Western Times News

Gujarati News

વતનપ્રેમી રમેશભાઈ પટેલે શિક્ષણકાર્ય માટે આ ગામને શાળા માટે આપ્યું રૂ. ૪ કરોડનું દાન

ગળતેશ્વરના વસો ગામ ખાતે સરસ્વતી વિદ્યાલય નવીન શાળાનું લોકાર્પણ કરતા શિક્ષણમંત્રી 

નડિયાદ, આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રી  કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં ગળતેશ્વરના વસો ગામ ખાતે સરસ્વતી વિદ્યાલય નવીન શાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરે વસો ગ્રામવાસીઓને સરસ્વતી વિદ્યાલય નવીન શાળા માટે શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે શરૂ કરાયેલ સર્વ શિક્ષા અભિયાન, નમો સરસ્વતી યોજના,

પીએમ શ્રી શાળા, સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળા, સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન પોલીસી અને નવી શિક્ષણ નીતિ સહિતના પ્રયાસો દ્વારા ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક પરિણામો આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં ૨૨,૦૦૦ જેટલા શાળાના ઓરડા, ૧૬,૦૦૦ જેટલી સ્કૂલ ઓફ એક્સેલન્સ, ૪૪૮ જેટલી પી.એમ.શ્રી શાળાના નિર્માણ સહિતના કામો દ્વારા આજે સેલ્ફ ફાઇનાન્સમાંથી સરકારી શાળાઓમાં અભ્યાસ માટે આવતા બાળકોનું પ્રમાણ વધ્યું છે.

શિક્ષણ કાર્ય વિશે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રાથમિક સ્તરથી જ ગુજરાતી ભાષાની વ્યાકરણ શુદ્ધિ પર ધ્યાન આપવું પડશે તથા બાળકોને મોબાઈલના વધુ પડતાં વપરાશથી દૂર રાખવા સૂચન કર્યું હતું. મંત્રી એ શિક્ષકોને ફક્ત પુસ્તકિયા શિક્ષણ સુધી સીમિતના રહેતા વિદ્યાર્થીઓમાં કેળવણી સિંચન દ્વારા સમૂહ જીવનની ભાવના નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના બાળકો ટેકનોલોજી થી વંચિત ના રહી જાય તે માટે સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ આપવામાં આવી છે. નવી શિક્ષણનીતિ અંતર્ગત વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. જેમાં સ્કીલ ડેવલોપમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને રોજગારવાંછુ માંથી રોજગાર દાતા બનાવવા પર ભાર મૂકવામાં આવશે.

સાથે જ આ પ્રસંગે મંત્રીશ્રીએ સરસ્વતી વિદ્યાલયમાં માધ્યમિક શાળા માટેની મંજૂરી પ્રક્રિયામાં મદદરૂપ થવા ખાતરી આપી હતી.શિક્ષણ મંત્રી એ શાળાના વર્ગખંડોની મુલાકાત લઈ, વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં, મંત્રી એ વસોના શહીદ શ્રી સંજય પટેલ સ્મારકને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

આ અવસરે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી પરેશ વાઘેલાએ ખેડા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વિશે માહિતી આપી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે હાલ ખેડા જિલ્લામાં કુલ ૬૭૪ જેટલી સ્કૂલ ઓફ એકસેલન્સ, ૨૦ જેટલી પી.એમ.શ્રી શાળાઓથી વિદ્યાર્થીને અસરકારક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વધુમાં ખેડામાં ચાલી રહેલ શિક્ષક બદલી કેમ્પ બદલ મંત્રી ના માર્ગદર્શનનો આભાર માન્યો હતો.

કાર્યક્રમ અંતર્ગત દાતા  રમેશભાઈ પટેલનું કે જેમણે વતન પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી શિક્ષણકાર્ય માટે રૂ. ૪ કરોડનું દાન આપ્યું છે અને તેમના પત્ની કલાબેન પટેલનું મંત્રી ના હસ્તે ફૂલહાર કરી, શાલ ઓઢાડીને સન્માન પત્ર સાથે સન્માન કરવામાં આવ્યું. સાથે જ વસો ગામના રમત, કલા, શિક્ષણ અને આર્મી સહિતના ક્ષેત્રે દેશ સેવા માટે કામગીરી કરનાર તમામનું મંત્રી ની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માતૃભૂમિ ચેરિટી ફાઉન્ડેશનના પ્રમુખ અને દાતા રમેશભાઈ પટેલે બાળ કૌશલ્ય, કેળવણી અને જીવન વિકાસમાં શિક્ષણના મહત્વની વાત કરી ગામના વાલીઓને તેમના બાળકો અને ખાસ કરીને કન્યાઓને શિક્ષણ અપાવવા ખાસ અનુરોધ કર્યો હતો. સાથે જ શાળા નિર્માણના કાર્યમાં સાથ આપનાર સૌ પરિવારજનો, મિત્રો, ગ્રામજનો અને સરકારનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ ૯ અને ૧૦ સુધીનું માધ્યમિક શિક્ષણ કાર્ય ચાલુ કરવાની પ્રક્રિયામાં મદદરૂપ થવા મંત્રી ને અનુરોધ કર્યો હતો. પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે અને અગ્રણી હસમુખ પટેલે ગ્રામજનો અને શાળા પરિવારને નવ નિર્મિત શાળા ભવનની વ્યવસ્થાઓની જાળવણી અને જતન કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ વસો ગ્રામવાસી ગુલામ હુસેન મલિકે નવા શાળા ભવન થી ગામના બાળકો માટે સ્માર્ટ ક્લાસ અને ટેકનોલોજી યુક્ત શિક્ષણની સુવિધાઓ બદલ દાતા રમેશભાઈ પટેલનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેકટર  અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી પરેશ વાઘેલા, પ્રાંત અધિકારી શ્રી કરણ પ્રજાપતિ, જિલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલ,

માતૃભૂમિ ચેરીટી ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ અને દાતા રમેશભાઈ પટેલ, કલાબેન રમેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ નયનાબેન પટેલ, પૂર્વ જિલ્લા પ્રોજેક્ટ એન્જિનિયર, સહિત સમગ્ર તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, શિક્ષણ સંઘના હોદ્દેદારો, સરસ્વતી વિદ્યાલયના તમામ સ્ટાફગણ, અગ્રણીઓ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.