દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ઠંડીનો માહોલ
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આકરી ઠંડી પડી રહી છે. ભારે ધુમ્મસ લીધે ઓછી વિઝિબિલિટીની સ્થિતિ જોવા મળી હતી. ફ્લાઇટ્સ, ટ્રેનો સહિત વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. જેની અસર જનજીવન પર પડી છે.
ઝારખંડ સરકારે શીતલહેરને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. કાશ્મીર ખીણના કેટલાક ભાગોમાં ઠંડીનો પારો શૂન્યની નજીક પહોંચી ગયો હતો. કાશ્મીર ખીણમાં ફરી બરફવર્ષા થઈ છે. જ્યારે હરિયાણા અને પંજાબમાં કેટલાક સ્થળો પર તીવ્ર ઠંડી પડી રહી છે.
હવામાન વિભાગના અધિકારીઓના કહેવા મુજબ, દિલ્હીમાં ભારે ધુમ્મસ છવાયેલું રહ્યું, જેના કારણે વિઝિબિલીટી શૂન્ય થઈ ગઈ અને વિમાનોની કેટલીયે ઉડાણો અને ટ્રેનસેવા ખોરવાઈ હતી. ભારે ધુમ્મસને પગલે ઓછી વિઝિબિલીટીની સ્થિતિને લીધે છેલ્લા ત્રણ દિવસથી દિલ્હી એરપોર્ટ પર વિમાનોની ઉડાણો પ્રભાવિત થઈ રહી છે.
હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, રવિવારે દિલ્હીમાં ઉચ્ચતમ તાપમાન ૧૮.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુતમ તાપમાન ૯.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે હવામાન વિભાગે સોમવારે આકાશમાં વાદળો છવાયેલા રહેવા તથા સવારના સમયમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી કરી છે.
શ્રીનગર સહિત કાશ્મીરના મોટભાગના વિસ્તારોમાં રવિવારે નવેસરથી બરફવર્ષા થઈ હતી. જેને કારણે જમ્મુ-કાશ્મીરની ઉનાળુ રાજધાનીમાં તાપમાનનો પારો શૂન્ય ડિગ્રીની નજીક રહ્યો હતો.
સવારે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા, બારામૂલા અને કુપવાડા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અને મધ્ય કાશ્મીરના બડગામ, બારામૂલા અને કુપવાડા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં તથા મધ્ય કાશ્મીરના બડગામ અને ગંદેરબલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે.
આ દરમિયાન, ઝારખંડ સરકારે રાજ્યમાં શીતલહેરને કારણે ૭-૧૩ જાન્યુઆરી સુધી કિંડરગાર્ટનથી ધોરણ ૮ સુધીની શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે. છેલ્લા ૨૪ દરમિયાન રાજ્યમાં હવામાન શુષ્ક રહ્યું અને ખૂંટીમાં સૌથી ઓછું તાપમાન ૫.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.ખરાબ હવામાનને લીધે દિલ્હી એરપોર્ટ પર ૧૦૦થી વધુ વિમાનો નિયત સમયમાં ઉડાણ ભરી શક્યા નથી.
દિલ્હી એરપોર્ટના એક અધિકારીએ કહ્યું કે, જોકે હજુ સુધી એક ઉડાણ રદ કરવામાં આવી નથી. ભારે ધુમ્મસને કારણે ઓછી વિઝિબિલીટીની સ્થિતિને કારણે છેલ્લા ત્રણ દિવસોથી વિમાનોની ઉડાણો પ્રભાવિત થઈ રહી છે. દિલ્હી એરપોર્ટ પર ઓછી વિઝિબિલીટીની પ્રક્રિયા હજુ પણ યથાવત્ છે. જોકે, ઉડાણોના સંચાલન પર કોઈ અસર પડી નથી.
આ સાથે દિલ્હી એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે એ ઉડાણોના લેટેસ્ટ શેડ્યુઅલ માટે એરલાઈન્સનો સંપર્ક કરે. એરપોર્ટ પર ૧૦૦થી વધુ ઉડાણો મોડી પડી છે.SS1MS