VibrantGujarat: મોરબીમાં વરમોરા ગૃપ દ્વારા 1000 કરોડના MoU કરવામાં આવ્યા
વાઇબ્રન્ટ ‘ગુજરાત વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ’ને મોરબીમાં જબ્બર પ્રતિસાદ-વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ અન્વયે મોરબીમાં 2800 કરોડના 91 MoU થયા
મોરબી ખાતે તારીખ ૯ અને ૧૦ ઓક્ટોબરે દરમિયાન ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ ભવ્ય કાર્યક્રમનું આયોજન છે. આ કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યું છે. Vibrant Gujarat Under Vibrant Morbi program 91 MoUs worth 2800 crores were signed in Morbi
આ હેતુ મોરબીમાં સાર્થક થયો છે. વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ જબ્બર પ્રતિસાદ સાંપડી રહ્યો છે, જ્યાં આ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ વિભાગોમાં સેક્ટર વાઈઝ વિવિધ ઉદ્યોગો દ્વારા રૂ. ૨૮૦૦ કરોડના ૯૧ જેટલા એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.
રાજ્ય કક્ષાએ યોજાતા વાઇબ્રન્ટ કાર્યક્રમને સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ લઈ જવાનો એક જન કલ્યાણનો ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે. જે થકી જિલ્લા કક્ષાએ વિવિધ સેગમેન્ટ પેદાશોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા માટે તેમજ રોકાણ માટે નવી દિશા મળી રહી છે. મોરબી સિરામિક, ઘડિયાળ સહિતના મોટા ઉદ્યોગોનો જિલ્લો છે ત્યારે મોરબીમાં વિવિધ રોકાણો લાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ હેઠળ વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમના ભાગરૂપે વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. આ એમ.ઓ.યુ. સહિત ૨૮૦૦ કરોડના ૯૧ એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.
વરમોરા ગૃપના ચેરમેનશ્રી ભાવેશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, “મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા તેમજ મોરબીના પદાધિકારી/અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલા ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમમાં વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. હાલમાં વરમોરા ગૃપના ૫૦૦ કરોડના બે પ્લાન્ટ અંડર કન્ટ્રક્શન છે.
આગામી સમયમાં બીજા ૫૦૦ કરોડના ડેવલોપમેન્ટ કામ થશે. આવા એમ.ઓ.યુ. થકી ગુજરાતની વિકાસની ગતિને વધુ વેગ મળશે. આ એમ.ઓ.યુ કરવા બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આ ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમ થકી ઉદ્યોગોની ગતિ વધુ વેગમાન બનશે તેમજ સરકાર અને ઉદ્યોગો વચ્ચેનો સેતુ વધુ મજબૂત બનશે.
હળવદ ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, “વિશ્વના સિરામિક બીજા નંબરના હબ અને ભારતના ૯૦ ટકા ઉત્પાદનના હબ એવા મોરબી ખાતે વરમોરા ગૃપ દ્વારા ૧૦૦૦ કરોડના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. મોરબીને સિરામિકનું વિશ્વ કક્ષાનું ક્લસ્ટર બનાવવા માટે હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.
ઔદ્યોગિક શહેર એવા મોરબીમાં ૨૮૦૦ કરોડના ૯૧ જેટલા એમ.ઓ.યુ. થયા છે. આગામી વાઇબ્રન્ટ ગુજરાતમાં મોરબીના રોકાણનો આ આંકડો ૧૦૦૦૦ ને પાર કરશે તેઓ આશાવાદ પણ આ તકે ધારાસભ્યશ્રીએ વ્યક્ત કર્યો હતો અને જિલ્લાઓની સરખામણીમાં મોરબી જિલ્લો વાઇબ્રન્ટ ગુજરાતમાં સક્ષમ રીતે સહભાગી બનશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
આ ઉપરાંત ઉદ્યોગકારો તેમજ સ્ટાર્ટ અપ કરતા લોકો માટે વિવિધ વિષયો પર સેમિનાર અને પ્રેઝન્ટેશન, ઉદ્યોગકારો તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે ઓપન હાઉસ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ પેદાશો માટે પ્રદર્શન સહ વેચાણ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.