વેજલપુર પોલીસે સાત વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો
અમદાવાદ, શહેરમાં રહેતા શાકભાજીના વેપારીએ સાત વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોરોના સમયે વેપારીને નુકસાન થતા ધંધો પડી ભાંગ્યો હતો. ફરીથી ધંધો શરૂ કરવા માટે તેમણે વ્યાજખોરો પાસેથી ૩૦ ટકા વ્યાજે રૂપિયા લીધા હતા.
વેપારીએ ૩૦ ટકા વ્યાજે કુલ ૬૯ લાખની રકમ લઇને ૧.૬૪ કરોડ ચૂકવ્યા હતા છતાંય વ્યાજખોરોએ ૧.૧૨ કરોડની માગણી કરી હતી. વેપારીએ મૂળ રકમના ડબલ રૂપિયા વ્યાજ સહિત ચૂકવ્યા હોવા છતાં સાતેય વ્યાજખોરો વધુ નાણાં માગીને વેપારીને પરેશાન કરતા હતા.
વેપારીએ વ્યાજખોરોના ત્રાસ અને ધમકીથી કંટાળીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.વેજલપુરમાં રહેતા ભંવરલાલ પ્રજાપતિ પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર શાકભાજીની દુકાન ધરાવે છે.
કોરોના દરમિયાન ધંધામાં ખૂબ જ નુકસાન થયું હોવાથી ફરીથી ધંધો શરૂ કરવા માટે તેમણે વ્યાજે નાણાં લીધા હતા. ભંવરલાલે રમેશ પ્રજાપતિ પાસેથી ૨૫ લાખ લઇને ૬૫ લાખ ચૂકવ્યા હતા. છતાં રમેશ પ્રજાપતિ ૩૦ ટકા વ્યાજ લેખે હજુ ૪૪ લાખની માગણી કરતો હતો.
માનાજી પ્રજાપતિએ ૭.૫૦ લાખ વ્યાજે આપીને ૧૧.૫૨ લાખ રૂપિયા મેળવ્યા બાદ પણ ૭.૫૦ લાખની માગણી કરી હતી. ભંવરલાલે વ્યાજખોર રમેશ દેવાજી પ્રજાપતિ પાસેથી પણ ૧૦ લાખ વ્યાજે લઇને ૨૧.૯૦ લાખ ચૂકવ્યા છતાં પણ રમેશ પ્રજાપતિ ૧૦ લાખ રૂપિયાની માગણી કરતા હતા. નવીન પ્રજાપતિએ ૭ લાખ વ્યાજે આપીને ૧૫.૬૩ લાખ મેળવ્યા બાદ પણ ૬ લાખ રૂપિયાની માગણી કરતા હતા.
ભોગ બનનાર વેપારી ભંવરલાલે નારાયણ પ્રજાપતિ પાસેથી ૫.૫૦ લાખ લઇને ૯ લાખ ચૂકવ્યા હતા. છતાંય નારાયણ પ્રજાપતિ ૫ લાખની માગણી કરતા હતા. જ્યારે કાંતિલાલ પ્રજાપતિએ ૪ લાખ વ્યાજે આપીને ૧૦.૫૯ લાખ મેળવી લીધા બાદ પણ વધુ ૫ લાખની માગણી કરી હતી.
કૈલાશ ઉર્ફે ભીમા દવેએ ૧૦ લાખની સામે ૩૦.૨૦ લાખ મેળવ્યા બાદ પણ બીજા ૩૪.૫૦ લાખની માગણી કરી હતી. આમ, આ તમામ વ્યાજખોરોને વ્યાજ સહિત પૈસા ચૂકવ્યા છતાં ૩૦ ટકા વ્યાજ અને પેનલ્ટીની માગણી કરીને ધમકી આપવામાં આવી હતી.
આરોપીઓએ ભંવરલાલની દુકાન તથા ઘરે જઈને પરેશાન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે વેજલપુર પોલીસે સાતેય વ્યાજખોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS