Western Times News

Gujarati News

તા.23થી 27 નવેમ્બર સુધી યોજાશે વૌઠાનો લોકમેળો

શ્રદ્ધા ભક્તિ અને ભાવનાનો ત્રિવેણી સંગમ એટલે વૌઠાનો લોકમેળો-ગુજરાતનો સુપ્રસિદ્ધ વૌઠા લોકમેળાનો આજથી થયો પ્રારંભ

લોકમેળાનું આપણા સમાજજીવનમાં અનેરું મહત્વ રહેલું છે : કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં સપ્ત નદીના સંગમ તટ એવા વૌઠા ગામે પ્રતિ વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી અતિ પ્રસિદ્ધ એવો લોકમેળો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સપ્તનદી સંગમ સ્થળે સ્નાન કરવા તેમજ ચકલેશ્વર મહાદેવ અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી પાવન થવા આવતા હોય છે. સમય સાથે મેળાનું સ્વરૂપ ધીમે ધીમે બદલાયું છે.

ગુજરાતના આ સુપ્રસિદ્ધ વૌઠા લોક મેળાનો આજે તા.23 નવેમ્બરથી પ્રારંભ થઇ રહ્યો છે, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણએ કહ્યું હતું કે, લોકમેળાનું આપણા સમાજજીવનમાં અનેરું મહત્ત્વ રહેલું છે. ગુજરાતમાં 1600થી પણ વધુ નાના મોટા મેળાઓ થાય છે જેમાં સૌથી મોટો અને સુપ્રસિદ્ધ વૌઠાનો લોકમેળો છે. આ મેળાનો સાંસ્કૃતિક વારસો પણ ખૂબ જૂનો છે. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, પહેલાના સમયમાં આવા મેળાનું આયોજન પંચાયત કરતી હતી.

મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા. અનેક લોકો ધંધા રોજગાર માટે પણ આવતા હતા. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વ્યવસ્થાના ભાગરૂપે મેળાની જવાબદારી સરકાર પોતે ઉપાડે તેવું અનેરું આયોજન કર્યું. જેથી લોકમેળા દરમિયાન પાયાની વ્યવસ્થાઓ ઊભી કરી શકાય અને મુલાકાતીઓને અગવડ ના પડે તેની ખાસ તકેદારી રાખી શકાય.

વૌઠાનો લોકમેળા વિશે વાત કરતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પાંચ દિવસ સુધી ચાલનારા આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવશે. ધંધા રોજગાર માટે ઠેર ઠેરથી લોકો અહીં આવે છે. તેમણે કહ્યું કે, અહીં પશુમેળો પણ યોજાય છે. વૌઠાના મેળા સાથે મારા વ્યક્તિગત સંસ્મરણો જોડાયેલા છે એવું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાડા નવ વર્ષની ફલશ્રુતિ સ્વરૂપે દેશનું અર્થતંત્ર આજે 5મા નંબરે આવ્યું છે. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આપણા ધર્મમાં ઉત્સવોનું અનેરું મહત્ત્વ રહેલું છે. આપણા શાસ્ત્રોમાં ઉત્સવની સાથે સાથે ધર્મને જોડ્યો છે. હું નાનપણથી આ મેળાનો સાક્ષી રહ્યો છું, હું આજ સુધી એક પણ મેળો ચૂક્યો નથી. વધુમાં ભૂપેન્દ્રસિંહે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ તમામ બાબતોનો સમન્વય કરી અનેક ધર્મસ્થાનોનો વિકાસ કર્યો અને પ્રવાસન સ્થળ પણ બનાવ્યા, જેનો લાભ વેપાર ક્ષેત્રે પણ મળ્યો, એવું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં ભૂપેન્દ્રસિંહે જણાવ્યું કે, આજે વોકલ ફોર લોકલ થકી નાના નાના ધંધા રોજગારોને વેગ મળ્યો છે. આ પ્રસંગે ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વૌઠા ગામ એ સપ્ત નદીઓનું સંગમસ્થાન છે. અહીં લોકમેળા દરમિયાન સ્નાનનું આગવું મહત્ત્વ હોય છે. તેમણે કહ્યું કે, આ લોકમેળામાં બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકો આવીને આનંદ માણી શકે તે પ્રકારે વહીવટીતંત્ર દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વૌઠાના પ્રસિદ્ધ આ લોકમેળામાં લાખો લોકો આવતા હોય છે ત્યારે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે પ્રકારનું આયોજન કરાયું છે.

વૌઠાના મેળાની વિશેષતા એ છે કે, આ મેળો કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સતત પાંચ દિવસ સુધી સળંગ રાત-દિવસ ચાલુ રહે છે. જેમાં વિવિધ પ્રકારના મનોરંજન સ્ટોલો, ખાણી પીણીના બજાર, ખાદી ગ્રામોદ્યોગ જેવી સંસ્થાઓ, હસ્તકલા કારીગરીની વસ્તુઓનો વેપાર, સામાન્ય ચીજ – વસ્તુઓના સ્ટોલ પણ હોય છે. મેળાના વિશેષ આકર્ષણમાં પશુધનનો પણ વેપાર અહીં થાય છે. જેમાં ખાસ કરીને ગધેડા, ઊંટ, ઘોડાનો વેપાર થાય છે.

વૌઠાના લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લાના સર્વે ધારાસભ્યશ્રીઓ શ્રી કનુભાઈ પટેલ, શ્રી બાબુસિંહ જાદવ, શ્રી કલ્પેશભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કંચનબા વાઘેલા, રાજકીય અગ્રણી શ્રી હર્ષદગીરી ગોસ્વામી, ઇન્ચાર્જ ડીડીઓશ્રી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ, સ્થાનિક આગેવાનો સહિતના લોકો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.