દીકરીની જજ બનવાની યાત્રામાં સામેલ થયા શાકભાજી વેચતા માતા-પિતા

જામ ખંભાળિયા, જામ ખંભાળીયા તાલુકાના કેશોદ ગામમાં રહેતા દેવરામભાઈ મોકરીયા અને ડાહીબેન મોકરિયાની દીકરી પાર્વતી ગામની જ સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી. માત્ર બે ચોપડી ભણેલા પિતા દેવરામભાઈની અંતરની ઈચ્છા હતી કે દીકરી પાર્વતી ભણી-ગણીને ખૂબ આગળ વધે.
દીકરીને સારું શિક્ષણ મળે એ માટે ગામડે ખેતી કરતા દેવરામભાઇ જામનગર રહેવા માટે આવી ગયા. માત્ર ૨ ચોપડી ભણેલા દેવરામભાઈ પરિવારનું ગુજરાન ચલાવવા અને દીકરીના અભ્યાસના ખર્ચ માટે બ્રાસપાટના કારખાનામાં મજૂરી કરવા માટે જતા હતા. થોડી બચત થઈ એટલે શાકભાજીની લારી ચાલુ કરી.
ઘણા લોકોએ દેવરામભાઈને કહ્યું, દીકરીને બહુ ભણાવવાની ન હોય. દેવરામભાઈ કોઈની વાત સાંભળ્યા વગર દીકરીની સોનેરી કારકિર્દી માટે સતત કામ કરતા રહેતા. જામનગરના સ્લમ વિસ્તારમાં સાવ સામાન્ય મકાનમાં રહે પણ સંતાનોના ભણતરમાં સહેજ પણ ઉણપ આવવા ન દે.
પાર્વતી પણ માતા-પિતાના તેના પરના વિશ્વાસને સવાયો સાબિત કરવા માટે ખૂબ મહેનત કરે. ધોરણ-૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આ સમજુ દીકરી એના નાના ભાઈ બહેન પણ ભણી શકે એ માટે કોલેજના અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઇમ નોકરી કરે. એલ.એલ.બી.ના અભ્યાસની સાથે સાથે જામનગરના એડવોકેટ અનિલ મહેતાની ઓફિસમાં જુનિયરશિપ શરૂ કરી. પાર્વતીએ પણ મનમાં ગાંઠ વાળી કે મારે મેજિસ્ટ્રેટ બનવું છે.
શાકભાજી વેચનારાની દીકરી મેજિસ્ટ્રેટ બને એ કલ્પના જેવું લાગે પરંતુ કલ્પનાને વાસ્તવિકતામાં બદલવા માટે પાર્વતીએ સખત મહેનત શરૂ કરી. ઘરે વાંચવા માટે અલગ રૂમની પણ વ્યવસ્થા નહોતી છતાં આ દીકરી એડજસ્ટ કરીને સતત વાંચ્યા કરે.
મમ્મી ડાહીબેન સાવ અભણ પણ દીકરીની જજ બનવાની યાત્રામાં એ પણ સામેલ થઈ ગયા. પાર્વતી વાંચવા વહેલી સવારે જાગી જાય તો મમ્મી પણ એના પહેલા જાગીને એને જરૂરી વ્યવસ્થા કરી આપે. પાર્વતી વાંચવામાં એવી એકાકાર થઈ જતી કે એ ખાવાનંએ પણ ભૂલી જતી.
મેજિસ્ટ્રેટ માટેની પ્રિલીમીનરી પરીક્ષા આવી ત્યારે જ પાર્વતી બીમાર પડી. હિંમત હાર્યા વગર શારીરિક અસ્વસ્થતા વચ્ચે પણ એમણે પરીક્ષા આપી અને પાસ કરી. જ્યારે મુખ્ય પરીક્ષા આવી ત્યારે એક જ દિવસમાં બે પેપર લખવાના હતા. પેપર ખૂબ લાંબા હોય એટલે જ્યારે પહેલું પેપર પૂરું થયું ત્યારે પેન પકડવાને આંગળી પર ફોલ્લો થઈ ગયો.
હવે બીજું પેપર કેમ આપવું ? પરંતુ આ હિંમતવાન દીકરીએ ફોલ્લા સાથે બીજુ પેપર લખવાની શરૂઆત કરી. ખૂબ પીડા થતી હતી અને પેન પકડવાનું ફાવતું નહોતું એટલે જાતે જ ફોલ્લો ફોડી નાખ્યો અને પેપર લખવાનું ચાલુ રાખ્યું. થોડીવારમાં આંગળીના એ ભાગથી લોહી નીકળવાનું શરૂ થયું.
સુપરવાઈઝરનું ધ્યાન ગયું એટલે એમને આંગળી પર પાટો બાંધવા કહ્યું અને તે માટે મદદ પણ કરી પરંતુ જાે પાટો બાંધેલી આંગળી સાથે પેન પકડીને પેપર લખે તો લખવામાં ઝડપ ન આવે એટલે એમ જ પાટા વગર પેપર લખવાનું શરૂ કર્યું.