Western Times News

Gujarati News

વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી જાહેર: તા.૧૩મી નવેમ્બરના રોજ યોજાશે મતદાન

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જોવા મળશે ત્રિપાંખીયો જંગ, આમ આદમી પાર્ટી પણ ઝંપલાવશે

સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે ખાલી પડી હતી વાવ વિધાનસભા બેઠક

ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સમાવિષ્ટ વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત તા.૧૮ ઑક્ટોબરના રોજ વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જ્યારે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ મતદાન તથા તા.૨૩ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમાર દ્વારા પ્રેસ કૉન્ફરન્સ યોજી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરવા સાથે ૧૫ રાજ્યોની વિવિધ ૪૮ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી તથા ૦૨ લોકસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જે પૈકી ગુજરાતની ૦૭-વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. વાવ વિધાનસભા બેઠક માટે તા.૧૮ ઑક્ટોબરથી તા.૨૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય ઉમેદવારીપત્રો ભરી શકાશે.

વાવ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૩૨૧ પોલીંગ સ્ટેશન આવેલા છે. જેમાં તા.૧૫ ઑક્ટોબર, ૨૦૨૪ સુધીમાં ૧,૬૧,૨૯૩ પુરૂષ, ૧,૪૯,૩૮૭ સ્ત્રી અને ૦૧ થર્ડ જેન્ડર મળી કુલ ૩,૧૦,૬૮૧ મતદારોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક ધારાસભ્ય સુશ્રી ગેનીબેન ઠાકોર ગત લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વિજેતા થવાથી તેમના રાજીનામાના કારણે વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.

૦૭-વાવ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે તા. ૧૫/૧૦/૨૦૨૪ થી આદર્શ આચારસંહિતા લાગુ પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.