વસ્ત્રાપુર હાટ, અમદાવાદ ખાતે બાગાયત ખેડૂત હાટનું આયોજન

૧૦થી ૧૨ માર્ચ દરમિયાન નાયબ બાગાયત નિયામક,અમદાવાદની કચેરી દ્વારા ત્રિદિવસીય ખેડૂત હાટનું આયોજન-પ્રાકૃતિક બાગાયત ઉત્પાદનો, મૂલ્યવર્ધીત બાગાયતી પેદાશો, શહેરી ખેતીમાં ઉપયોગી સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ
નાયબ બાગાયત નિયામક,અમદાવાદ દ્વારા વસ્ત્રાપુર હાટ, અમદાવાદ ખાતે બાગાયત ખેડૂત હાટ -૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. ૧૦થી ૧૨ માર્ચ દરમિયાન યોજાનાર ત્રિદિવસીય બાગાયત ખેડૂત હાટમાં રાજ્યભરના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, બાગાયાતદારો સહભાગી થશે.
બાગાયત ખેડૂત હાટ -૨૦૨૫માં પ્રાકૃતિક બાગાયત ઉત્પાદનો, મૂલ્યવર્ધીત બાગાયતી પેદાશો, શહેરી ખેતીમાં ઉપયોગી સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ સાથે સંકળાયેલા ખેડૂતો અને સંસ્થાઓ ભાગ લેશે.
બાગાયત ખેડૂત હાટમાં રાજ્યના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પન્ન થયેલ ફળ અને શાકભાજીનું વેચાણ, સામાન્ય રીતે પકવેલ ફળ અને શાકભાજીનું વેચાણ, મૂલ્યવર્ધીત બાગાયતી પેદાશો(જેવી કે જામ,જેલી,શરબત,અથાણાં, કેચઅપ વિગેરે), ગૃહ ઉદ્યોગ અંગેની ફૂડ પ્રોસેસિંગ મશીનરીનું નિદર્શન, શહેરી ખેતીમાં ઉપયોગી સામગ્રી ( કુંડા, રોપા, કોકોપીટ, સાધનો, ગ્રો બેગ વિગેરે)નું પ્રદર્શન અને વેચાણ યોજાશે.
આ ઉપરાંત, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અને બાગાયત કૃષિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ ઉપરાંત, વિવિધ લાઇવ બાગાયતી પેદાશો પણ જોવા મળશે. સવારે ૧૦-૦૦ થી રાત્રિના ૦૯-૦૦ કલાક સુધી વસ્ત્રાપુર હાટ, અમદાવાદ ખાતે આ વેચાણ કમ પ્રદર્શન મેળો યોજાશે.