કેદારનાથની કઠિન પણ રોમાંચક જગ્યા વાસુકી તાલ
ઉત્તરાખંડના દરેક મંદિર, પહાડ, સરોવર, તળાવ, નદી સાથે કોઈને કોઈ પૌરાણિક કથા જાેડાયેલી હશે જ. તમે ઉત્તરાખંડની કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં તમને તેની સાથે જાેડાયેલી કથા જરૂરથી સાંભળવા મળશે. વળી આ જગ્યાની વિશેષતા એના પહાડોથી ઘેરાયેલા વિસ્તાર પણ છે. ચારેબાજુ બરફાચ્છાદિત પહાડોથી ઘેરાયેલી આ જગ્યા પર્યટકોમાં ખૂબ પ્રિય છે. ટ્રેકિંગની મોજ માણનાર પ્રવાસી મંડળીઓ અહીં અચૂક આવે છે. આજે આપણે કેદારનાથ મંદિરેથી ૮ કિ.મી. દુ આવેલા વાસુકી તાલ વિશે વાત કરવાની છે. આ જગ્યા કેદારનાથથી પણ ઉપર વસેલી છે.
વાસુકી તાલનો ઈતિહાસ ઃ આગળ કહ્યું એ મુજબ ઉત્તરાખંડની દરેક જગ્યા સાથે એક ઐતિહાસિક કથા જાેડાયેલી છે. વાસુકી તાલ સાથે એક નહી પણ બે કથા જાેડાયેલી છે. કહેવાય છે કે રક્ષાબંધન વખતે ભગવાન વિષ્ણુએ આ જગ્યાએ સ્નાન કર્યું હતું. એ જ કારણસર અહીંના લોકો આ જગ્યાને રોમાંચક હોવાની સાથે પવિત્ર પણ માને છે.
આ જગ્યાએ બ્રહ્મકમળ ખૂબ થાય છે. સ્થાનિક લોકો માને છે કે શ્રાવણ માસમાં વાસુકી તાલના બ્રહ્મકમળ શિવલિંગ પર ચડાવવાથી અઢળક પુણ્ય પ્રાપ્ત થાય છે. એટલે જ કેદારનાથ મંદિરના પુજારીઓ વાસુકી તાલ પહોંચીને બ્રહ્મકમળ લઈને ભગવાન કેદારનાથને ચડાવે છે. વાસુકી તાલ ક્યા આવેલું છે ઃ વાસુકી તાલ ઉત્તરાખંડ રાજયના રુદ્રપ્રયાગ જિલ્લામાં સોનપ્રયાગ પાસે આવેલું છે. આ જગ્યાની ઉંચાઈ લગભગ ૪૧૩પ મીટર છે. અહી પહોંચવા માટે તમારે કેદારનાથ થઈને જ જવું પડે છે.
વાસુકી તાલ ટ્રેક ઃ વાસુકી તાલ ટ્રેક મૂળ ગીરી કુંડથી શરૂ થાય છે. જે કેદારનાથ થઈને વાસુકી તાલ સુધી જાય છે. એટલે તમે કેદારનાથ દર્શન કરીને આગળ વાસુકી તાલ સુધી જઈ શકો છો. અલબત્ત, અહી જવા માટે ગાઈડને સાથે રાખવો ખૂબ જરૂરી છે. કારણ કે અહીં આવેલા પહાડોની માહિતી પર્યટકોને ન હોવાથી રસ્તો ભૂલવાની શકયતા વધારે રહે છે. ગૌરીકુંડથી વાસુકી તાલ : ગૌરીકુંડથી વાસુકી તાલનો ટ્રેક ર૪ કિલોમીટર જેટલો છે એટલે એક દિવસમાં વાસુકી તાલ ટ્રેક પુરો નહી થઈ શકે. રસ્તો લાંબો હોવાની સાથે કઠિન પણ છે, તેથી પહેલા દિવસે કેદારનાથ મંદિરના દર્શન કરવા, ત્યાંથી વાસુકી તાલ ૧૬ કિલોમીટરનો રસ્તો છે. પહેલે દિવસે કેદારનાથના દર્શન કરી ત્યાં જ રોકાઈ જવું. પછી બીજા દિવસે વહેલી સવારે વાસુકી તાલ જવા નીકળવું. યાદ રાખો, આ ટ્રેક ઉપર ખાવાપીવાની કે બીજી કોઈ જ સગવડ નથી એટલે ત્યાં જવું હોય તો ભોજન તેમજ પાણીની અને ફર્સ્ટએઈડની વ્યવસ્થા પહેલેથી જ કરી લેવી. વાસુકી તાલથી કેદારનાથ રાત્રી થતાં પહેલા પહોંચી જવું. ત્યાં રાત્રીરોકાણ ન કરવું તેમજ રાત્રીના સમયે એ રસ્તો પણ જાેખમી છે એટલે બને તો દિવસ હોય એ જ સમયે કેદારનાથ પહોંચી જવું. અહીં જંગલી રીછનો ડર ખૂબ રહે છે. વાસુકી તાલ પહોંચશો એટલે હિમાલયના પર્વતો અને સુંદર બ્રહ્મકમળની અલૌકિક સુંદરતા જાેવા મળશે. વાસુકી તાલ જવા માટે મે મહિનાથી લઈને ઓકટોબર મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
કેવી રીતે જશો ? ઃ વાસુકી તાલ અને કેદારનાથ જવા માટે તમારે પહેલાં ઋષિકેશ, દહેરાદૂન કે હરિદ્વાર જવું પડશે. એ પછી ત્યાંથી સોનપ્રયાગ માટે બસ કે ટેકિસનો ઉપયોગ કરવો. સોનપ્રયાગથી પ કિ.મી. દૂર ગૌરીકુંડ છે. ત્યાં પહોંચવા માટે જીપનો ઉપયોગ કરવો. ગૌરીકુંડથી ચાલતા અથવા પાલખી દ્વારા ઘોડા દ્વારા, ખચ્ચર દ્વારા કે પિંકુ દ્વારા તમે કેદારનાથ પહોંચી શકો છો. કેદારનાથ ફિલ્મ જાેઈ હોય તો એ ફિલ્મમાં કેદારનાથ સહીત વાસુકી તાલ અને તેની આસપાસની બીજી અનેક સુંદર જગ્યા બતાવે છે.