વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનારી ગુંડા ટોળકીનો એક સાગરિત દોઢ મહિને પકડાયો

AI Image
વસ્ત્રાલની ઘટના બાદ ડીજીપીએ ગુંડાઓને પકડી જેલમાં પુરવા આદેશ કર્યો હતો
(એજન્સી)અમદાવાદ, વસ્ત્રાલમાં દોઢ મહિના પહેલાં હથિયારો સાથે રોડ ઉપર આવી રાહદારીઓ સાથે મારામારી કરવા ઉપરાંત વાહનોની તોડફોડ કરી આતંક મચાવી દેનારી ગુંડા ટોળકીના એક સાગરિતની પોલીસે ધરપકડ કરી હતી. હુમલા બાદ આરોપી ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ ભાગી ગયો હતો ત્યા દોઢ મહિનો રોકાયા બાદ તે પાછો આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો.
દોઢ મહિના પહેલાં વસ્ત્રાલમાં હથિયારોથી સજ્જ ટોળકીએ રોડ ઉપર આવીને આતંક મચાવ્યો હતો. આ ટોળકીએ રાહદારીઓને હથિયારો બતાવી ડરાવીને ધમકાવીને તેમના ઉપર હથિયારોથી હુમલો કર્યો હતો. આટલું જ નહીં લોકોના વાહનોની પણ તોડફોડ કરી રીતસર આતંક મચાવી દીધો હતો. ગુંડા ટોળકીના આ આતંકના વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વહેતા થયા હતા.
જેની ગંભીરતાથી નોંધ લઈને ડીજીપીએ ૧૦૦ કલાકમાં જ ગુજરાતના તમામ ગુંડાઓને પકડીને જેલમાં પૂરી દેવા સૂચના આપી હતી. જેના ભાગરૂપે ગુજરાત પોલીસે ગુંડાઓની યાદી બનાવીને અંદાજે પ હજાર કરતાં પણ વધારે ગુંડાઓને જેલમાં પૂરી દીધા હતા.
જ્યારે ગુંડાઓએ કરેલા ગેરકાયદેસર બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યા હતા જ્યારે આતંક મચાવનારી આ ટોળકી પૈકી પંકજ ભાવસારના સાગરિત રોહિત ઉર્ફે ટાઈમપાસ સુરેશભાઈ રામલખન મિશ્રા (ર૦) (રામોલ)ને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો હતો. પીઆઈ દીપક ઢોલાએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ રોહિત મધ્યપ્રદેશ જતો રહ્યો હતો.
ત્યાં ઉજ્જૈન સહિતના સ્થળે રોકાયા બાદ તે તેના વતન ઉત્તરપ્રદેશના સુલતાનપુર ખાતે જતો રહ્યો હતો. ત્યાંથી તે પાછો આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લખેનીય છે કે, થોડા સમય અગાઉ વસ્ત્રાલમાં એક ગુંડા ટોળકીના કેટલાક સભ્યો વિરોધી ગુંડા ટોળકીના એક માસણને શોધતા શોધતા આવ્યા હતા પરંતુ તે નહીં મળતાં રોડ પર આવતા જતાં લોકો અને વાહનોને નિશાન બનાવી તોડફોડ પણ કરી હતી. આ ઘટનાના પોલીસ બેડામાં ખૂબ માઠા પ્રતિભાવ પડયા હતા.