ટામેટાં સહિતનાં શાકભાજી સસ્તાં થયાં, પણ ગ્રાહકોને લાભ થતો નથી

શાકભાજીના વધતા ભાવો છતાં તેનું ઉત્પાદન કરતા કિસાનોને કોઈ લાભ થતો નથી
શિયાળુ શાકભાજી સસ્તાં થઈ રહ્યાં છે. હોલસેલ માર્કેટમાં જે શાક પ૦ રૂપિયામાં ર૦ કિલો મળે છે તે છૂટક બજારમાં પ૦ રૂપિયે કિલો મળે છે. તાજેતરમાં ટામેટાનો ભાવ હોલસેલ બજારમાં ૮૦ રૂપિયે ર૦ કિલો છે તો છૂટક બજારમાં તે વધુમાં વધુ ૧પ રૂપિયે કિલો મળવા જાેઈએ, પરંતુ તેનો ભાવ ૩૦ રૂપિયે કિલો ચાલી રહ્યો છે. બટાકા, ડુંગળી, ટામેટાં વગેરે રોજીંદા વપરાશમાં આવતા શાકભાજી છે. તેમાં ઉછાળા મારતા ભાવો સમાચાર બની જાય છે. સત્તાધારી પક્ષ ચૂંટણી વખતે ડુંગળી બટાકાના ભાવો પર નજર રાખતા હોય છે.
અહેવાલો અનુસાર ટામેટાના ર૦ કિલોના ભાવ જથ્થાબંધ બજારમાં પ૦ રૂપિયા છે. છૂટક વેચતા લારીવાળા કે દુકાનદારો તેના પર પુષ્કળ નફો ચઢાવે તો પણ તે ૧૦ રૂપિયે કિલોની આસપાસ મળી શકે, પરંતુ ટામેટાના ભાવ છુટક બજારમાં ૩૦ રૂપિયે કિલો છે. આના પરથી તેમના નફાનો અંદાજ બાંધી શકાય છે. જે કિસાન હોલસેલ બજારમાં પ૦ રૂપિયે ર૦ કિલો ટામેટા વેચીને આવ્યો હોય તે જયારે પોતાના ઘર માટે ટામેટા ખરીદવા જાય છે ત્યારે કિલોના ૩૦ રૂપિયાનો ભાવ સાંભળીને આશ્ચર્યમાં ડૂબી જાય છે.
આખા કિસ્સામાં ટામેટાંનું ઉત્પાદન કરનારાના હાથમાં કશું નથી આવતું, જયારે હોલસેલ અને રીટેલ માર્કેટમાં વેચાણ કરનારા તગડી કમાણી કરી લે છે. અનાજની ખેતી કરનારા કિસાનો શાકભાજીના ઉત્પાદન કરવામાં કયારેય રસ લેતા નથી. કેમ કે તેમાં બહુ નફો મેળવી શકાતો નથી. કોઈ પણ પ્રોડકટમાં વેચાણના બે છેડા હોય છે. હોલસેલ અને રીટેલ માર્કેટ ઉત્પાદક તેના ઉત્પાદનને હોલસેલર્સને વેચે છે. હોલસેલર્સ માલ ખરીદીને વિવિધ વેપારીઓને ફાળવે છે.
ત્યાંથી તે માલ પ્રજા ખરીદે છે. આ આખી પ્રોસેસમાં ઉત્પાદક કિસાનને ચોક્કસ વળતર મળતું નથી, જયારે તેનો સંગ્રહ કરીને વેચનારા માલામાલ થઈ જતા હોય છે. કૃષિ ઉત્પાદનોનો સંગ્રહ કરવા કોલ્ડ સ્ટોરેજ હોય છે, પરંતુ ટામેટા જેવા ઉત્પાદનો માટે લાંબો સમય સગ્રહ કરી શકાય એવી કોઈ ટેકનોલોજી કે સિસ્ટમ નથી હોતી. તેથી તેને ફૂડ પ્રોસેસીંગ હેઠળ આવરી લઈને અને તેનો સોસ બનાવીને વધુ આવક મેળવી શકાય છે.
નાની આઈટમો જેવી કે આદુ, હળદર, લીલી ચા, મૂળા વગેરે પરની આવકનો તો અંદાજ લગાવી શકાય એમ નથી. ટૂંકમાં તેના હોલસેલર્સ તગડી કમાણી કરી લેતા હોય છે.
વધુ ઉત્પાદન કરવા ઈઝરાઈલના બિયારણથી ટામેટાં ઉગાડનારા મબલક ઉત્પાદન મેળવી શકે છે, પરંતુ હોલસેલ માર્કેટમાં બજાર ભાવ નીચા હોવાના કારણે તેના હાથમાં ખોટ મેળવવાનું આવે છે.
શાકભાજીની ખેતીમાં ટોપ અને બોટમ એમ બંનેને પીસાવાનું આવે છે, જયારે વચ્ચેના એજન્ટોના ભાગે ઉચી કમાણી આવે છે. હોલસેલ અને રીટેલ એમ બંને વચ્ચે કોણ વધુ કમાય છે તે વિવાદ વર્ષોથી ચાલ્યો આવે છે, પરંતુ તેનું કોઈ નિરાકરણ નથી આવતું. ઉત્પાદક કિસાન બજારોની સિન્ડિકેટના કારણે મહેનતનું વળતર મેળવી શકતો નથી, જયારે ઉત્પાદન ખરીદતો રીટેલ ગ્રાહક પણ લૂંટાતો રહે છે. શાકભાજીનું ઉત્પાદન મેળવનારા ખેતરમાં સખત મજૂરી કરીને વધુ ઉત્પાદન મેળવે છે, પરંતુ તેમને પુરતું વળતર મળતું નથી તેનો અસંતોષ રહે છે, જયારે ગ્રાહકને કયારેય સસ્તુ મળતું નથી. હવે સમસ્યા થઈ છે કે ઉત્પાદન કરનાર અને ગ્રાહક એક બીજાની પડતર કિંમણ જાણવા લાગ્યા છે. હાઈવે પર લોકો સાઈડ પર બેઠેલા લોકો પાસેથી શાકભાજી ખરીદે છે, કેમ કે તે સસ્તાં હોય છે અને તાજાં પણ હોય છે.
કિસાનોની આવક વધારવા સરકારે શરૂ કરેલા પ્રયાસમાં એક ડાયરેકટ ટુ કસ્ટમર સિસ્ટમ છે તેના માટે કિસાન હાટ ખોલવામાં આવતી હોય છે, પરંતુ વર્ષોથી ચાલી આવતી ઉત્પાદનોના વેચાણની સિસ્ટમ તૂટી શકે એમ નથી, કારણ કે હોલસેલ માર્કેટના વેપારીઓ અને કિસાનો વચ્ચે વર્ષોથી સંબંધો છે. હોલસેલર્સ જાેખમ ઉઠાવતા હોય છે, પરંતુ ગ્રાહકોને કોઈ લાભ જાેવા નથી મળતો એટલે તેને મોંઘવારીની અસર જાેવા મળ્યા કરે છે. શાકભાજીના વધતા ભાવો છતાં તેનું ઉત્પાદન કરતા કિસાનોને કોઈ લાભ થતો નથી, સરકારે શાકભાજી ઉગાડતા કિસાનો માટે વિશેષ સવલતો આપીને તેમને બહોળો નફો મળે તેવું કરવાની જરૂર છે.