શાકભાજીના મબલખ પાકને લીધે ભાવમાં ભારે ઘટાડો
વડોદરા, મોંઘવારીથી પરેશાન આમ આદમી માટે શાકભાજીના ભાવમાં ઘટાડો થોડી ઘણી રાહત સમાન પૂરવાર થઈ રહ્યો છે. શિયાળાની જામી રહેલી સિઝન વચ્ચે વડોદરા શહેરમાં આસપાસના ગામડાઓ અને જિલ્લાઓમાંથી થઈ રહેલી શાકભાજીની મબલખ આવક વચ્ચે ભાવોમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે.
શહેરના જથ્થાબંધ માર્કેટમાં રોજે રોજ શાકભાજીના સેંકડો ટેમ્પા ઉતરી રહ્યા છે.જે શાકભાજીના ભાવ આજથી પંદરેક દિવસ પહેલા ૪૦ થી ૫૦ રુપિયે કિલો હતા તેના ભાવ જથ્થાબંધ માર્કેટમાં ગગડીને અત્યારે ૧૦ રુપિયાથી પણ નીચે જતા રહ્યા છે.
જથ્થાબંધ શાકભાજીના વેપારી સુખદેવભાઈ કહે છે કે, વડોદરામાં મોટાભાગે આસપાસના ગામડાઓ અને ગુજરાતના બીજા જિલ્લાઓમાંથી જ શાકભાજી વેચાવા માટે આવે છે.જેમ કે ટામેટા રાજપીપળાથી, કોબિજ અને ગીલોડા પાદરાથી, ભીંડા કરજણ, તુવેર પાદરા અને બીજા ગામડાઓમાંથી વડોદરામાં વેચાવા માટે આવે છે.
ગામડાઓમાં શાકભાજીનુ બમ્પર ઉત્પાદન થઈ રહ્યુ હોવાથી શાકભાજીની આવકમાં પણ વધારો નોંધાયો છે.જથ્થાબંધ માર્કેટમાં કેટલાક શાકભાજીના ભાવ તો ગગડીને ત્રણ થી ચાર રુપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. જથ્થાબંધ માર્કેટમાં ભાવ ઘટાડાની અસર છુટક માર્કેટમાં પણ દેખાઈ રહી છે.
જાેકે જથ્થાબંધ માર્કેટથી છુટક માર્કેટ સુધી પહોંચતા શાકભાજીનો ભાવ ૨૦ થી ૩૦ ટકા જેટલો વધી જાય છે.આમ છતા પણ અગાઉની સરખામણીમાં સામાન્ય માણસને શાક સસ્તુ મળી રહ્યુ છે.સુખદેવભાઈનુ કહેવુ છે કે, ભાવમાં કડાકો થયા પછી પણ ઉત્પાદન એટલુ બધુ છે કે, વેપારીઓ પાસે શાકભાજી પડયા રહે છે.
એપીએમસી માર્કેટમાં ઘણા વેપારીઓ પડી રહેલા શાકભાજી ખાતર બનાવવા માટે આપી દે છે.૧૫ જાન્યુઆરી સુધી શાકભાજીની ભરપૂર આવક રહે અને ભાવ ઘટેલા રહે તેવી શક્યતા છે.એ પછી ભાવમાં વધારો શરુ થશે.