વટવા, નિકોલ અને અસારવા બેઠક પર ભાજપમાં ભારેલો અગ્નિ
વટવા વિધાનસભામાં પૂર્વ ગૃહ મંત્રી સામે નવા આઠ દાવેદારો મેદાને પડ્યા
વટવામાં ૮, અસારવામાં પર અને નિકોલમાં પ દાવેદારો મેદાનમાં-
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાત રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત પાછલા સપ્તાહ દરમિયાન અમદાવાદ શહેરની બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા કરી હતી જે પૈકી ઘાટલોડિયા અને વટવા વિધાનસભા ની બેઠકો ચર્ચામાં રહી હતી. તેવી રીતે વર્તમાન સરકારના બે મંત્રીઓ સામે પણ વિરોધ જાેવા મળ્યો છે.
અમદાવાદ જિલ્લાની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી તેમાં મોટી સંખ્યામાં દાવેદારો પડ્યા હતા પરંતુ ઘાટલોડિયા વિધાનસભા માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સામે કોઈએ પણ દાવેદારી કરી ન હતી
તેવી જ રીતે વટવા વિધાનસભામાં પણ પૂર્વ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા માટે એક લીટીનો ઠરાવ કરવામાં આવશે તેવી વાતો પણ વહેતી થઈ હતી. પરંતુ વટવા વિધાનસભામાં પૂર્વ ગૃહ મંત્રી સામે નવા આઠ દાવેદારો મેદાને પડ્યા છે નિરીક્ષકો સેન્સ લેવા આવે તે સમયે પૂર્વ ગૃહ મંત્રીની તરફેણમાં અંદાજે ૮૦ જેટલા લોકો એક લીટીનો ઠરાવ આપી ગયા હતા.
ત્યારબાદ લંચ બ્રેક રાખવામાં આવ્યો હતો જે પછી અચાનક અન્ય દાવેદારો પણ સ્થળ પર આવ્યા હતા સ્થાનિક સૂત્રો જણાવ્યા મુજબ પૂર્વ ગૃહ મંત્રી સામે દાવેદારી કરવામાં પૂર્વ કોર્પોરેટર પારૂલબેન પટેલ, હંસાબેન પટેલ ,અનિલભાઈ પટેલ, રવિભાઈ ઠાકોર, રાજુભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલ મુખ્ય નામો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ અરવિંદભાઈ પટેલ કે જેઓ દદુ ના નામથી પણ જાણીતા છે તેઓ પાટીદાર સમાજની અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને વિવિધ મુદ્દાઓ પર સામાજિક ક્ષેત્રે કામ કરી રહ્યા છે વટવા ભાજપમાં ચાલતી ચર્ચા મુજબ અહીં બે જૂથ થઈ ગયા છે જેમાં એક જૂથ પૂર્વ ગૃહ મંત્રીની મરજી મુજબ ચાલી રહ્યું છે
વિધાનસભાના whatsapp ગ્રુપમાં જે લોકો ધારાસભ્ય માટે પોઝિટિવ લખે કે વાહ વાહ કરે તેને વિવિધ મુદ્દાઓથી નવાજવામાં આવે છે જ્યારે પક્ષ અને પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરનારને સાઈડ લાઈન કરવામાં આવી રહ્યા છે જેના કારણે જ વર્તમાન ધારાસભ્ય સામે વિદ્રોહનો સુર ઉઠ્યો છે
ધારાસભ્ય પદ માટે દાવેદારી કરનાર પૈકી કેટલાક લોકોનું માનવામાં આવે તો વટવા વિધાનસભામાં કોઈપણ ઉમેદવાર આવે તે મંજૂર છે પરંતુ બદલાવ જરૂરી છે પક્ષ દ્વારા ઉમેદવાર બદલવામાં આવશે તો પણ જીતના માર્જિનમાં કોઈ જ ફરક પડશે નહીં તેમ સ્થાનિક કાર્યકરો પણ માની રહ્યા છે.
વટવાની માફક નિકોલમાં પણ વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્મા સામે કોઈ દાવેદારી કરે તેમ માનવામાં આવતું નહતું. પરંતુ તેમની સામે પણ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરપર્સન મધુબેન પટેલ સહિત ચાર લોકોએ દાવેદારી કરી છે. જયારે સૌથી કફોડી સ્થિતિ અસારવા વિધાનસભા માં જાેવા મળી છે. જેમાં ૫૨ લોકો ધારાસભ્ય બનવા મેદાને પડ્યા છે.