરને બદલે સરફેશ વોટર મળી રહે તે મુજબ વટવા વોર્ડમાં ટી.પી. સ્કીમ ૭૯ (વટવા-૭) ફા.પ્લોટ નં ૯૩ માં ભમ્મરીયા કુવા વિસ્તારમાં નવું વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે.
જે અન્વયે દક્ષિણ ઝોનનાં વટવા વોર્ડમાં ટી.પી-૭૯ (વટવા-૭) નવા વિકાસ થતા વિસ્તારમાં કોઈ વોટર સપ્લાય ઇન્ફ્રાસ્ટ્રકચર આવેલ ન હોઇ સદર વિસ્તારમાં શુધ્ધ સરફેસ પાણી પુરું પાડવા માટે પૂજા ફાર્મથી કેનાલ સુધીના મેઇન ટીપી રોડ ઉપર આવેલ ફા.પ્લોટ નં ૯૩ માં ૧૪૦ લાખ લીટર ક્ષમતાની પંપ હાઉસ સાથેની ભુગર્ભ ટાંકી તથા ૨૫ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી સાથેનુ નવુ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવાનું આયોજન કર્યું છે. જેનાથી આશરે ૩ ચોરસ કીલોમીટર વિસ્તારમાં ભવિષ્યમાં થનાર વિકાસ મુજબ ૧,૦૦,૦૦૦ જેટલી વસ્તીને લાભ મળશે.જેના માટે રૂ.૪૪.૨૨ કરોડનો ખર્ચ થશે.