Western Times News

Gujarati News

વાવ બેઠક પર પેટા ચૂંટણીનો ત્રિપાંખિયો જંગ

અપક્ષ નેતા માવજી પટેલે કમળનું ટેન્શન વધાર્યું-ભાજપનો જ નહીં, પાટીલનો પાવર ઉતારવાનો છેઃ માવજી પટેલ

વાવ,  બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણીનો ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપ ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ વચ્ચે રસાકસીભરી ચૂંટણી યોજાવવા જઈ રહી છે. બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનારા માવજી પટેલ હવે પાટીલ સાથે આરપારની લડાઈ લડવાના મૂડમાં છે. પ્રચાર વખતે માવજી પટેલે જાહેરમાં કહ્યું કે, મારે ભાજપનો જ નહીં, સી.આર.પાટીલનો પાવર ઉતારવો છે.

તેમણે ચિમકી પણ આપી કે, હું ભાજપનો સૈનિક હોવા છતાંય ભાજપે મારી અવગણના કરી છે. પણ ભાજપને આ બધુંય ભારે પડશે. આ તરફ, ભાજપે વાવ બેઠક જીતવા મંત્રી-નેતાઓની ફોજ ઉતારી દીધી છે.

વાવ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર પૂરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે. ચૂંટણી જીતવા બધાયે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બળવાખોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલ શક્તિ પ્રદર્શન કરી ભાજપ પર નિશાન સાધી રહ્યાં છે. માવજી પટેલે જાહેર સભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પર ટોણો માર્યો કે, સચિવાલયમાં ગૃહમંત્રીને મળવું હોય તો એપોઈટમેન્ટ લેવી પડે. ગૃહમંત્રીને મુલાકાતીઓને મળવાનો સમય પણ નથી.

આજે પેટાચૂંટણી આવી છે ત્યારે ગૃહમંત્રી ઘેર ઘેર ફરી રહ્યાં છે અને મત માંગી રહ્યાં છે. આ સત્ય અને અસત્યની લડાઈ છે. જયારે જયારે ચૂંટણી આવી છે. ઉમેદવારોને જીતાડવા ભાજપના પડખે ઉભા રહ્યાં છીએ પરંતુ વાવની બેઠક પર ટિકિટની વહેંચણીનો વારો આવ્યો ત્યારે પાટીલ સાહેબે તો હાથ જ ઊંચા કરી દીધા.

એટલુ જ નહીં. એવુ કહી દીધું કે, દિલ્લીથી રત્નાકરને વાવની જવાબદારી સોંપાઈ છે તો નિર્ણય પણ એ જ લેશે. સરપંચે પણ મોવડી મંડળને કહ્યું કે, માવજીભાઈને ટિકિટ આપો, અમે કાગળિયા તેમના હાથમાં પકડાવી દીધા પણ, જાણે રત્નાકર ભગવાન હોય તેવી રીતે તેમણે બધુ નક્કી કરી નાખ્યું.

માવજી પટેલે એ વાતનો ઉલ્લેખ કર્યો કે, ભાજપ એક ટિકિટ હારે કે જીતે તેને કંઈ જ ફરક પડતો નથી. ભાજપ પાસે ૧૬૨ બેઠક છે એટલે વજન વધી ગયુ છે. ભાજપમાં કોઈ બોલવાવાળુ જ નથી. હું તો દરેક ધારાસભ્યને કહું છું કે આવો આગળ ને બોલો. કોઈ ધરમાં વહુનું સાસુ, નણંદ, દેરાણી કે કોઈ ના સાંભળે તો ત્યારે વહુએ જાતે જ નિર્ણય લેવો પડે છે. એ જ રીતે મારુ પણ ભાજયમાં કોઈએ સાંભળ્યું નહી.

આ કારણોસર તો અંતે મારે નાછૂટકે મેદાને ઉતારવું પડયું. આ તરફ ભાજપે મુખ્યમંત્રી સહિત ગૃહમંત્રી ઉપરાંત કેબિનેટ-રાજ્યકક્ષાના મંત્રીઓને ચૂંટણી મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસ પણ ભાભરમાં પ્રદેશ નેતાઓની ઉપસ્થિતીમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું. ગેનીબેન ઠાકોરે તો ગૃહમંત્રીને આડે હાથે લઈ કહ્યું કે, ગૃહમંત્રીને વાવ બેઠકની ભૂગોળની ય ખબર નથી. આમ, પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.