Western Times News

Gujarati News

વાઇબ્રન્ટ ગુજરાત બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડીંગ ગુજરાતને સાર્થક કરે છે : ભાનુબેન બાબરીયા

‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર’ કાર્યક્રમનો પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ

વાઇબ્રન્ટ ગુજરાત વર્ષ ૨૦૦૩ માં શરૂ થયેલી નાના પાયે ઇવેન્ટ હતી જેને આજે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આ ઇવેન્ટ અંતર્ગત જિલ્લા કક્ષાએ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ભાવનગરમાં તા. ૧૩ અને ૧૪ ઓક્ટોબરના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર’ મોતીબાગ ટાઉનહોલ ખાતે યોજાઇ રહી છે જેનો પ્રારંભ ભાવનગરના પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ ઉદ્યોગકારો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

‘વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ ભાવનગર’ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પ્રભારી અને સામાજિક ન્યાય-અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાનશ્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦ વર્ષ પહેલાં વાવેલું વાઇબ્રન્ટા સમિટનું બીજ આજે એક વટવૃક્ષ બનીને વિશ્વભરમાં ગુજરાતનો ડંકો વગાડી રહ્યું છે.

દુનિયા સમક્ષ વાઇબ્રન્ટ સમિટની સફળતાએ સાબિત કરી દીધુ કે વાઇબ્રન્ટ ગુજરાત બ્રાન્ડિંગ નહીં પણ બોન્ડીંગ ગુજરાતને સાર્થક કરે છે. ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત’ ઉકિતને આ સમિટ દ્વારા દેશ વિદેશમાં પહોંચેલા ગુજરાતના ઉદ્યોગો અને ઔદ્યોગિક ઉત્પાદનો સુપેરે સાર્થક કરે છે એમ તેમણે ઉમેર્યું હતું.

વિકટ પરિસ્થિતિઓમાં થયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત અંગે વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,  ભૂકંપ, દુષ્કાળ સહિત અનેક સામાજિક સમસ્યાઓને કારણે ગુજરાતની આર્થિક પરિસ્થિતિ કપરી બની હતી. આવી વિકટ પરિસ્થિતિઓ અને પડકારોમાંથી રાજ્યને બહાર લાવવાના દ્રઢ નિશ્ચય સાથે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવેલી. પહેલી સમિટ જૂજ લોકોથી શરૂ થયેલી, જે આજે રાજ્ય સરકારના આયોજપૂર્વકના પ્રયત્નો થકી રાજ્યના દરેક જિલ્લા સુધી પ્રસરી છે એમ તેમણે ઉમેર્યું હતું.

વાઈબ્રન્ટ સમિટ વિશે વધુમાં વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, વાઈબ્રન્ટ શબ્દનો અર્થ જીવંત એવો થાય છે. વાઈબ્રન્ટ સમિટ આજે અર્થતંત્રને જીવંત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને દૂરંદેશીપણા થકી શરૂ થયેલી આ સમિટ રાજ્ય અને દેશના આર્થિક વિકાસને વેગ આપવામાં મહત્વનો ભાગ ભજવે છે. વાઈબ્રન્ટ ડીસ્ટ્રિકટ કાર્યક્રમનો ઉદ્દેશ જિલ્લાના નાના-મોટા ઉદ્યોગો, સ્ટાર્ટઅપ, સ્વ-સહાય જૂથો વગેરેને એક હકારાત્મક પ્લેટફોર્મ પૂરું પાડીને રાજ્યના આર્થિક વિકાસની મુખ્યધારામાં સામેલ કરવાનો છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે વધુમાં વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત જેવી ઇવેન્ટ સમજદારી, જવાબદારી અને ભાગીદારી થકી સાર્થક બને છે, જે આપણા વડાપ્રધાનશ્રીએ સુપેરે સાર્થક કરી બતાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ ૨૦ વર્ષ પહેલાં લાંબા ગાળાના દ્રષ્ટિકોણ સાથે આ યોજનાનો દિશાસૂચક આયોજન થકી પ્રારંભ કરાવેલો. વડાપ્રધાનશ્રીના વિઝનને સાકાર કરવાની દિશામાં કાર્ય કરતાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જવાબદારીપૂર્વક આ ઉપક્રમને આગળ ધપાવતાં આજે રાજ્યના દરેક જિલ્લામાં રોજગારી સર્જન કરવાના સંકલ્પ સાથે વાઈબ્રન્ટ ડીસ્ટ્રિકટ કાર્યક્રમ શરૂ કરાવ્યો છે.

ભાવનગર જિલ્લાના આર્થિક વિકાસ અને વાઈબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ વિશે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં આજે અનેકવિધ વિકાસ પ્રકલ્પો પ્રજા માટે સાર્થક બનાવાઈ રહ્યાં છે. બે દિવસ સુધી ચાલનારી આ સમિટમાં અનેક વિષયો આધારિત સેમિનાર યોજાવાના છે તથા એક્ઝીબિશનમાં જિલ્લાના અનેક ઉદ્યોગો વિશે લોકોને જાણવાનો મોકો મળશે.

ભાવનગર જિલ્લો આજે હીરા ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉદ્યોગ, ડીહાઈડ્રેશન પ્રોડક્ટ્સ, શીપ બ્રેકિંગ, રોલિંગ મીલ, મીઠાં ઉદ્યોગ માટે જાણીતો છે. આજે દેશના કુલ મીઠાં ઉત્પાદનમાં ૬૦% થી વધુ હિસ્સો ગુજરાત રાજ્યનો છે, જેમાં ભાવનગર અગ્રેસર છે. વાઈબ્રન્ટ ભાવનગર કાર્યક્રમ અંતર્ગત આજે થઈ રહેલા કુલ અંદાજે ૧૬૬૦ કરોડના ૧૭૫ MOU થકી જિલ્લામાં ૨૨ હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે એમ તેમણે ઉમેર્યું હતું.

આ તકે જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતા એ જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ ભાવનગર થકી સ્થાનિક ઉદ્યોગોને ખૂબ જ ફાયદો થશે. આ કાર્યક્રમમાં નાના ઉદ્યોગોથી માંડીને મોટી ઇન્ડસ્ટ્રી પણ જોડાઈ છે જે આ કાર્યક્રમની યથાર્થતા દર્શાવે છે. આ કાર્યક્રમનો ભાવનગરવાસીઓ બહોળી સંખ્યામાં લાભ લે એવું જણાવ્યું હતું.

આ તકે  જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી તન્વીબેન પટેલે પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું.

આ કાર્યક્રમનાં શુભારંભ પ્રસંગે મેયરશ્રી ભરતભાઇ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઈ રાબડિયા, ડેપ્યુટી મેયરશ્રી મોનાબેન પારેખ, જિલ્લ કલેક્ટરશ્રી આર.કે.મહેતા, મહાનગરપાલિકા કમિશ્નરશ્રી  એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, પોલીસ અધિક્ષકશ્રી ડો.હર્ષદ પટેલ, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બી.જે.ભગદેવ, નિવાસી અધિક કલેકટરશ્રી બી.જે.પટેલ, ડે.મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એમ.આર.બ્રહ્મભટ્ટ, પ્રાંત અધિકારીશ્રી હિતેશ જણકાટ સહિતનાં પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.