વૌઠાનો લોકમેળો સામાન્ય માણસને આનંદ મળી રહે તેવો મહોત્સવ તેમજ સાધના અને ઉત્સવનું એક સાધન: દેવુસિંહ
સપ્તનદી સંગમ સ્થાન વૌઠાનો મેળો – 2024 –લોકસભાના દંડક શ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે વૌઠાના સુપ્રસિદ્ધ લોકમેળાનું ઉદ્ઘાટન
પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ વિસ્તારના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભીની પ્રોત્સાહક ઉપસ્થિતિ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકમેળાઓ અને વિવિધ તહેવારોની ઉજવણીને આર્થિક પરિસ્થિતિ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો: પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
સપ્તનદી સંગમ સ્થાન વૌઠા ગામ ખાતે લોકસભાના દંડક શ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે વૌઠાના સુપ્રસિદ્ધ લોકમેળાનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ વિસ્તારના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા.
લોકસભાના દંડક શ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ મેળાનું મહત્ત્વ સમગ્ર ગુજરાત જાણે જ છે. વૌઠાનો મેળો એ સામાન્ય માણસને આનંદ મળી રહે તેવો મહોત્સવ છે, અને સાધના તેમજ ઉત્સવનું એક સાધન છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વૌઠાના મેળામાં યાત્રાળુઓને કોઈપણ તકલીફ ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ અહીં સ્નાન કરવાનું અનોખું મહત્ત્વ છે, પરંતુ કોઈ જાનહાનિ ન થાય તે માટે આ વર્ષે નદીની બહાર જ સ્નાન કરવાની વ્યવસ્થા કરાઈ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વૌઠા ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને તમામ ગ્રામજનોનો વૌઠાના લોકમેળાના સુંદર આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સાબરમતી, હાથમતી, વાત્રક, ખારી, શેઢી, માઝમ અને મેશ્વો જેવી સપ્તનદીઓનું સંગમ થાય છે તેના પ્રાંગણમાં વર્ષોથી આ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અનેક લોકમેળાઓનું આયોજન થાય છે, પરંતુ વૌઠાનો લોકમેળો સુપ્રસિદ્ધ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
પૂર્વ મંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના લોકમેળાઓ અને વિવિધ તહેવારોની ઉજવણીને આર્થિક પરિસ્થિતિ સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાં સફળતા મેળવી છે. જેમકે, નવરાત્રિ મહોત્સવ ગુજરાત પતંગોત્સવ જેવા વિવિધ તહેવારોની ઉજવણી થકી લોકોને રોજગારી મળી છે, અને લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી જણાવ્યું હતું કે, ચકલેશ્વર મહાદેવના સાંન્નિધ્યમાં આ લોકમેળો યોજાઇ રહ્યો છે, આ મેળાનું ધાર્મિક તેમજ આર્થિક મહત્ત્વ રહેલું છે. આ મેળામાં વેપારીઓ આવીને વેપાર કરે છે, તેમજ આસપાસના ગામના લોકો અને દૂરથી યાત્રાળુઓ પધારી કારતક સુદ પૂનમ સુધી આ મેળાનો આનંદ લે છે, આવો અનોખો આ ગુજરાતનો ખૂબ જ પ્રસિદ્ધ મેળો છે અને દર વર્ષે હર્ષોલ્લાસ સાથે વૌઠા ગામના લોકો દ્વારા તેમજ ગ્રામ પંચાયત દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે, તે બદલ હું તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું, તેમ તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં માતર વિસ્તારના ધારાસભ્ય શ્રી કલ્પેશ પરમાર, ધોળકા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન ત્રિવેદી, રાજકીય અગ્રણી શ્રી હર્ષદગીરી ગોસ્વામી, ગામના સરપંચ શ્રી રાજેન્દ્રભાઈ વસાવા, તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતના સભ્યો, વિવિધ વિભાગના પદાધિકારીઓ, સંતો-મહંતો, ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ મેળામાં પધારેલ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.