સસ્તામાં શાકભાજી પધરાવીને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનો વીડિયો વાયરલ
ત્રણથી ચાર બાળકો કચરાના ઢગલામાંથી બગડેલું ફેકાયેલું શાકભાજી થેલીમાં ભરીને લઈ જતા હોવાના દ્રશ્યો સામે આવ્યા
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરામાં તમે શાકભાજીની ખરીદી કરવા નીકળ્યા છો તો એટલી તો ચકાસણી કરીને લેજો કે આ શાકભાજી કચરાના ઢગલામાંથી તો લાવેલું નથીને જી હા ગોધરા એપીએમસી ખાતેનો એક વિડિયો વાયરલ થયો છે જેમાં કચરાના ઢગલામાંથી કેટલાક બાળકો ભણવાની ઉંમરે શાકભાજી વીણતા હોવાના દ્રશ્યો સામે આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે મોટું એપીએમસી માર્કેટ આવેલું છે અને આ માર્કેટમાં રોજબરોજ ખેડૂતો પોતાના પાકનું વેચાણ કરવા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે કેટલાક લોકો દ્વારા બગડેલું શાકભાજી એપીએમસીમાં જ જાહેરમાં ફેંકવામાં આવતું હોવાથી ત્યાં ગંદકીના મોટા ઢગ જોવા મળી રહ્યા છે અને સાફસફાઈનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે
ત્યારે એપીએમસીના કચરાના ઢગલામાંથી કેટલાક બાળકો શાકભાજી કાઢીને તેને બજારમાં વહેંચવા માટે લઈ જતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે સમગ્ર મામલે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ બગડેલું અને કચરાના ઢગલામાં નખાયેલું શાકભાજી જો બજારમાં વેચાય તો લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ખુલ્લેઆમ ચેડા થતા હોવાનું મનાઈ રહ્યું છે
ત્યારે એપીએમસી ના જવાબદાર સત્તાધીશો દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવે બાળકોને કોણ આ રીતે શાકભાજી કચરા ના ઢગલામાંથી વીણવા માટે મોકલે છે તે પણ એક તપાસનો વિષય છે કારણ કે એક બાળક નહીં પરંતુ ત્રણથી ચાર બાળકો કચરાના ઢગલા માંથી બગડેલું ફેકાયેલું શાકભાજી થેલીમાં ભરીને લઈ જતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે
ત્યારે ચોક્કસથી સવાલ તો થાય કે બજારમાં આ પ્રકારે કચરાના ઢગલા માં ફેકાયેલું શાકભાજી તો નથી વેચાતું ને તેતો તપાસનો વિષય બનવા પામ્યો છે ત્યારે સમગ્ર મામલે તપાસ કરવામાં આવે તેવી માંગ ગોધરાના શહેરીજનો દ્વારા પણ કરવામાં આવી છે.