વેજલપુરમાં રેલવે ઓવરબ્રીજનાં નિર્માણનાં ચક્રો ગતિમાન કરાયાં
તંત્ર દ્વારા સોઈલ ટેસ્ટિંગની વિવિધ પ્રક્રિયાને હાથ ધરાઈઃ-ભાવનગર રેલવે તંત્ર દ્વારા પોર્ટલ પર ડીઝાઈન અપલોડ કરાઈ
(એજન્સી)અમદાવાદ, વેજલપુર, મકરબા, મકતમપુરા, જુહાપુરા, જાેધપુર અને સેટેલાઈટના નાગરીકો માટે મ્યુનિ. તંત્ર દ્વારા સારા સમાચાર અપાયા છે. તંત્ર દ્વારા શહેરના ઉત્તર-પશ્ચિમ અને દક્ષીણ પશ્ચિમ ઝોનને જાેડનારો એટલે કે વસ્ત્રાપુર રેલવે સ્ટેશનને અડીને આવેલા રેલવે ક્રોસીગ નંબર ર૧ પર ઓવરબ્રીજ બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.
અગાઉના કમીશ્નર લોચન સેહરાના ડ્રાફટ બજેટમાં વેજલપુરના પ્રસિદ્ધ બુટભવાની મંદીર રેલવે ક્રોસીગ પર રેલવે ઓવરબ્રીજના પ્રોજેકટને મંજુરી અપાઈ હતી. પહેલાં રેલવે ક્રોસીગ નંબર ર૧ પર અંડરપાસ બનાવવો કે ઓવરબ્રીજ તેને લઈને લાંબા સમય સુધી મથામણ ચાલી હતી.
છેવટે મ્યુનિ. સત્તાવાળાઓએ ઓવરબ્રીજના નિર્માણને લીલી ઝંડી આપતાં તેના નિર્માણનું ગત ઓગષ્ટ મહીનામાં ખાતમુહૂર્ત પણ કરાયું હતું. તંત્રના ફાટકમુકત અઅમદાવાદ અભિયાન હેઠળ ઓવરબ્રીજ નિર્માણનો પ્રોજેકટ હાથ ધરાયો છે. આમ તો આ રેલવે ક્રોસીગને ખાસ્સું એવું પહોળું કરાયું છે. તેમ છતાં સવારે અને સાંજે પિક અવર્સ દરમ્યાન ભારે ટ્રાફીક રહે છે અને વાહનચાલકોની ભીડને નિયંત્રીત કરવા ટ્રાફીક પોલીસને મેદાનમાં ઉતારવી પડે છે.
હવે સત્તાધીશોએ સોઈલ ટેસ્ટીગને લગતી વિવિધ પ્રક્રિયાને આરંભી દીધી હોઈ આ બાબતે સ્થાનીકોમાં ચર્ચાસ્પદ બની છે. પહેલા સોઈલ ટેસ્ટીગ મારફતે માટીની ક્ષમતાની ચકાસણી કરાઈ હતી અને હવે પાઈલ ટેસ્ટીગ થઈ રહયું છે. બ્રીજના પાઈલ ફાઉન્ડેશનને લગતું આ ટેસ્ટીગ થઈ રહયું હોઈ તેના દ્વારા બ્રિજની લોડ ક્ષમતા ચકાસાશે રાજય સરકારના રોડ અને બિલ્ડીગના ડિઝાઈન વિભાગને બ્રિજની ડીઝાઈન પાઠવીને તેની મંજૂરી મેળવાશે.
ઉપરાંત આ રેલવે ક્રોસીગ ભાવનગર રેલવે ડીવીઝન હેઠળ આવતો હોઈ ભાવનગરની રેલવે ડીવીઝનલ ઓફીસમાં તેની ડીઝાઈનને મંજૂરી માટે મોકલાઈ છે. જયાં સ્થાનીક રેલવે તંત્રે બ્રીજના ડ્રોઈગને પોર્ટલ અપલોડ કરીને મુંબઈની ચીફ બ્રીજ ઈજનેર સીબીઈ વિભાગની ઓફીસ ખાતે સ્વીકૃતિ માટે મોકલ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ રેલવે ક્રોસીગ પર ટીપી રોડની પહોળાઈ સાંકડી હોઈ તંત્ર લાડલાપીર રેલવે ઓવરબ્રીજની જેમ તેને માત્ર ત્રણ લેનનો બનાવાશે. ઓવરબ્રીજની લંબાઈ ૭૦૦ મીટર અને પહોળાઈ ૧૧ મીટર રહેશે. ઓવરબ્રીજના નિર્માણ માટે પ૦ ટકા નાણાંની ફાળવણી રેલવેતંત્ર કરશે.
સત્તાવાળાઓ દ્વારા રેલવે ઓવરબ્રીજને બનાવતી વખતે ક્રોસીગની બંને બાજુ રેલવે લાઈનને સમાંતર રોડ હોઈ બ્રિજની ઉંચાઈએ વધારીને હયાત રોડને ખુલ્લા રખાશે. એટલે બંને બાજુના રોડ પરથી રાબેતા મુજબ વાહનોની અવરજવર થઈ શકશે.
વસ્ત્રાપુર રેલવે સ્ટેશનેથી બ્રિજ પર જવા સીડી મુકાશેઃ અમદાવાદ-બોટાદ રેલવેલાઈન પરનું વસ્ત્રાપુર રેલવે સ્ટેશન આ ક્રોસીસગને બિલકુલ અડીને છે એટલે મ્યુનિ.સત્તાવાળાઓ દ્વારા રેલવે પેસેન્જર્સ સીડી ચડીને બ્રિજ પર જઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવાશે.
સર્વીસ રોડ સાંકડા થનાર હોઈ એએમટીએસ બંધ રખાશેઃઓવરબ્રીજના નિર્માણ માટે પહેલા પાઈલ ફાઉન્ડેશન તેમજ બંને તરફના એપ્રોચ રોડની કામગીરી હાથ ધરાશે. ત્યારબાદ એક વર્ષ પછી રેલવે લાઈનના ભાગ પર બ્રીજ બનશે. જાેકે આના સર્વીસ રોડ સાંકડા બનનાર હોઈ તે વખતે તંત્ર દ્વારા ભારે ટ્રક તેમજ એએમટીએસ પર પ્રતીબંધ મુકાશે.