Western Times News

Gujarati News

શુક્ર ગ્રહના અભ્યાસ માટે ૧૨૩૬ કરોડની ફાળવણી

શુક્ર મિશનને કેબિનેટની મંજૂરી

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્રીય કેબિનેટે ૧૮ સપ્ટેમ્બરે યોજાયેલી એક બેઠકમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રના પણ અનેક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. રસપ્રદ વાત એ છે કે, તેમાં વિનસ ઓર્બિટર મિશન પણ સામેલ છે. આ મિશન હેઠળ ભારતીય વિજ્ઞાનીઓ શુક્ર ગ્રહને સમજવા માટે ત્યાં ઓર્બિટર મોકલીને વિવિધ ડેટા ભેગો કરશે.

આ મિશન હેઠળ એક ખાસ સ્પેસક્રાફ્ટ તૈયાર કરાશે, જે શુક્રની ચોતરફ ચક્કર મારીને તેની સપાટી, વાયુ મંડળ અને સૂરજની અસરો વગેરેનો ડેટા ભેગો કરશે. આ સાથે કેબિનેટે ચંદ્રયાન-૪, ગગનયાન, ઈન્ડિયન સ્પેસ સ્ટેશન અને નેક્સ્ટ જનરેશન લાન્ચ Âવ્હકલ વિકસાવવાની યોજનાઓને પણ મંજૂરી આપી છે.

બુધવારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર ઉતારવા અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરવા માટે જરૂરી ટેક્નોલોજી વિકસાવવા અને દર્શાવવા માટેના નવા ચંદ્ર મિશન ચંદ્રયાન-૪ને મંજૂરી આપી છે. જેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘ચંદ્રયાન-૪ મિશનના વિસ્તરણની સાથે અન્ય ઘણાં નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે.

જે ગગનયાનના વિસ્તરણ અને શુક્ર ગ્રહ પર મિશન મોકલવાની યોજના છે.’ અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘ચંદ્રયાન-૪ મિશનનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, તેનું આગામી પગલું ચંદ્ર પર માનવ મિશન મોકલવાનું છે. જેના પ્રારંભિક તબક્કાને લઈને મંજૂરી આપી દેવામાં આવી છે. વિનસ ઓર્બિટર મિશન, ગગનયાન ફોલો-ઓન અને ઇન્ડિયન સ્પેસ સ્ટેશન અને નેક્સ્ટ જનરેશન માટે લાન્ચ વ્હીકલ ડેવલપમેન્ટને પણ મંજૂરી આપવામાં આવી છે. ચંદ્રયાન-૪ મિશન હેઠળ ચંદ્રના ખડકો અને માટીને પૃથ્વી પર લાવવામાં આવશે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.