Western Times News

Gujarati News

વશિષ્ઠ ઋષિએ શ્રીરામ અને સીતાના વૈદિક રીતિ મુજબ લગ્ન કરાવ્યા હતા તે રીતે 5 દંપત્તિના વિવાહ સંસ્કાર સંપન્ન

ભવ્ય મંડપ ડેકોરેશન, આભૂષણોનો આડંબર, બેન્ડબાજાનો શોરબકોર, વૈભવી વરઘોડા, નાચગાન, ફટાકડાંની આતશબાજી, વૈવિધ્યમય જમણવાર અને ફિલ્મી ઢબના પ્રી-વેડિંગ શુટિંગ પર લાખો-કરોડો રૂપિયાનો બિનજરૂરી ખર્ચ થાય છે તેનું સ્થાન હવે વૈદિક વિવાહ સંસ્કાર લે તેવી લોકોની લાગણી

(પ્રતિનિધિ)વલસાડ, લગ્ન એ સ્ત્રી-પુરુષનું માત્ર સાંસ્કૃતિક જોડાણ જ નથી પણ બે આત્માના પવિત્ર સંસ્કાર અને જીવનભરના અટૂટ બંધનનું પ્રતિક છે. આ સંબંધ પરસ્પર સમજણ, પ્રેમ, આદર અને સંપૂર્ણ સમર્પણ પર આધારિત હોય છે. જીવનના આ મહત્વપૂર્ણ પ્રસંગે અગ્નિની સાક્ષીએ લેવામાં આવતા સપ્તપદીના સાત ફેરા દાંપત્ય જીવનના સાત મૂલ્યમય આધાર સ્તંભ છે.

પરંતુ, આજના સમયમાં લગ્નોત્સવો પવિત્ર પરંપરાના મર્મને ભૂલાવી ભવ્યતા અને અતિખર્ચાળ દેખાવનું પ્રદર્શન બની ગયા છે. ભવ્ય મંડપ ડેકોરેશન, આભૂષણોનો આડંબર, બેન્ડબાજાનો શોરબકોર, વૈભવી વરઘોડા, નાચગાન, ફટાકડાંની આતશબાજી, વૈવિધ્યમય જમણવાર અને ફિલ્મી ઢબના પ્રી-વેડિંગ શુટિંગ પર લાખો-કરોડો રૂપિયાનો બિનજરૂરી ખર્ચ થાય છે.

આર્થિક રીતે સક્ષમ ન હોવા છતાં, કેટલીકવાર પરિવારો સામાજિક દબાણને કારણે આ પ્રકારના ભવ્યતાના પ્રયાસમાં જીવનભરની બચત ઉડાવી દે છે. આભાસી ભવ્યતાના આંધળા પ્રદર્શન પાછળ જીવનના વાસ્તવિક સત્ય અને ભવિષ્યની જવાબદારી અવગણી દેવામાં આવે છે, જેના પરિણામે મોટા ભાગના લગ્ન થોડા સમયમાં તૂટી જાય છે અને પરિવારમાં વિખવાદ તથા પારિવારિક શાંતિનું હનન થાય છે.

આવી અસ્વસ્થ પરિસ્થિતિમાં સંસ્કૃતિના સાચા મર્મ તરફ વળીને પરિવર્તન લાવવું આજના સમયમાં અત્યંત આવશ્યક બની ગયું છે. જરૂર છે કે ફરીથી વૈદિક પરંપરા તરફ પાછા વાળીએ, જ્યાં લગ્ન ભવ્ય દેખાવ કે આડંબરના પ્રદર્શનથી દૂર રહે અને પવિત્ર સંસ્કારરૂપ માનવામાં આવે. આ વિષય પર ચર્ચા કે વાર્તાલાપ તો ખુબ થાય છે, પરંતુ શરૂઆત કોઈ કરતુ નથી.

એવા સમયે રાબડા ગામે આવેલ માં વિશ્વંભરી તીર્થધામે વૈદિક પરંપરા અનુસાર લગ્નોત્સવ યોજીને સમાજને સાચી દિશા આપી છે. ધામના સંસ્થાપક શ્રી મહાપાત્રે ત્રેતાયુગની પવિત્ર વૈદિક પરંપરાને પુનઃજીવિત કરી છે.

જેમ વશિષ્ઠ ઋષિએ પ્રભુ શ્રીરામ અને માતા સીતાના વૈદિક રીતિ મુજબ લગ્ન કરાવ્યા હતા, તેવી જ પ્રાચીન પરંપરાનું અનુસરણ કરીને, ૦૬ જાન્યુઆરી, ૨૦૨૫ના પવિત્ર દિવસે આ ધામમાં પાંચ નવ દંપતિઓના વૈદિક વિધાન મુજબ વિવાહ સંસ્કાર સંપન્ન કરાયા હતા.

આ અનોખી અને અવિસ્મરણીય પહેલ સનાતન સંસ્કૃતિના પુનર્જાગરણ માટે એક મહત્વપૂર્ણ પ્રેરક કડી બની છે, જે પરંપરાગત મૂલ્યોની ઉજવણી અને સમાજમાં આધ્યાત્મિક જીવનશૈલી પ્રત્યે નવી જાગૃતિ લાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ છે.

સાદગીભર્યા આ લગ્નોત્સવની વિશેષતા એ છે કે વર-કન્યાએ સપ્તપદીના સાત ફેરા લઈને પરસ્પર સાત પવિત્ર વચનોની પ્રતિજ્ઞામાં બંધાઇ જીવનના યજ્ઞમાં એકરૂપ થવાનો સંકલ્પ કર્યો. આ સાથે તેઓ જીવાત્માના ઉદ્ધાર માટે પાંચ મહત્વપૂર્ણ ઋણબંધનોમાંથી મુક્તિ મેળવવા માટે કટિબધ્ધ થાય છે-માતા-પિતા, માં-શક્તિ, સનાતન વૈદિક સંસ્કૃતિ, પ્રકૃતિ અને ગાયમાતા પ્રત્યેના ઋણબંધનથી મુક્તિ મેળવવાનું એનું જીવનધ્યેય બને છે.

આ રીતે વૈદિક પરંપરાનું પાલન કરીને નવદંપતિએ સમાજને ન માત્ર આધ્યાત્મિક પ્રેરણા આપી છે, પરંતુ જીવનના ઉત્તમ ધ્યેય તરફ આગળ વધવાનો માર્ગ પણ દર્શાવ્યો છે. આવા આદર્શ લગ્નોત્સવથી પ્રભાવિત અનેક નવદંપતી આ પ્રણાલી અપનાવી જીવનમાં પ્રભુતાનો આરંભ કરી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.